Archive for the ‘વૃક્ષ’ Category

  • ચાલ ઝાડની ખબર કાઢવા : મૂકેશ જોષી
  • વૃક્ષ : ઓમ પુરોહિત (અનુ : કિશોર શાહ)
  • વૃક્ષનું ડાઇંગ ડેકલેરેશન : દિલીપ મોદી


  • ચાલ ઝાડની ખબર કાઢવા : મૂકેશ જોષી

    Sunday, June 6th, 2010

     

    vruksha 

    કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા,
    એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

    પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી,
    એ પંખીની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

    ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં,
    કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

    ઝાડ કુહાડી લાયક હો, તો માણસ શેને લાયક ?
    તરણાંઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

    - મૂકેશ જોષી

     

    જો ગઇકાલે એક વૃક્ષ રોપી ના શક્યાં હોઇએ તો આજે કમ સે કમ ઝાડની ખબર કાઢવા તો જઇ જ શકીએ !!  પાનખરમાં સૂકાયેલાં ઝાડને તો પંખીઓએ હિંમત આપી, પણ આ ભરવસંતે,  તૂટેલી ડાળીઓનો વિયોગ વૃક્ષ કેમ સહન કરી શકે ?  અને તેનું દર્દ જોઇ, પંખીઓની હિંમત પણ તૂટી જ જતી હશેને ?   તો અંતિમ શેર માટે તો ….  છે કોઇ ઉત્તર ???    ( શબ્દ સૌજન્ય : ટહુકો.કોમ )

     

     

    .

    વૃક્ષનું ડાઇંગ ડેકલેરેશન : દિલીપ મોદી

    Saturday, June 5th, 2010

     

    parna marmar

     ( પર્ણમર્મર – પવનની સંગ રચેલું વૃક્ષનું અધૂરું ગીત  )

     

    અટ્ટહાસ્ય કરતો

    કુહાડીનો ઘા

    પૂછે છે વૃક્ષને

    ‘ તારી અંતિમ ઇચ્છા શું છે ?’

    કઠિયારો વૃક્ષને કહે :

    ‘ મારે તારું ડાઇંગ ડેકલેરેશન લેવું છે.’

    વૃક્ષે જવાબ આપ્યો :

    હું નહિ હોઉં ત્યારે

    પવનના કાનમાં ધીમેથી

    સંદેશ પહોંચાડજો કે

    તારી સંગ મસ્તી ભર્યાં

    મર્મર ધ્વનિ વડે

    રચેલું ગીત

    હજી અધૂરું છે….

    - દિલીપ મોદી

     

    વિશ્વ પર્યાવરણ દિને,  વૃક્ષનાં આ અધૂરા ગીતને પૂરું કરવા એક છોડ રોપી, તેની સંભાળ લઇશું ?!! 

     

    .

    વૃક્ષ : ઓમ પુરોહિત (અનુ : કિશોર શાહ)

    Monday, June 8th, 2009

     

    tree

     

    તમે

    એક અભિયાનમાં

    વૃક્ષ વાવ્યું,

    બીજામાં 

    સીંચ્યું,

    અને ત્રીજા અભિયાનમાં

    કાપી નાંખ્યું.

    ઠીક છે

    તમે માલિક હતા, વૃક્ષના

    પણ જવાબ તો આપવો જ પડશે

     કે જેણે વૃક્ષને પોષ્યું,

    જે પાંદડાં ફૂટવાના સમયથી

    કપાઈ જવાના સમય સુધી

    મૂક હતી 

    એ ધરતી

    પેલા વૃક્ષની શું હતી ?

    - ઓમ પુરોહિત

    અનુવાદક : કિશોર શાહ ( ગુજરાતી )

     

     પ મી જૂન, વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષ વાવો અભિયાનનું ‘ અભિયાન’ બરાબર જામ્યું …… પણ  જવાબ તો આપવો જ પડશેને ?!!

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME