Archive for the ‘વસંત’ Category
વાસંતી વધામણાં : જંગલ : અમિત વ્યાસ
Wednesday, January 21st, 2009
ખીણ, પહાડો, રસ્તા ઉપર
મોસમ પહેરી નાચે જંગલ
ડાળીની કૂંપળ જેવું કંઈ;
ઝીણું – ઝીણું વાંચે જંગલ !
વૃક્ષોની ઘનઘોર ઘટામાં;
પંખીઓની ચાંચે જંગલ !
ફ્રેમ કરેલા ફોટામાંથી ;
ઉછળી નીકળે, ભાગે જંગલ !
ખિસ્સામાંથી પર્ણો નીકળ્યાં;
ને ચશ્માનાં કાચે જંગલ !
- અમિત વ્યાસ
ફોટાની ફ્રેમમાં જડિત જંગલ પણ મોસમ પહેરીને નાચી ઊઠે તેવી સુંદર ગઝલ ……..!! જો કે જંગલ રદ્દીફ જ અવનવો છે ને તેનાં વિધવિધ રૂપ કવિ અલગ અલગ શેરમાં કહે છે , પણ અંતિમ શેરમાં ખિસ્સા અને ચશ્માનાં કાચને મનુષ્યનાં પ્રતિક તરીકે દર્શાવી કેવી ધારી ચોટ ઉપસાવી છે ?
.
વાસંતી વધામણાં : વસંત આવ્યો તો છે : અજ્ઞાત (અનુ.શકુન્તલા મહેતા)
Tuesday, January 20th, 2009
ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ
પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
કેટલીક સૂકી નામહીન વેલ
જેમને તે ભૂલ્યો નહિ
બધી એકાએક એક જ લહેરમાં
હરીભરી ઝૂમી ઊઠી
સ્વયંવરા વધૂઓ શી !
વર તો નીરવ રહ્યો
વધૂઓની સખીઓ
ગાઈ ઊઠી.
- અજ્ઞાત
અનુવાદક : શકુન્તલા મહેતા
ગઈકાલે હળવેકથી કાનમાં આવી વસંત પૂછી ગઈ કે, આવું ? – પણ ગગનચુંબી ઈમારતોની વચ્ચે ડોકાતી વૃક્ષની ડાળીઓ કે બાલ્કનીમાં પવન ખાતાં કૂંડાંઓમાં પાંગરેલ વસંતનો પરિચય આપણને આપણી વ્યસ્ત જિંદગીને કારણે રહ્યો જ નથી. હા…. ક્યારેક દુઃખી મન તળાવનાં કિનારે પહોંચી હળવું થવા પ્રયત્ન કરે છે પણ તે ઘાટ તો તેનાં પથ્થરો જેવો જ કઠોર છે, કદા….ચ આપણાં દુઃખને તે પણ આશ્વાસન નથી આપી શકતો. પણ ત્યાં જ સૂકાઈ ગયેલી – જેનું નામ પણ આપણને ખબર નથી તેવી વેલોને સુદ્ધાં વસંત નથી ભૂલી. અને એ જ તો તેની ખૂબી છે વસંત તો એ સૂકાયેલી વેલને પણ સ્પર્શી છે અને આપણને …….??
.
વાસંતી વધામણાં : ‘આવું ?’ : નલિન રાવળ
Monday, January 19th, 2009
નવા નાજુક ખીલ્યાં
ફૂલના ઝાકળભર્યાં આવાસમાં વાસો રહી,
આંબે ભરી ઝૂલી રહેલા મ્હોરના વાઘા સજી,
રળિયામણી વ્હેલી પરોઢે
આજ
આ દક્ષિણ હવા પર હેતથી પગલી ધરી,
મલકાઈને કેવું
વસંતે કાનમાં આવી કહ્યું : ‘આવું ?’
- નલિન રાવળ
૧૭મી જાન્યુઆરીએ વસંતપંચમી કૅલેન્ડર પર લટકતી જોઈ … ને મન જરા વાસંતી લાગણીઓથી તરબતર થઈ ગયું, મને પણ વસંત કાનમાં આવી પૂછી ગઈ – કહી ગઈ ‘આવું ?’
મિત્રો, જિંદગીમાં રોજ આવતી પાનખર પછી ટહુકા કરતી વસંતને આપણે વધાવી નથી શકતા. તો ચાલો, વધાવી લઈએ જિંદગીની વસંતને અને ડાળ પર ફૂટતી કૂંપળની જેમ તરોતાજા બની જઈએ. આ આખુંય સપ્તાહ વૅબમહેફિલ તરફથી આપ સૌને વાસંતી વધામણાં……..!!
