Archive for the ‘રાધા’ Category
રાધાની આંખ : વિવેક ટેલર
Monday, August 22nd, 2011.
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા, તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ, તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ, આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ, આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
- વિવેક ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)
.
.
દર વરસે જન્માષ્ટમી આવે , કૃષ્ણજન્મોત્સવ ઊજવીએ અને મનમાં થાય કે, યદા યદા હિ ધર્મસ્ય … કહેનારો આ વરસે પણ જન્મ્યો નહીં ?!! હજુ પણ વધુ અધર્મ ધરતી પર આવવાની રાહ જોતો હશે કે પછી રાધાની રાહ જોતો હશે ?!! વિવેકભાઈનું રાધાગીત કહે છે, એમ જાત ને ઝુરાપાની નદિયુંમાં નાંખીએ તો તેની મોરલીનાં સૂર સંભાળાય… ! આપ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ.
.
.
..
.
હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ
Thursday, February 4th, 2010

( સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ )
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
- રાજેન્દ્ર શાહ
વસંતનાં પગલાં મનુષ્યનાં હ્રદયમાં એવાં કામણ કરી જાય કે, હોરીનાં રંગોમાં રંગાઈ, ભીંજાયને જ તે તૃપ્ત થાય છે. તો વળી, કાનુડાનાં કામણ વસંતથી ઓછા થોડાં છે ? હોરી અને તે પણ કાન્હા સંગ…. વ્રજ બોલીમાં રચિત આ હોરી ગીત કદાચ એટલે જ આટલું કામણગારું લાગે છે. બસ… ફૂલન હાર ગળામાં, બીજી કોઈ હાર જેને કબૂલ જ નથી, તેવી આહિરની બેટી, અપની ધૂનમાં જ મસ્ત છે. પણ પ્રથમ પંક્તિમાં જ સાંવરિયાની આંખે છલકાતાં જોબનિયાના લાલ રંગમાં તેની ચોરી અને ચુનરિયા કેવી ભીંજાઈ ગઈ છે ?
.
મિલેનિયમ રાધાનું ગીત : અશોક ચાવડા ‘બેદિલ’
Monday, August 10th, 2009
રાધાએ સાડીને કબર્ડમાં મૂકી ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
બિચારો શ્યામ ઘણો કન્ફયુઝ થયો છે એને રાધાની લાગ્યા કરે બીક
વાંસળીના સૂરોથી ન રાધા રોકાય એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં ને ઉપર લગાવે છે સેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
રાધા ક્હે શ્યામ તમે માખણના બદલામાં ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ તમે લઇ આવો મારુતિકાર
રે’વાને ફ્લેટ મારે જોશે ઓ શ્યામ, મને ફાવે નહીં તારો આ ટેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઇમ્પ્રેસ કરવાને તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ શ્યામની કરે છે કોમેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ
- અશોક ચાવડા ‘બેદિલ’
શ્રાવણ એટલે સરવરિયા, સાંવરિયો અને સારેવડાં… જોકે આ વર્ષે સરવરિયા તો ઠીક ઝરમરિયા પણ નથી અને સારેવડાં એટલેકે, ફરાળની પણ આઈટમ બદલાઈ ગઈ. ફરાળી બફવડા, ફુલવડી, પાતરા, તો બિસ્કીટ્સ, પીઝા અને અમદાવાદમાં તો પંજાબી/ચાઈનીસ પ્લેટર્સની જેમ ફરાળી પ્લેટર્સ પણ હોટેલમાં મળે છે. બસ બાકી રહ્યો સાંવરિયો એટલે કે કાનુડો … કાનુડાની તો ફરી ક્યારેક વાત …. પણ આજે માણીએ કાનુડાની બદલાયેલ મિલેનીયમ રાધાનું ગીત …. … !! જેને આશિત દેસાઈએ સ્વરબદ્ધ પણ કર્યું છે.
.

