Archive for the ‘વસંત’ Category
ખેલીએ ફાગ હોરી : રાજેન્દ્ર શુક્લ
Sunday, March 20th, 2011.
( ઊડે રંગ , ઊડે ન ક્ષણ એક કોરી )
.
અહો શ્વાસ મધ્યે વસંતો મ્હોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી.
ઊડે દૂરતાને, ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી.
ઊડે આખ્ખું હોવું, મુઠ્ઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી.
ઊડે છોળ કેસર ભરી સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતન કિશોરી.
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ચલો ગાઇએ ખેલીએ ફાગ હોરી.
- રાજેન્દ્ર શુક્લ
.
.
આજે ધૂળેટી અને વળી, વસંતોત્સવનો પ્રારંભ પણ. કદાચ એટલે જ આજે, ફૂલોનાં પ્રતિક રુપે વિધ વિધ રંગોની છોળ ઊડાડી , આપણા હૃદય અને શ્વાસ મધ્યે પણ વસંત મ્હોરવાની ક્ષણોને ઉજાગર કરીએ છીએ. ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ આમ તો, અધ્યાત્મનાં રંગે જ રંગાયેલાં છે પણ તેઓ પણ, પ્રકૃતિનાં આ ઉત્સવને વધાવતાં, ગાઇ ઊઠે છે, – ” ચલો ગાઇએ, ખેલીએ ફાગ હોરી. “
.
.
.
.
સૂરજમુખી : મનોજ ખંડેરિયા
Tuesday, February 15th, 2011.
.
સૂર્યને પીધા કરે સૂરજમુખી,
ઘૂંટ કિરણોના ભરે સૂરજમુખી.
પાથરીને પાંખડીઓ મખમલી,
તેજનું સ્વાગત કરે સૂરજમુખી.
ઝંખના તારા તરફ ફરતી રહે,
આંસુઓમાં તરવરે સૂરજમુખી.
‘ઓ તિમિરના પર્વતો, થોડા ખસો,’
રાત આખી કરગરે સૂરજમુખી.
પાંખડીનો ધોધ સોનેરી વહે,
કાળને ભીંજ્યા કરે સૂરજમુખી.
આ ઉદાસી મારી જૂઈ-ફૂલ શી,
આ વ્યથા જાણે અરે, સૂરજમુખી.
- મનોજ ખંડેરિયા
.
.
વાત વસંતની હોય ત્યારે ફૂલોને બાકાત કેમ રખાય ? ફૂલો જ તો વસંતનો ખરો વૈભવ ! તો માણીએ ફૂલોની વાત ?!
.
.
.
.
વસંત છે : વિસ્મય લુહાર
Monday, February 14th, 2011.
.( ફૂલોથી ફાટફાટ બાગ )
.
પતઝડ મહીંય જો તમે ધારો વસંત છે,
એ ધારણાનાં સત્યમાં યારો વસંત છે !
ફૂલોથી ફાટફાટ થશે બાગ ભીતરી,
ખોવાઈ જૈને ખુદમાં વિચારો : વસંત છે !
રસ, રૂપ, ગંધમાં જ પલાળી દો શબ્દને,
ફૂલો વડે ગઝલને મઠારો વસંત છે !
કાયામાં કેસૂડાઓ પછી કોળશે સતત,
પ્રિયજનના કાનમાં જો પુકારો વસંત છે !
શાશ્વત મહેકતી તમે મોસમ થઈ શકો,
હંમેશ માટે મનનો આ ક્યારો વસંત છે !
- વિસ્મય લુહાર
.
.
પાનખર પછી વસંત અને વસંત પછી પાનખર એ તો કુદરતનો ક્ર્મ છે. પણ જો દિલમાં જ વસંત ખીલી જાય તો ? શાશ્વત મહેકતી મોસમ થતાં વાર ન લાગે ! વળી, આજે તો વસંતોત્સવ અને પ્રણયોત્સવને સાથે ઉજવવાનો દિવસ. આજે જ મનના ક્યારામાં વસંતને ખીલવવા દઇએ તો ?
.
.
.
.
તમને ખબર છે : સુરેશ દલાલ
Wednesday, February 9th, 2011
.

.
( તમને ખબર છે, આજે વસંતપંચમી છે ?)
.
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખૂલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોતું.
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યું :
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?
- સુરેશ દલાલ
.
.
આસ્ફાલ્ટની લાંબી કાળી સડકો પર ઊભેલાં ઊંચા મકાનોને રેડિયો પર ગીતો સાંભળી ખબર પડી કે, આજે વસંતપંચમી છે ! અને આપણને ?!!!
.
.
.
.
હોરી-ગઝલ : સુધીર પટેલ
Sunday, February 28th, 2010
પ્રગટ હો ક્રિષ્ન જબ ખેલન કો હોરી,
ભયે રાધા યહાઁ હર કોઈ છોરી !
ભીગે પૂરણ ભીતર હર એક ગોપી,
લલન પિચકારી દે ઝાઝી કે થોરી !
ચલે પહને નઈ ખુશ્બૂ ઝકોરેં,
રહી સઘરી ગલી-કુંજો ય ફોરી !
કરે કારી કોયલ જબ કૂક મીઠી,
વસંતો ડાર ડારે ગઈ મહોરી !
બજાવી બંસી છિપ જાયે નજર-સે,
કરે કાન્હા સભી પર શિરજોરી !
ઉડારે જબ છબીલો છોળ ‘સુધીર’,
સ્વયં ભીગું, ગઝલ ભી રહે ના કોરી !
- સુધીર પટેલ
સૌ મિત્રોને હોળી-ધૂળેટીની ગુલાલી અને રંગબેરંગી શુભેચ્છાઓ.
.
વસંતમાં : ગૌરાંગ ઠાકર
Thursday, February 25th, 2010
ફોરમનાં પગરવો બને સરગમ વસંતમાં,
આવે છે સૂર-તાલમાં મોસમ વસંતમાં.
ઉપવનમાં આવ્યાં છે હવે વ્હાલમ વસંતમાં,
લાગે ન ક્યાંક ફૂલને નાનમ વસંતમાં.
વૃક્ષોનાં માંડવે અહીં ઉત્સવ ધરાનો છે,
ફૂલોએ લાલ પાથરી જાજમ વસંતમાં.
ગરદન ઝૂકાવી બાગમાં આવો ન ચાંદ શા,
યૌવનનાં માથે હોય છે જોખમ વસંતમાં.
મારી ઉપર તો ફૂલનાં જોબનનો ભાર છે,
ડાળી કહે છે વાત એ મોઘમ વસંતમાં.
ભમરો ગઝલ કહે છે કળીઓના કાનમાં,
લાગે મુશાયરો મને હરદમ વસંતમાં.
- ગૌરાંગ ઠાકર
પ્રકૃતિને ખોળે, વૃક્ષોનાં માંડવે વસંતોત્સવ ઉજવાઈ રહ્યો છે અને ફૂલોનાં યૌવનનો ભાર ડાળી ઝીલી રહી છે ત્યારે કવિ કહે છે એમ, હરદમ મુશાયરો જ લાગે વસંતમાં ! વરસાદમાં જેમ વરસાદમાં-રદીફ પર એક દિવસમાં એકસાથે બાર ગઝલો માણી, નખશિખ ભીંજાઈ ગયેલાં. તેમ, આજે વસંતમાં રદીફ પર બે ગઝલ માણી, ચોક્કસ ખીલી ઊઠશો.
.



