Archive for the ‘વરસાદમાં – રદીફ’ Category
વરસાદમાં : અદી મિરઝા
Sunday, July 19th, 2009
એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં.
કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં.
એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.
દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.
છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’
શાયરી દુલ્હન બની વરસાદમાં.
- અદી મિરઝા
પ્રિયજન વિના તો વરસાદમાં પણ આગ લાગી જાય….. જે ધોધમાર વરસાદ પણ ઓલવી ના શકે. અને ત્યારે – કવિને મન તો બસ ગઝલ જ દુલ્હન… !!
.
વરસાદમાં : અશોક પંચાલ
Sunday, July 19th, 2009
શૈશવ મને બસ સાંભરે વરસાદમાં,
ને પીઢતા પણ કરગરે વરસાદમાં.
તારૂં અહીંથી દૂર હોવું શ્રાપ છે,
નાજુક બદન આખું બળે વરસાદમાં,
એ પારદર્શક આવરણનું ટૂટવું
ને શખ્સ બીજો સળવળે વરસાદમાં
સંવાદ ધરતીને ગગનનો સાંભળું,
ટહુકા પ્રણયના પાંગરે વરસાદમાં.
થીજી ગયેલા વાદળા પડખું ફરે,
ભૂતકાળ મારો વિસ્તરે વરસાદમાં.
- અશોક પંચાલ
શૈશવ, યુવાની અને પ્રૌઢતા – વરસાદ માટે કોઈ પણ ઉંમરનો બાધ હોતો નથી. તુષારભાઈ કહે છે એમ, તમે જન્મ્યા તે વર્ષનો વરસાદ તમારો પહેલો વરસાદ નથી. પણ જે વરસાદમાં તમે પહેલી વાર ભીંજાયા તે વરસાદ પહેલો વરસાદ…. !! જે ૧૦ વરસે, ૨૦ વરસે કે ૫૦ વરસે પણ હોઈ શકે.
.
વરસાદમાં : ઉર્વીશ વસાવડા
Sunday, July 19th, 2009
એ રીતે આવીને મળ વરસાદમાં,
છોડ છત્રી, ને પલળ વરસાદમાં.
આપણું શૈશવ મળે પાછું ફરી,
હોય એવી બે’ક પળ વરસાદમાં.
તાપથી તપતી ધરાના દેહ પર,
લેપ લપાતો શીતળ વરસાદમાં.
મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં,
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં.
વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી,
તું કહે વરસે છે જળ વરસાદમાં.
- ઉર્વીશ વસાવડા
હિતેનભાઈએ કહ્યું એમ, કાગળની હોડી તરે તે તો બસ… આવડત કે શ્રદ્ધાનો વિષય પણ શૈશવની બે’ક પળ પાછી તો મળી જ જાય છે વરસાદમાં… !! તો ઈશ્વરનું વ્હાલ વરસતું હોય ત્યારે મોર, ચાતક, વૃક્ષ, સકળ સૃષ્ટિની સંગાથમાં મન છત્રી છોડી નાચી જ ઊઠે… ને.
.
વરસાદમાં : હિતેન આનંદપરા
Sunday, July 19th, 2009
વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.
સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.
મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની કળા જોયા કરે વરસાદમાં.
પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.
ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.
કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.
આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
- હિતેન આનંદપરા
સાવ શુષ્ક થઈને જીવતો, આપણી અંદરનો માણસ પણ વરસાદમાં ભીંજાઈને ખળભળે અને ત્યારે કામ પર જવાનું મન ના થાય તે તો સ્વાભાવિક છે પણ કામ પર નહીં જવાનું કોને પોસાય ? પણ મોરની ‘કળા’ જોવા ફરી ક્યારે મળે – તો આજે રવિવારની રજામાં તો આવું પરવડવું જ જોઈએ.
.
વરસાદમાં : રઈશ મનીઆર
Sunday, July 19th, 2009
મત્ત છે વાતાવરણ વરસાદમાં,
યુગ, સદી, દિવસો ને ક્ષણ વરસાદમાં.
મનને શું કરવું કઠણ વરસાદમાં ?
તું ત્યજી દે આવરણ વરસાદમાં.
કંઈ પુરાણા બંધ તૂટતા જાય છે,
કંઈ નવા ફૂટે ઝરણ વરસાદમાં.
ઉચ્ચતા ખુદની ત્યજીને આખરે,
નભ ધરાનું લ્યે શરણ વરસાદમાં.
મન કરે તો મન મૂકી ભીંજાઈ જા,
આમ ટીપાંઓ ન ગણ વરસાદમાં !
હું ઉકેલું છું આ વાદળની લિપિ,
ના ! નથી રહેવું અભણ વરસાદમાં.
લ્યો, ફરીથી આ વખત પણ જઈ મળ્યાં-
અશ્રુબિંદુ બે કે ત્રણ વરસાદમાં.
મેઘ મૂશળધાર અંદર ને બહાર,
યાદ આવે એક જણ વરસાદમાં.
- રઈશ મનીઆર
વરસાદમાં અભણ રહેવું કેમ પોષાય- વાદળની લિપિ ઉકેલાય છે ને ? આજે તો નભ પણ ઝૂકી ધરાનાં શરણમાં આવ્યું છે ક્યાં સુધી ટીપાં ગણશો વરસાદમાં… ?!!
.
વરસાદમાં : ‘આદિલ’ મન્સૂરી
Sunday, July 19th, 2009

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !
કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં,
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
- ‘આદિલ’ મન્સૂરી
આદિલસા’બની કલમથી શરુ થયેલ વરસાદમાં ગઝલ… અને આ જ રદ્દીફની અન્ય કવિઓની બાર ગઝલોનાં ધોધમાર વરસાદમાં ભીંજાઈશું આજે આખો દિવસ… !! બસ તો આજે વરસાદમાં કોઈ ભીંતો ના ચણતાં … અને પછી તો મક્તાના શેરમાં કહ્યું છે એમ, ” લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં, છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.”
.
