Archive for the ‘મિત્ર’ Category
દોસ્ત : ‘મરીઝ’
Sunday, August 7th, 2011.
( બાળપણનાં દોસ્ત )
એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત ,
પગલાં બની ગયા છે, તમારા ચરણના દોસ્ત.
ઊભરો રહે ન દિલમાં, ન બદનામીનો ડર,
શોધુ છું ભેદ કહેવાને, નબળાં સ્મરણના દોસ્ત .
એના લીધે નીભાવી લીધી કંઈક દોસ્તી,
બાકી અમે અહીં હતા, બસ એક જણના દોસ્ત.
હિમંતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હોય,
ખાબોચિયામાં તરમાં દીઠા છે ઝરણનાં દોસ્ત.
એનું થવાનું એ જ કે પટકાશે આમતેમ,
દરિયાનાં મોજેમોજાં થયા છે તરણના દોસ્ત.
તારા લીધે ખુવાર થયો છું જહાનમાં,
ઢાંકણ એ ભેદ ના, બૂરા આચરણના દોસ્ત.
ઓ દોસ્ત ! કોઈ દોસ્તનો નથી એમાં કસૂર,
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત.
ક્યારે વજન હું એમનું પામીશ શું ખબર ?
કંકર લઈને તોળું છું લાખ મણના દોસ્ત.
જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’
મોટા બની ગયાં છે બધાં બાળપણના દોસ્ત.
- ‘મરીઝ’
.
.
ફ્રેન્ડશીપ બેલ્ટ ન’તો બાંધેલો કારણકે ત્યારે એટલો બધો trend ન હતો પણ, હાથમાં હાથ લઇ, પગલાં સાથે પગલાં મિલાવી જેની સાથે રમ્યાં, ઝઘડ્યાં કે પછી સ્કૂલ/કોલેજમાં કોઇ વાર ’હાય’ કરેલું - એવાં સૌ મિત્રો આજે દિલમાં ડોકિયું કરી જ ગયાં. એ સૌ મિત્રો અને મારા વાચકોને મૈત્રીમુબારક.
વતનમાં જઇને મરીઝ સા’બનાંબાળપણનાં દોસ્ત ‘મોટાં’ થઇ ગયાં – પણ, આપણને સૌને દિલથી ‘મોટા’ અમીર દોસ્ત મળે તેવી શુભકામનાઓ.
,
,
,
,
હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા
Saturday, July 31st, 2010
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઊડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
મને પૂછ્યા વગર લઈ જાય બાઇક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
પ્રથમ તો ફોસલાવીને મને એ, મારી અંગત વાત જાણે ને, પછી ?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
કદી મારા ઘરે મહેમાન થઈ આવે, પછી હું મૂકવા જઉં અને,
મને ખુદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
કરે હેરાન હરપલ એટલું કે, આંખમાં આંસુ જ આવી જાય, પણ ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
- અનિલ ચાવડા
શબ્દકોશની વ્યાખ્યા કે સાહિત્યકારોની વિભાવના પણ મિત્રને શબ્દશઃ ઉકેલી ના શકે, પણ કવિમિત્ર અનિલની આ ગઝલ વાંચી ચોક્કસ બોલી ઉઠશો , અરે…. યાર, આને જ તો કહેવાય મિત્ર ! આવો જ હોય ખરો મિત્ર… ! મૈત્રી દિનનાં દિવસે ( ૧ ઓગષ્ટ,૨૦૧૦) આપ સૌ વાચકમિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ !
.
મિત્રો : હષૅ બ્રહ્મભટ્ટ
Sunday, August 2nd, 2009

છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો,
આંખ છે સ્નેહથી સજળ મિત્રો.
એમ ધબકે છે ધરતીનો કણકણ,
દિલ સમું લાગતું આ સ્થળ મિત્રો.
ચોતરફ હષૅનો ગુલાલ ઊડે,
જીવવું થૈ ગયું સફળ મિત્રો.
એમ પગલાં પડ્યાં છે આંગણમાં,
ચોતરફ ઊઘડ્યાં કમળ મિત્રો.
સ્વર્ગ ઊતર્યું છે આજ ધરતી પર,
આભ જોતું ચકળવકળ મિત્રો.
હોય સદ્.ભાગ્ય હષૅ તો જ મળે,
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.
- હષૅ બ્રહ્મભટ્ટ
“ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે;
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.”
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ તો કહે છે, એક સરસ મિત્ર હોય તો પૂરતું છે. પણ આજે Friendship Day નાં દિવસે, વૅબમહેફિલને એક વર્ષ પૂરું થાય તે પહેલાં ૭૦૦ મિત્રોના ids એકાઉન્ટમાં જોઈ ખરે જ આનંદ થાય છે. આપ સૌ કવિમિત્રો અને વાંચકમિત્રો પ્રત્યે મારી નીતરતી લાગણીઓને – હષૅ બ્રહ્મભટ્ટનાં શબ્દોમાં જ વર્ણવી મિત્રદિનની શુભેચ્છા પાઠવું છું.
.


