Archive for the ‘વરસાદ’ Category
સાદ પાડે લાડમાં : હર્ષદેવ માધવ
Friday, August 27th, 2010.

( કળીનું ફૂલ ફૂટે આંખમાં )
.
ક્યાં ઝરણ ફૂટી રહ્યું છે પહાડમાં,
આજ ચોમાસું છે હાડેહાડમાં,
એય ! ખળખળ થાય એવો હાથ છે,
કઈ ગલી ધબકી રહી છે નાડમાં.
એ કળીનું ફૂલ ફૂટે આંખમાં,
જે કળી ફૂટી રહી છે ઝાડમાં.
શુષ્કતામાં યાદનું આવાગમન,
જેમ કલબલ હોય લીલો વાડમાં.
નીડ-પરવશ પાંખ આજે છૂટશે,
આભ એને સાદ પાડે લાડમાં.
- હર્ષદેવ માધવ
.
હવે તો આપણાં હાડેહાડમાં ચોમાસું ફૂટી ગયું છે અને ત્યારે કવિ વર્ણવે છે એવી કંઇક લીલી યાદોને માણી લઇએ… ! જોકે, આજે પણ વાદળો ઘેરાતાં, મનને તો પાંખ ફૂટી જ આવે જાણે કે, આભ એને સાદ પાડે લાડમાં.
.
.
.
.
શ્રાવણ આવ્યો : ભાલણ
Friday, August 20th, 2010
શ્રાવણ આવ્યો, જો રે, રાજની, શૂં કીજે ? નવ્ય જાય રજની.
શાંમસુંદર તો નાવ્યો રે, બાઈ, લંપટ સાથિ સી રે સગાઈ ?
તેહને તો ત્યાંહાં ઘણીએ મ્યલશ્યે, હઇડું અહ્મારું વિરહે બલશે.
બાપીડો ‘પીઉ પીઉ’ પોકારે, મનમથ પાંચે બાંણે મારે.
વીજલડી તણે ચમકારે, માહારા મનડાને અંગારે,
હોય નહિં જે એહને વારે, કાયા માહારે અમૃત ઠારે.
મોર બોલે છે એ પાપી, સહલે મ્યલીને હૂં સંતાપી,
વેલ્ય દેવડાંજાએ જૂઈ ફૂલ તણી ગંધે હૂં મૂઈ.
સઘલાં વાહાલાં તો લાગે, રમીએ પથ રમતાં તાં આગે,
વૃંદાવન માંહિ હરિ સાથે ફૂલ વીણીએ વલગી હાથે.
હરજી હાર ગૂંથી પેહરાવે, તો મુઝ મોર નાચતો ભાવે.
ફોરાં લાગે, કાયા કાંપે, સુંદરવર રદયા-સું ચાંપે.
વિરહણીને વરસે તો બલતૂં, ઉહલાનું નવ્ય દીસે વલતૂં.
વરસાડો વાહાલો તાં તેહને, વશે હોય મન કાંન્યે જેહનેં.
કો છે જે નંદસુતને લ્યાવે, માહારા રદેનો તાપ સમાવે ?
અથવા માહારા ચીતને વાલે, પીતાંબર-સું પ્રીત જ ટાલે ?
તેણે કરી હૂં ઘણૂં વીગૂતી, એકે દિન સુખે નવ્ય સૂતી.
એ વિરહે મરવું તે વારુ, આસા જૂઠી આવ્યા સારુ.
ત્યાંહાં તો ચાલી ન જવાએ, એહવાં નીલજ ક્યમ થવાય ?
ભાલણપ્રભુ રાખે કે ન રાખે, જેહને ચાલતું સીતા પાખે,
તેહને તો ત્યાંહાં બીજી નોહતી, તેહને છે ઘણીએ પહનોતી.
- ભાલણ
( રાગ : મલ્હાર )
ભાગવતના દશમસ્કંધનો સારાનુવાદ કરતાં ભાલણે, કૃષ્ણલીલાનાં સુંદર શબ્દચિત્રો આલેખ્યાં છે. ભાલણની રચનાઓની હસ્તપ્રતમાં ક્યાંક રાધા-કૃષ્ણનાં રંગચિત્રો પણ જોવાં મળે છે. કે.કા.શાસ્ત્રીનાં માર્ગદર્શન હેઠળ ધીરુભાઈ દોશીએ નોંધ્યું છે કે, હસ્તપ્રતોમાં પણ, લહિયાએ સમયાનુસાર છૂટ લઇ, શબ્દોમાં ફેરફાર કરેલો જોવા મળે છે. આજની આ રચનામાં, જોડણી અને શબ્દો મેં જાણીજોઇને યથાવત્ રાખ્યાં છે. વળી, દરેક પદોમાં રાગનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે, પંદરમી સદીમાં પણ તેઓ કેટલાં કળાકુશળ હતાં. વળી, તેઓએ વ્રજ ભાષામાં પણ પદો લખ્યાં છે.
.
.
.
શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ
Thursday, July 22nd, 2010

( મેઘધનુષની રંગ રમત )
શ્રાવણની એ સાંજ હતી,
સરક્યાં સાળુડે સંતાયા, લોચનમાં થોડી લાજ હતી.
આંખ કટોરી, રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી,
એ રંગે રંગાઇ સંધ્યા, અંતરનો અંદાજ હતી.
શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્યામની,
ઘન ગગનમાં ગોરંભાઈ ગલી ગોકુળ વૃન્દાવનની,
નીતરતી વર્ષા ઘેલી કો’ ગોપીનો અવાજ હતી.
વાદળ કેરા ઘૂંઘટપટમાં, મેઘધનુષની રંગ રમતમાં,
અર્ધ ખૂલેલાં તારલિયાની આંખ્યું તીરંદાજ હતી.
શ્રાવણની એ સાંજ હતી.
- અવિનાશ વ્યાસ
શ્રાવણનાં સરવડાંને મેઘધનુષી રંગોમાં રંગાયેલી સંધ્યાએ ઝીલવાં એટલે શ્યામની મુરલીમાંથી વહેતાં સૂરને ઝીલવાં ! અને એવી જ કોઇ શ્રાવણી સાંજને કવિએ અદ્ભૂત રંગોથી રંગી, તેટલી જ અદ્ભૂત રીતે સૂરથી મઢી છે. ( ઓડીયો : સાધના સરગમ, રણકાર )
.
શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી
Tuesday, July 20th, 2010

શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા ! અરધી વાટે તું રેલીશ મા !
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં, હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !
આછાં છાયલ અંગનાં, જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો, રખે ને રેલ્યો જાય.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર ;
તું વરસીને રહી જશે, એનો બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !
- ઉમાશંકર જોશી
શ્રાવણી સવારે, માથે હેલ લઇ પાણી ભરવા નાયિકા ચાલી, પણ, ગગનમાં વાદળો છવાયેલાં જોઇ તે શ્રાવણને નહીં વરસવા વિનંતી કરે છે. શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા ! તારે તો સરવડાં એટલે કે, તું તો, થોડુંક વરસીને રહી જઇશ, પણ મારું તો હૈયું ભીંજાઇ જશે. વળી, ભીંજાયેલું હૈયું , પિયુને સાંભરશે ત્યારે મારા નયનોમાંથી અવિરત આંસુની ધારા બારેમાસ વહેશે તેનું શું ?
શબ્દાર્થ : છાયલ - ( સંસ્કૃત – છાયાવત્ ) છાપેલી સાડી. કંચવો – ( સંસ્કૃત – કંચુક ) કમખો, કાપડું, બ્લાઉઝ. સરવડાં – ઝાપટું, થોડુંક વરસીને રહી જવું.
વિશેષ : કવિ શ્રી ઉમાશંકર જોશીનાં જન્મશતાબ્દીપર્વ (૨૧ જુલાઇ, ૨૦૧૦) નાં ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૮ વાગ્યે તેમનાં નિવાસસ્થાનેથી સાહિત્ય પરિષદ સુધી યાત્રા કર્યા બાદ ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી પરિસંવાદ યોજવામાં આવેલ છે. ત્યાર બાદ, સાંજે ૬:૦૦ થી ૮:૩૦ તેમણે રચેલ કાવ્યગાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સ્થળ : ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ
.
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે
Monday, July 19th, 2010

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી, પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી, પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી, પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી, આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી, આ હરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી, એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી, આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.
આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી, પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી, પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.
- બાલમુકુન્દ દવે
આષાઢી અવસરને ઊજવ્યાં બાદ, શ્રાવણની નીતરતી જલધારાને ઝીલવું ગમશેને ?!! શ્રાવણનાં સોહામણાં દિવસો - એ તો કો’ જતિ - સતીનાં તપનું પુણ્ય. કપૂર જેવી કાયા તો પળમાં ધૂપ બની ઊડી જશે. નેવલેથી ટપકતાં આ અમૃતને હૈયે ઝીલી લેજો, એળે ના જવા દેતાં…. !
.
અષાઢમાં : મનોજ ખંડેરિયા
Saturday, July 17th, 2010

( ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં… ફોટો : મિલિન્દ ગઢવી )
એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં,
ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં.
ભૂરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે,
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.
કોઈ તરસતી છે જો યુવાની ધરા રુપે,
કોઈ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં.
જોજે ન લાગે કોઈ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.
અલકાની યાદ આવી તરત જાય છે ઊરે -
નેવાં નીચે નિહાળી કબૂતર અષાઢમાં.
- મનોજ ખંડેરિયા
आषाढस्य प्रथम दिने - થી આજ સુધી, અષાઢી અવસરને ઉજવતાં ગીત અને ગઝલોમાં ચોક્કસ ભીંજાયા જ હશો. ચૈતર-વૈશાખથી તરસતી ધરા પર , અંબરનું હેત અષાઢમાં મન મૂકીને વરસે ત્યારે કોરાં ન રહી જતાં… !
.
