Archive for the ‘વરસાદમાં – રદીફ’ Category
વરસાદમાં : ભગવતીકુમાર શર્મા
Saturday, November 27th, 2010.
યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.
બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.
કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.
મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.
મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !
પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.
આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.
- ભગવતીકુમાર શર્મા
.
.
વરસાદમાં પ્રિયજનની યાદ આવે અને સાથે જ, વરસાદની સાથે તાલ મિલાવવા આંખમાંથી ટપકે ઝરમર વરસાદ ! તો, મોરના ટહુકા સાંભળી છાતીમાં પણ ઊપડે સણકા. બસ પછી તો બારણું પણ ડૂસકાં ભરે…. !
.
.
.
.
વરસાદમાં : ડૉ. મહેશ રાવલ
Friday, November 26th, 2010.
કેવું હ્રદય હરખાય છે વરસાદમાં !
નમણાશ બમણી થાય છે વરસાદમાં !
હોઠે ન આવી હોય એ વાતો બધી,
શબ્દો વગર થઈ જાય છે વરસાદમાં !
તન મન દઝાડે જે પવન વૈશાખમાં,
મલ્હાર ગાતો વાય છે વરસાદમાં !
પાલવ ધરાનો કેટલો શોભે હરિત !
સુંદરપણું છલકાય છે વરસાદમાં !
ખળખળ વહે છે સ્વપ્ન,જીવન સીંચતાં,
કાંઠા સજીવન થાય છે વરસાદમાં !
નીકળે ક્વચિત અપવાદ માણસ, આમ તો
પથરા ય પલળી જાય છે વરસાદમાં !
હર બુંદમાં દેખાય છે એની ઝલક,
ઈશ્વર સ્વયં મલકાય છે વરસાદમાં !
- ડૉ. મહેશ રાવલ
.
.
વૈશાખી વાયરાથી દાઝેલાં હોઇએ ત્યારે અષાઢમાં તો વરસાદ વ્હાલો લાગે જ. પરંતુ, કારતકની સૂસવાટા મારતી ઠંડીમાં પણ વરસાદને કોઈ વગોવે તો નહીં જ… કારણ એની હર બુંદમાં જાણે કે ઈશ્વર સ્વયં મલકાય છે.
.
.
.
.
વરસાદમાં : હેમંત કારિયા
Thursday, November 25th, 2010
.
જ્યારે પણ ખોવાણો છું વરસાદમાં,
હું મને દેખાણો છું વરસાદમાં.
તું ભલે વરસાદમાં ભીંજાણો હો,
હું તો ભઇ રંગાણો છું વરસાદમાં.
આ ભીની મોસમ ને તારી દૂરતા,
કેટલો પસ્તાણો છું વરસાદમાં.
કોઇ રોતું જાય છે હર પળ મને,
આંસુ થઇ રેલાણો છું વરસાદમાં.
કેમ છોડું ગાંઠ આ ભીની-ભીની ?
વાછટે બંધાણો છું વરસાદમાં.
- હેમંત કારિયા
.
.
આજે ફરી માણીએ વરસાદમાં એક વરસાદી ગઝલ……. ! ભીની ભીની આ વરસાદી ગાંઠ જલ્દી થોડી છૂટશે ?!! એટલે કે આજે અને કાલે પણ વરસાદમાં બે વરસાદી ગઝલ !!
.
.
.
.
વરસાદમાં : ચીનુ મોદી
Wednesday, November 24th, 2010
આપણે પલળ્યા હતા સાથે ગયા વરસાદમાં,
હું પછી શું કામ પલળું આજના વરસાદમાં ?
દૂર ઊભા શું કરો છો એ જ સમજાતું નથી,
સ્હેજ પાસે આવી બોલો આટલા વરસાદમાં.
કેટલો રમણીય અમને વ્હેમ જીવાડી ગયો,
આંસુના તોરણ તમે બાંધી જતાં વરસાદમાં.
મારી જેમ જ સાવ ચંચળ જીવ હોવાને લીધે,
રાત-દિન આશ્રય વગર પલળી હવા વરસાદમાં.
આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત,
એમને ‘ઇર્શાદ’ ક્યાં સંભારવા વરસાદમાં ?
- ચીનુ મોદી
ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા દૂર કરવા જાણે કે પ્રકૃતિ સંતુલન સાધી રહી હોય એમ, ભર શિયાળામાં વરસાદી વાતાવરણ જામી ગયું છે. આપણે પણ પલળ્યા હતાં ગયા વરસાદમાં…. પણ ભીંજાવાનું બહાનું મળે અને કોરા રહી જઇએ તો કેમ ચાલે ? વૅબમહેફિલ પર ચોમાસામાં એક જ દિવસમાં બાર ગઝલો ‘ વરસાદમાં’ રદીફ પર માણેલી …. તો આજે એ જ રદીફ પર ચીનુકાકાની કલમે એક ગઝલ માણીને ફરી એક વાર ભીંજાઇએ. આ સાથે ‘વરસાદમાં’ અન્ય ગઝલો પણ જરુરથી માણશો. આભ ગોરંભાતું હોય ત્યાં બારી ન વાસી દેતાં !
વરસાદમાં : રાજેન્દ્ર પાઠક
Sunday, July 19th, 2009
એ અવશ થૈ પલળે ફરી વરસાદમાં,
ને સહજમાં મલકે ફરી વરસાદમાં.
એ નદી અંતે બંધ તોડી નીસરી,
શાંત સાગર ઉછળે વરસાદમાં.
રાત આવી છે ગીતને મમળાવતી,
કોણ પાસે સરકે ફરી વરસાદમાં.
વીજળીના ઝબકાર શી લાગે ચમક,
અંગ કોના થરકે ફરી વરસાદમાં.
ઝુલ્ફથી જો ટપકે શિકર મોતી બની,
શ્યામ વાદળ તરસે ફરી વરસાદમાં.
- રાજેન્દ્ર પાઠક
વરસાદ ન હોય તો ‘વરસાદમાં’ ન ભીંજાવાય એવું કોણે કહ્યું ? જો ‘વરસાદમાં’ એ એક જ રદીફ પર દશથી વધુ ગઝલો એકસાથે વાંચવા મળે તો ભીંજાઈ જ જવાયને .. !!
.
વરસાદમાં : યામિની વ્યાસ
Sunday, July 19th, 2009
સાવ એકલતા અડે વરસાદમાં,
યાદનાં ફોરાં પડે વરસાદમાં.
યાદ છે, તરબોળ ભીંજાયા હતાં,
બાગના એ બાંકડે વરસાદમાં.
બાળપણમાં કેટલા મોતી ગણ્યા!
થોકડે ને થોકડે વરસાદમાં.
મહેંકતી માટી સમો મહેંકી ઊઠે,
રોટલો પણ તાવડે વરસાદમાં.
ચાંચમાં ટહૂકી લઈ ઝૂમે વિહંગ
નીડ એને ક્યાં જડે ? વરસાદમાં.
ઘર વિચારે, કોણ આ ગાતું હશે?
છાપરે નેવાં દડે વરસાદમાં.
- યામિની વ્યાસ
મિત્રો , આજે વરસાદમાં ભીંજાવાની એક ઓર તક મળી, એટલે કે , એ જ રદીફ પર આજે ૧૪મી ગઝલ … ! કોણ જાણે કેમ પણ વરસાદમાં એકલાં પલળવાની ( ભીંજાવાની ) મજા તો ન જ આવે અને એકલતા અનુભવાય. પછી તો બસ…. વરસાદનાં એક-એક ફોરાંમાં એક પછી એક પાણીનાં ટીપાંને બદલે યાદ જ ટપકતી જાય. યાદ પછી પ્રિયજનની હોય કે બાળપણની … તો ભીની ભીની માટીની મ્હેંક અને તાવડી પર શેકાતાં રોટલાની મીઠી સોડમ આપણને સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી, ઘરનાં દડતાં નેવાંનું સંગીત સાંભળવા મજબૂર પણ કરી દે છે.
.
