Archive for the ‘વિશેષ’ Category

  • એમનો એમ જ ઊભો છું : અનિલ ચાવડા
  • કિતાબોમાં : ઉશનસ્
  • કોડિયું : દિનેશ શાહ
  • ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર
  • ખોટ વર્તાયા કરે : ‘ગની’ દહીંવાલા
  • ગઝલ
  • ગાંધીજીને : કૃષ્ણલાલ શ્રીધરાણી
  • ગીત
  • ચોમાસામાં વનવર્ણન
  • જત જણાવાનું તને : રાજેન્દ્ર શુક્લ
  • ઝાંઝવાની જાત હું : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • તૂટે તારીખ : કેશુભાઈ પટેલ
  • થાય છે : ગૌરાંગ ઠાકર
  • દરિયો ભલેને માને : ધ્વનિલ પારેખ
  • નીરજને જન્મદિને શુભેચ્છા :
  • નેવાં : મનોજ ખંડેરિયા
  • મરણના હાથમાં પહોંચી હવે સુરક્ષિત છું : આદિલ મન્સૂરી
  • મહેફિલ : ચિનુ મોદી
  • મેઘ-મુબારક : નીતિન વડગામા
  • મેઘાણી : ‘ગની’ દહીંવાલા
  • યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી
  • રાત ગઝલની : તુષાર શુક્લ
  • લઈને આવ્યો છું : ‘ગની’ દહીંવાલા
  • શોધ્યા કરું : કાજલ ઓઝા-વૈદ્ય
  • સંકલિત : બરકત વિરાણી ‘બેફામ’
  • સક્ષમ નથી : સુનિલ શાહ
  • સર્વ ધર્મ પ્રાર્થના
  • હું કઈ તારીખનું પાનું : રમેશ પારેખ


  • એમનો એમ જ ઊભો છું : અનિલ ચાવડા

    Saturday, August 6th, 2011

    .

    .

    વાણલા વાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું,
    પંખીઓ ગાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું,

    હું જ કૌરવ પાંડવોની એ સભા ને દ્રૌપદી ને કૄષ્ણ પણ હું,
    ચીર ખેંચાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું.

    રક્તના રંગો પૂરી જેને કલામય મેં બનાવ્યા એ બધાંયે,
    ચિત્ર ભૂંસાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું.

    એક પિંજારો છે જેના હાથ દ્વારા સેંકડો વર્ષોથી મારા,
    શ્વાસ પિંજાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું,

    થઈ ગયા ઉંમરની સાથોસાથ સઘળાં આંસુઓ પણ સાવ ઘરડાં,
    સ્વપ્ન તરડાઈ રહ્યા છે તે છતાં હું એમનો એમ જ  ઊભો છું.

    - અનિલ ચાવડા

    .

    .

    ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૦નો યુવા ગૌરવ પુરસ્કાર અનિલ ચાવડાને એનાયત કરવામાં આવે છે.  વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.

    ‘રહ્યા છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું’ - જેવી લાંબી રદીફ સાથે તેને પૂરક  શેર આ ગઝલમાં સર્જાયા છે.  ઘણી વાર અસામાન્ય, વિપરીત પરિસ્થિતિમાં આપણે એમ ને એમ ઊભા રહેવું પડતું હોય છે. પણ મત્લા કહે છે,  સૂર્યોદય થયો છે પણ તે છતાં હું એમનો એમ જ ઊભો છું.  સૂર્યોદય વેળા પણ નહીં જાગીએ તો ? હવે એમને એમ ઊભા રહેવાની જરુર ખરી ?!!

    .

    .

    .

    N.B. Last two days, Site was not updated for technical fault. Sorry for inconvenience.

    .

    ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર

    Thursday, August 6th, 2009

     

    shayda gaurangthaker

     

    તું કહે હા કે હવે ના એ વિષય તારો છે,
    મેં તો દુનિયાને કહી દીધું ખુદા મારો છે.

    ક્યાંક મંઝિલ તો મળે તોય કશું ખૂટે છે,
    ત્યાં નદી દોડતી, દરિયો એ બહુ ખારો છે.

    દોસ્ત વરસાદ કે ઝાકળ એ નિહાળે ક્યાંથી,
    એક માણસને અહીં કેટલાં પડકારો છે.

    એટલે ડાળથી પંખીને ઉડાડી મૂક્યાં,
    પાનખરનો હવે આ વૃક્ષને વર્તારો છે.

    તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,
    ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.

    - ગૌરાંગ ઠાકર

     

    ૧લી ઑગષ્ટ, શનિવાર, ૨૦૦૯નાં રોજ આઈ. એન. ટી. સંસ્થા દ્વારા ગૌરાંગભાઈને પ્રતિષ્ઠિત  ‘ શયદા ઍવોર્ડ ‘ અર્પણ કરવામાં આવ્યો. આ અવસરને તેમની જ એક તરોતાજા ગઝલ માણીને  ઉજવીએ !!

    ચીનુકાકા(મોદી) નો એક  શેર યાદ આવે છે :  
    “ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
    છું શિખરની ટોચ પર તો કૈં જ બોલાતું નથી.”

    બસ, એવું જ કંઈક …. ” તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,  ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.”  પણ, ગૌરાંગભાઈ, એક જ વર્ષમાં બે પ્રતિષ્ઠિત ઍવોર્ડ ગુજરાતી સાહિત્ય અકાદમી  અને ‘શયદા ઍવોર્ડ’  …  વળી, નવાં પુસ્તકની તૈયારીઓ પણ… !!
     

    લાગે છે કે, ” એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે, ગૌરાંગને એક ગઝલકાર કરી દે.” વાળી વાત ઈશ્વરને કાને પડી ગઈ  અને તેણે પણ નજર નાખી તો લાગ્યું કે, ” ટોચ માટે પ્રયાસ લાગે છે, ખીણમાં પણ ઉજાસ લાગે છે.  “   અને તેનો મોબાઈલ રેન્જમાં આવી ગયો હોય એવું અમને પણ લાગે ત્યારે તમને ખુદા તમારો જ લાગે !!  હવાને ભલે મૂંઝારો થાય … પણ ” સિતારોંસે આગે જ્હાં ઓર ભી હૈ ! “  

     

     

    .

    મેઘ-મુબારક : નીતિન વડગામા

    Thursday, July 9th, 2009

     

    ( મેઘ-મુબારક… !! )

    ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક,
    ભીંજવતો એ બાહર ભીતર , મેઘ-મુબારક.

    છાંટો પડતાં એકસામટાં મ્હોરી ઊઠ્યાં,
    ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક.

    કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ,
    જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક.

    નખરાળી નદીયું ઊભરાતી પૂર આવતાં,
    અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક.

    ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
    છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક.

    મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે,
    જળનાં વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક.

    વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને -
    બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક.

    મોલ પછી લ્હેરાશે એમાં અઢળક અઢળક,
    પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક.

    કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
    વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક.

    ડાળી થૈ ઝૂકો હું ઊઘડું ફૂલ થઈને -
    સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક.

    - નીતિન વડગામા

     

    આ…ખરે વરસાદનો મોબાઈલ રેન્જમાં આવી જ ગયો અને અમદાવાદ પર મેઘરાજાએ ગઈકાલે રાત્રે મહેર કરી, અમીછાંટણાં કર્યાં. પહેલાં વરસાદનાં સા..દમાં નીતિનઅંકલે આ ગઝલમાં વર્ણન કર્યું છે એવી જ અનુભૂતિઓમાં હૈયું છલકાઈને તરબતર છે ત્યારે લીલુંછમ્મ ચોમાસું ‘ તો બાકી જ છે પણ તો પણ વૅબમહેફિલ પર તો વરસાદી ગીત-ગઝલોની ઝરમરમાં મન મૂકીને  ભીંજાઈશું અને આ ભીનાં અવસરને ઉજવીશું જ … છમ્મ લીલાં થઈ જઈએ એટલું .. !!

     

     

    .

    થાય છે : ગૌરાંગ ઠાકર

    Tuesday, July 7th, 2009

     

    gaurangthaker

    ( ગૌરાંગ ઠાકર )

     ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
    એ પછીથી બારણું થઈ જાય છે.

    આ ગગનચુંબી ઘરો સર્જાય છે,
    આભ તો પંખીનું ઓછું થાય છે.

    એમને તું કેમ છત્રી મોકલે ?
    જે અહીંયા જાણીને ભીંજાય છે.

    સ્વપ્ન જેવું હોય શું એ બાળને ?
    ડાળે જેનું ઘોડિયું બંધાય છે.

    આજ ઈચ્છાનાં હરણો હાંફો નહીં,
    ખૂબ પાસે જળ સમું દેખાય છે.

    કોઈને પથ્થર હ્રદય કહેશો નહીં,
    આંસુ પથ્થરનાં ઝરણ કહેવાય છે.

    એકલા આવ્યાં, જવાનાં એકલાં,
    પણ અહીં ક્યાં એકલા જીવાય છે ?

    - ગૌરાંગ ઠાકર

     

    દિપાવલીનાં શુભ પર્વે, ગૌરાંગભાઈ નામે – કોડિયાંએ ગુજરાતી સાહિત્યને અજવાળ્યું’તું, તો આજે આઈ.એન.ટી. સંસ્થાનો પ્રતિષ્ઠિત ‘ શયદા’ એવૉર્ડ મેળવી તે દીપ વધુ ઝળહળ્યો છે. એમનો ફોન બરાબર છે ને રેન્જમાં….. !!   ગૌરાંગભાઈનાં હિસ્સાનો સૂરજ ગુજરાતી સાહિત્યને વધુ દેદીપ્યમાન કરે તેવી અંતરની શુભેચ્છાઓ સહ… આજે માણીએ મારી, તમારી નહીં – એમની મનગમતી ગઝલ.

    ઝાડ એટલે કે પ્રકૃતિ એટલે કે મનની મોકળાશ – એને છેદવાની વાત એટલે કે જાણે, મનની બંધનાત્મક સ્થિતિ…. પણ ત્યાં જ ‘બારણાં’ની વાત કરી કવિ એક આશ જગાવી જાય છે, જો કે જેને ઝાડ સોંસરવું છે, તે તો ઝાડ સાથે છેદાઈ જ ગયું હોય પણ ….. જોકે, એક ઉત્તમ શેર તો આપણને મળે જ છે. પણ કવિકર્મ સાથે મનુષ્ય કર્મ કરતાં કવિ , બીજા શેરમાં skyscrapers સમાન મનુષ્યની પ્રગતિ – માં અટવાતાં પંખીઓનાં આભનું શું ? એમ પૂછી જ લે છે. For us, Sky is the limit !! પણ એને પણ પોતાનું આકાશ જોઈએને ?  પ્રકૃતિથી નાળવિચ્છેદ કરી, સ્વતંત્ર થઈ મનુષ્ય શું પ્રગતિ સાધી શકશે ? ના, કદાચ સ્વચ્છંદ બની કોઈનું આકાશ જ છીનવી શકે.  તેમનો જ છેલ્લો શેર કહે  છે એમ,  ” એકલા આવ્યાં, જવાનાં એકલાં,
    પણ અહીં ક્યાં એકલા જીવાય છે ? “ 

     

     

    .

    રાત ગઝલની : તુષાર શુક્લ

    Monday, June 29th, 2009

     

    rain

    (  વરસાદમાં …. વાત ગઝલની )

    ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની,
    માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની.

    તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
    લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.

    ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
    આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.

    કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
    આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.

    દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
    આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની.

    - તુષાર શુક્લ

     

    તુષારભાઈ એટલે ગીતોનો ગુંજારવ પણ આજે તેમનાં જન્મદિને માણીશું તેમની એક ગઝલ ….  અને તે પણ ગઝલ વિષે.  આથી સરસ હોય શું રજૂઆત ગઝલની ?!!  તુષારભાઈને જન્મદિને  ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ…. !!

     

     

    સક્ષમ નથી : સુનિલ શાહ

    Thursday, June 25th, 2009

     

    sunilshah

    ( શ્રી શકીલ કાદરીનાં હસ્તે ઈનામ સ્વીકારતાં )

     

    હું ભલે ને આભમાં ઊડવાને અહીં સક્ષમ નથી,
    પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી.

    શ્વાસ પાંખોમાં દબાવી ડાળ પર ઝૂલે વિહંગ,
    એય જાણે છે, અહીં રહેવાનું તો કાયમ નથી.

    મારા નાજુક સ્પર્શથી વિહ્વળ પ્રિયે તું ના થતી,
    હું તને તરછોડું, એવી વાતમાં કૈં દમ નથી.

    સ્વપ્નની સાથે બનાવી રાખવા દૂરી અમે,
    પાંપણો રાખી છે ખુલ્લી, એનો કોઈ ગમ નથી.

    માત્ર વિસ્તરવું કશાયે કામનું હોતું નથી,
    રણ, તું પગલાં સાચવી શકવા હજી સક્ષમ નથી.

     - સુનિલ શાહ

     

    બેંગાલ સ્પોર્ટીંગ યંગ આર્ટસ ક્લબ, સુરત દ્વારા આયોજિત ૨૫મી ગુજરાતી ગઝલ સ્પર્ધામાં ‘ઈન્ટરનેટ કવિ’ સુનિલભાઈ શાહની આ રચનાને ‘શહીદેગઝલ’નાં સંપાદક શ્રી શકીલ કાદરીનાં હસ્તે તૃત્તીય ઈનામ પ્રાપ્ત થયું.  નેટજગત પર જ તેમણે તેમની ‘કવિતાનો ક’ ઘૂંટવાનું શરૂ કરેલું અને આથી નેટજગતનાં નવોદિતો માટે તો આ ખૂબ જ પ્રેરક વાત છે. તેમનાં જ શબ્દો નવોદિતોને માટે,

    હું ભલે ને આભમાં ઊડવાને અહીં સક્ષમ નથી,
    પણ ધરા પર પાંખ ફેલાવી શકું એ કમ નથી.

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME