Archive for the ‘વરસાદ’ Category

  • ચોમાસું : મનોજ ખંડેરિયા
  • વરસાદમાં : પ્રજ્ઞા વશી
  • વરસાદમાં : યામિની વ્યાસ
  • आषाढस्य प्रथम दिवसे ? : લાલજી કાનપરિયા
  • અજવાળાં ઝકોર ! : ભાનુપ્રસાદ પંડ્યા
  • અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા
  • અષાઢમાં : મનોજ ખંડેરિયા
  • આ પ્રથમ વરસાદમાં : તુષાર શુક્લ
  • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે
  • આયો અષાઢ ! : પ્રદ્યુમ્ન તન્ના
  • એવુંય ચોમાસું હતું : ધ્વનિલ પારેખ
  • કૈંક લીલુંચટ્ટાક : રમેશ પારેખ
  • ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ! : ધ્રુવ ભટ્ટ
  • ચાલ હવે : હિતેન આનંદપરા
  • ચોમાસામાં વનવર્ણન
  • ચોમાસું ક્યાંક આસપાસ છે : તુષાર શુક્લ
  • છત્રી : પ્રીતમ લખલાણી
  • તડકાછાંયા ભીંજવી ગયું : રમેશ પારેખ
  • તારો મોબાઈલ નથી રેન્જમાં : ગૌરાંગ ઠાકર
  • તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા
  • નેવાં : મનોજ ખંડેરિયા
  • મારી આંખોએ બેઠું ચોમાસું : એષા દાદાવાળા
  • મેઘ-મુબારક : નીતિન વડગામા
  • રે આજ અષાઢ આયો : નિરંજન ભગત
  • લીલાછમ પાંદડાએ : મૂકેશ જોશી
  • લીલુંછમ ચોમાસું : વિપિનકુમાર કિકાણી
  • લીલુંછમ લીલુંછમ : દીવા ભટ્ટ
  • લે લખ ગઝલ : હર્ષ બ્રહ્મભટ્ટ
  • વરસાદ : અશોક ચાવડા ‘બેદિલ’
  • વરસાદ : વીરેન્દ્રકુમાર ભટ્ટ
  • વરસાદ પડે છે : મૂકેશ જોશી
  • વરસાદ ભીંજવે : રમેશ પારેખ
  • વરસાદ હોવો જોઇએ : દિલીપ જોશી
  • વરસાદની ગઝલ : રઈશ મનીઆર
  • વરસાદમાં : ‘આદિલ’ મન્સૂરી
  • વરસાદમાં : અદી મિરઝા
  • વરસાદમાં : અશોક પંચાલ
  • વરસાદમાં : ઉર્વીશ વસાવડા
  • વરસાદમાં : ગૌરાંગ ઠાકર
  • વરસાદમાં : ચીનુ મોદી
  • વરસાદમાં : ડૉ. દિલીપ મોદી
  • વરસાદમાં : ડૉ. મહેશ રાવલ
  • વરસાદમાં : ધ્વનિલ પારેખ
  • વરસાદમાં : ભગવતીકુમાર શર્મા
  • વરસાદમાં : રઈશ મનીઆર
  • વરસાદમાં : રમણ વાઘેલા
  • વરસાદમાં : રવીન્દ્ર પારેખ
  • વરસાદમાં : રાજેન્દ્ર પાઠક
  • વરસાદમાં : સુધીર પટેલ
  • વરસાદમાં : હિતેન આનંદપરા
  • વરસાદમાં : હેમંત કારિયા
  • વરસાદે દીધી તાલી : જતીન બારોટ
  • વરસાદે વરસાદે કોરા : મકરંદ મૂસળે
  • વર્ષા : ઝવેરચંદ મેઘાણી
  • વર્ષા : હર્ષદ ચંદારાણા
  • વર્ષાગમન : જયંત પાઠક
  • વર્ષાની રુમઝૂમતી રાત : ઉમાશંકર જોશી
  • વાત : મનોજ ખંડેરિયા
  • શબ્દોથી રહેવાયું નહીં : રતિલાલ ‘અનિલ’
  • શ્રાવણ આવ્યો : ભાલણ
  • શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી
  • શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ
  • સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા : વિમલ અગ્રાવત
  • સાદ પાડે લાડમાં : હર્ષદેવ માધવ
  • હવે ધોધમાર વરસો તો કેવું ? : ભાગ્યેશ જ્હા


  • લીલુંછમ ચોમાસું : વિપિનકુમાર કિકાણી

    Wednesday, June 24th, 2009

     

    મારા મનનું ગીત એટલે લીલુંછમ ચોમાસું,
    પહેલી પહેલી પ્રીત એટલે લીલુંછમ ચોમાસું !

    બીજું બધું હું કાંઈ ન જાણું હું તો એટલું જાણું ;
    બે હોઠોનું સ્મિત એટલે લીલુંછમ ચોમાસું !

    સપને પણ જે ના દીઠેલો, સંગ શું તેનો કરવો ?
    માનેલો મનમીત એટલે લીલુંછમ ચોમાસું !

    સાચવનારો સાવ ગુમાવે, વાપરનારો પામે ;
    પ્રેમની આવી રીત એટલે લીલુંછમ ચોમાસું !

    હાર એટલે તો બળબળતા ઉનાળાના દહાડા !
    મારે મન તો જીત એટલે લીલુંછમ ચોમાસું !

    ઝરણાં ઝાંઝર, પવન વાંસળી, ઈન્દ્રધનુષી સરગમ ;
    કુદરતનું સંગીત એટલે લીલુંછમ ચોમાસું !

    બળબળતા બપોરે પણ મનમોરને એવું લાગે ;
    હોય ગઝલ કે ગીત એટલે લીલુંછમ ચોમાસું !

    - વિપિનકુમાર કિકાણી

     

    ઉનાળાની બળબળતી બપ્પોરે આપણે તડકીલું ગીત માણ્યું’તું….. તો રોજેરોજ વરસાદને સાદ દેતાં વાદળાંને જોઈને મનને લીલાંછમ ચોમાસામાં આમ જ  ભીંજવવું પડેને ?!!  આંખોમાં બેઠેલાં ચાતક પણ હવે તો કહે છે કે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.

     

     

    .

    ચોમાસું ક્યાંક આસપાસ છે : તુષાર શુક્લ

    Wednesday, June 24th, 2009

     

    આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
    ગાલ ઉપર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

    કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
    તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
    વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
    ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

    કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
    પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
    નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
    ગાલો પર લજ્જાની….. આંખોમા બેઠેલા o

    - તુષાર શુક્લ

     

    બે-ત્રણ દિવસથી વાદળાં અવનવાં રંગોથી આકાશને રંગી અદ્.ભૂત દ્ર્શ્યો સર્જીને અમદાવાદને વરસાદ માટે લલચાવી રહ્યાં છે , તો આંખોને પણ ચાતક નજરે પહેલા વરસાદનું સમણું જોવા મજબૂર કરે છે. અને ત્યારે તુષારભાઈનું આ ગીત જ યાદ આવેને …. ?!! વરસાદી વાર્તાઓ વાંચીને મન ન ભીજાય તો લીલુંછમ ચોમાસું ન આવે ત્યાં સુધી આ ગીત આરતી મુન્શી અને પરાગી પરમાર નાં સ્વરમાં સાંભળીને મન મનાવીએ … ?!!

     

     

    .

    નેવાં : મનોજ ખંડેરિયા

    Monday, October 27th, 2008

     

    “આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ;
    શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.”- મનોજ ખંડેરિયા.

    અને સાચે જ,

    “ગઝલના થડમાંથી
    કોતરણી કરી હોય
    એવા એક ચહેરાનો આદમી મનોજ.” (રમેશ પારેખ) ૨૭ ઑકટોબર,૨૦૦૩નાં રોજ કેન્સરના કારણે આ ફાની દુનિયા છોડીને ચાલી ગયાં. જો કે ‘ગઝલ તણી નસનસમાં’ હજુયે ધસમસતા વહી રહ્યા છે તેમના શબ્દો ‘કંકુ અને ચોખા’ બનીને અને ‘શ્રી સવા’ લખી ગુજરાતી ગઝલને શુકનવંતી બનાવી રહ્યા છે. એમણે કહેલું એમ ‘મારો અભાવ મોરની માફક ટહુકશે’ જ પણ બસ, ‘ક્યાંય પણ ગયો નથી’ કહી મન મનાવવું જ રહ્યું. આજે તેમની એક હાઈકુગઝલ…!!

    ટપકે નેવાં
    આજે તો અવકાશે
    છલકે નેવાં

    રાત પડે ને
    સામે ઘેર જવાને
    સરકે નેવાં

    કોણ આવતું
    આજ આંખની જેવાં
    ફરકે નેવાં

    અષાઢ-રાતે
    કણું બનીને આંખે
    ખટકે નેવાં

    પાંખ-પાંખમાં
    મૌન ધ્રૂજતું ભીનું
    ધબકે નેવાં

    - મનોજ ખંડેરિયા

     

    હૃદય પણ ભીંજાઈને નેવાંની જેમ ચૂવે નહીં તો જ નવાઈ ? આકાશનાં નેવાંય મન મૂકી વરસે અને જ્યારે નેવાં સરકવાની વાત કરે છે ત્યારે આપણું મન પણ તેની સાથે સામે ઘેર પહોંચી જાય છે. ફરકવાની ઘટના આંખની પણ બીજું કોણ ‘ફરકી’ જાય છે નેવાં સાથે ? ને અષાઢી રાતના પ્રિયજનનો અભાવ કેવો સાલે કે એ જ નેવાં અંતે આંખમાં ખટકે અને પછી રાતનાં સન્નાટામાં ધબકતું મૌન. કારણ એ એકલતામાં બસ હોય છે તો વરસતો વરસાદ, ટપકતાં નેવાં ને એની સાથે તાલ મેળવતા હૃદયનાં ધબકાર ….!!

     

     

    ચોમાસામાં વનવર્ણન

    Sunday, August 24th, 2008

     

    યુગપ્રવર્તક શ્રીકૃષ્ણની આજે જન્મતિથી અને આપણા સાહિત્યના યુગપ્રવર્તક એવા વીર નર્મદનો જન્મદિવસ. પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે પણ શૌર્યસભર તેમના કાવ્યોએ તેમને
    ‘વીર નર્મદ’ નામ આપ્યું. પ્રાચીન સાહિત્ય બહુધા ધર્મ અને ભક્તિવિષયક હતું. પરંતુ દલપત પછી  નર્મદે નવીન વિષયવસ્તુ, પ્રકાર અને દ્રષ્ટિ અપનાવી પદ્ય તેમજ ગદ્યમાં પણ વિશેષ પદાર્પણ કર્યુ. તેમની ‘મારી હકીકત’ એ તો ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે. તેમણે ‘પિંગળપ્રવેશ’ અને ‘અલંકારપ્રવેશ’ પુસ્તક આપી સાહિત્ય ઉપયોગી કાર્ય કર્યું.
     ’The spectator’ પરથી પ્રેરણા લઈ ‘ડાંડિયો’ નામનું દૈનિકપત્ર પણ શરુ કર્યું. જેની સ્કેન કોપી ચંદ્રકાંત શાહની સાઈટ પર જોઈ શકાશે.

    રમેશ પારેખ કહે છે એમ દરેક કવિમાં એક વિરહી યક્ષ રહેલો છે અને ‘યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે” જેવી પ્રેરણાદાયી કાવ્યપંક્તિ કે માભોમનું ઋણ ચૂકવતી ‘જય જય ગરવી ગુજરાત’ ના રચયિતા પણ એમાંથી શાને બાકાત રહે ?  વરસાદમાં માણીએ ‘વરસાદમાં વનવર્ણન’ના અંશો

    કેવો ઠંડો પવન અતિશે જોરમાં આવતો રે,
    આ ! આ આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે,
    ઓહો ! કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે,
    ઓહો ! આવ્યો ખૂબ તૂટી પડ્યો મેઘ મોટી જ ધારે.

    ચારે પાસે વીજળી ચમકે ઉપરાઉપરી રે,
    ગાજી રેહે ગરજન થકી રાન આખું વળી રે;
    વ્યાઘ્રોસિંહો અતિશ તડૂકે, ઝાડ મોટાં પડે રે,
    જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી પડે રે.

    પહાડે મોરો થનગન કરે શિર ઊંચું લઈને,
    આંબાડાળે કરતી ટહુકા ખૂબ કોયલડી તે;
    દાદુરો તે સરવર વિષે બોલતા, કૂદતા ને
    પીએ તો યે પય પય કરે આકળા ચાતકા તે.

    પાણી પાણી સકળ વનની કુંજમાહે મચે ને
    પહાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઈને રે;
    કો કો ઠામે ડુંગર પથી ધોધ મોટા પડે રે,
    જેમાં રૂડા સૂરજકિરણે રંગ ઝાઝા બને રે.

    એને જોતાં અચરત થઈ કાં ન તું ને સ્તવું રે,
    ધો ધો ધો ધો મધુર સુણતામ કાં ન લ્હેરે સૂઉં રે.

     

     

     

    વરસાદની ગઝલ : રઈશ મનીઆર

    Friday, August 22nd, 2008

    જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
    તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.

    પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
    શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.

    વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
    મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

    આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી  પડ્યાં,
    કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

    મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
    જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.

    એ નથી વન્ટોળનો, ઘરની દશાનો શોર છે,
    બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

    એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
    સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.

    - રઈશ મનીઆર

    વરસાદી માહોલ હોય અને ભીંજાવાનું મન કોને ન થાય?
    પણ જો વાદળો ના વરસે તો ?-  વરસાદી ગઝલમાં તો ભીંજાઈએને ?!!
    રઈશભાઈની આ વરસાદી ગઝલમાં, વરસાદનો કેફ એવો ચઢે છે કે, મત્લાના શેરથી તૃણની જેમ આપણે પણ ….. !! અને આ કેફની કેફિયત તો વર્ષા ખુદ શાંત બની સાંભળવામાં તલ્લીન…. તો ‘પાણીદાર’ શબ્દ અને વાદળને સાથે જોડી ધારી જમાવટ થઈ છે. મક્તાનો શેર પણ એટલો ચોટદાર છે કે સાચે જ સન્નાટો છવાય જાય છે દિલોદિમાગ પર.

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME