Archive for the ‘અછાંદસ’ Category

  • કલંક : ધર્મેશ ‘ડી’
  • Distance : વિપિન પરીખ
  • અપેક્ષા : વિપિન પરીખ
  • અબળા : પ્રીતમ લખલાણી
  • આ ક્ષણ સુધી : રાજેન્દ્ર પટેલ
  • આ વાદ કે તે વાદ : પ્રતિભા ઠક્કર
  • આપણે : પન્ના નાયક
  • આમાર એ જન્મદિન : રવીન્દ્રનાથ ટાગોર
  • ઍશ ટ્રે : મંગલ રાઠોડ
  • એ લોકો અને હું : વિપિન પરીખ
  • એક જન્મદિને : વિપિન પરીખ
  • એક નેતાને : હર્ષ બ્રહ્મભટ્ટ
  • કદાચ : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • કયો કાંટો છું ? : આકાશ ઠક્કર
  • કવિતા : મણિલાલ હ. પટેલ
  • કાઇપો : રમેશ પારેખ
  • કોઈ આવે તો : અહમદ ‘ગુલ’
  • ક્યાં છે કવિતા ? : ઉમાશંકર જોશી
  • ગરીબી : અજય કોઠારી
  • ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’
  • ગાંધી : રાજેન્દ્ર શાહ
  • ઘર અશ્રુનું : નિર્મિશ ઠાકર
  • ચાલ મન ! : વિપિન પરીખ
  • જડીબુટ્ટી : વિપિન પરીખ
  • જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા
  • ડૅથ સર્ટિફીકેટ : એષા દાદાવાળા
  • તમને ખબર છે : સુરેશ દલાલ
  • ધૂપસળી : ઉશનસ્‌
  • ન-કશાનું નગર : નિરંજન ભગત
  • નવજાત બાળક : રાજેન્દ્રસિંહ રાયજાદા
  • નિદાન : ફિલિપ કલાર્ક
  • પગફેરો : એષા દાદાવાળા
  • પગલું : આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( અનુવાદક : રમણીક અગ્રાવત )
  • પુસ્તકો : અનુ – અરુણા જાડેજા
  • પુસ્તકોની છાજલી : રમેશ પારેખ
  • પ્રણયોત્સવ : એટલે શું ? : જયા મહેતા
  • પ્રતીક્ષા : જયદેવ શુક્લ
  • પ્રાર્થના : વિપિન પરીખ
  • પ્રેમ અને કવિતા : અખિલ શાહ
  • પ્રેમને કારણો સાથે : વિપિન પરીખ
  • ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી
  • ભૂકંપ : હર્ષ બ્રહ્મભટ્ટ
  • મા : મિરોસ્લાફ હોલુબ
  • માણસ અને નેતા : ધીરજભાઈ શાહ
  • મારી તલાશ : મંગળ રાઠોડ
  • મારો શામળિયો : નીરવ પટેલ
  • રણોત્સવ : પંકજ ત્રિવેદી
  • રાહ જોવી : મિરોસ્લાફ હોલુબ
  • લઘુકાવ્યો : ભાવેશ ભટ્ટ
  • વર્ષાગમન : જયંત પાઠક
  • વાસંતી વધામણાં : વસંત આવ્યો તો છે : અજ્ઞાત (અનુ.શકુન્તલા મહેતા)
  • વાસંતી વધામણાં : ‘આવું ?’ : નલિન રાવળ
  • વાસ્તવિકતા : પ્રીતમ લખલાણી
  • વિસર્જન : એષા દાદાવાલા
  • વૃક્ષ : ઓમ પુરોહિત (અનુ : કિશોર શાહ)
  • વૃક્ષનું ડાઇંગ ડેકલેરેશન : દિલીપ મોદી
  • શનિવાર : કિરણકુમાર ચૌહાણ
  • શબ્દ : ઉમાશંકર જોશી
  • શબ્દોને પણ : જનક વ્યાસ
  • શું થયું મુંબઇ ? : કૃષ્ણ દવે
  • સંવેદનાના બિંદુ પર : એષા દાદાવાળા
  • સપનું : એષા દાદાવાલા
  • હથોડી : કાર્લ સેન્ડબર્ગ (અનુ : સુરેશ દલાલ)
  • હરિયાળી વસંત : શાન મેઈ (અનુ:ઉમાશંકર જોશી)
  • હું મરી ગયો…..: રમેશ પારેખ


  • વિસર્જન : એષા દાદાવાલા

    Thursday, September 1st, 2011

    .

    .

    બાપ અને બાપ્પામાં ઝાઝો ફરક નથી હોતો
    આવું તે જ્યારથી મૂર્તિઓ ઘડતો થયો છે
    ત્યારથી તેને સમજાઈ ગયું છે.

    મૂર્તિઓનું ફિનિશિંગ કરીને
    તે જ્યારે બાપ્પાના હાથમાં માટીના લાડુ ગોઠવતો હોય છે
    ત્યારે તેની દીકરી
    તેની સામે જોયા કરે છે.

    દીકરીના મોઢામાં આવી ગયેલું પાણી
    તેની આંખો સુધી ધસી આવે છે
    અને તે ભીની આંખે બાપ્પા સામે જુએ છે
    પણ બાપ્પાની આંખો ભીની નથી હોતી.

    દર વર્ષે બાપ્પાના હાથમાં માટીનો લાડુ પણ
    તે એટલે જ મૂકે છે
    કદાચ એ સાચો થઈ જાય તો ?
    પણ લાડુ સાચો થતો નથી
    એના હાથમાં હોય છે ત્યારે પણ.

    અને પછી
    નદીના પાણીમાં બાપ્પા
    અને લાડુ નહીં મળતાં
    દીકરીની ભીની થયેલી આંખમાં
    એક  બાપ વિસર્જિત થઈ જાય છે.

    - એષા દાદાવાલા

    .

    .

    માનવીય સંવેદનાને ધડમૂળથી હચમચાવી જાય તેવી એષાની રચનાઓ હોય છે.  આ ગણેશકાવ્ય પણ ગણેશ વિસર્જન સમયે અન્ય કેટલું વિસર્જિત થઈ જતું હોય છે  તે દર્શાવી એષા ફરી એક વાર તેની કલમનો પરચો આપી જાય છે.  બાપ્પાની સાથે આવા ‘બાપ’નો પણ વિચાર કરવો જરુરી છે. જેટલા લાડુનો ભોગ ગણેશને ચડાવીએ જે પાણીમાં ચૂર જ થઈ જતાં હોય છે – તે કો’ક ગરીબની ભૂખ પણ મટાડી શકે. બાપ્પા તો ક્યારે જાગે એ ખબર નથી પણ પ્રદૂષણ અને ગરીબી જેવી સમસ્યાનો વિચાર કરી, ઉત્સવોનો મનાવીએ તો ઈશ્વર પણ પ્રસન્ન રહે.  આજે આપણે ઘરે પણ ‘બાપ્પા’ પધરામણી કરે તો મૂર્તિકારની જોડે ભાવતાલ ન કરતાં. અને એક લાડુનો ભોગ એને ચડાવીશું ?! ગણેશચતુર્થીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    .

    .

    .

    .

    ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી

    Monday, August 1st, 2011

    .

    .

    આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
    હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
    કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
    હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
    તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
    ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
    તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.

    હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
    ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
    મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
    આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
    હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
    પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું !
    ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
    એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
    બાપડાન ભા, મારા ભા જેવા હશે,
    આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
    બારી કરી આલી’તી ઘરમાં
    તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
    દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
    વાંક એનો સી,
    હાડી હત્તરવાર ખરો,
    પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
    હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
    તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
    તો શું તું ભગવાન ના થાત?
    તારું તપ તૂટી જાત?
    હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.

    ચલો એ ય જવા દો,
    તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
    પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
    તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
    મું ખાલી એટલું કહું’સું.
    કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
    હખેથી ભણવા દે ન મારી સોડીને,
    આ હજાર દેરા (જૈનદેરાસર) સી (છે) તારા આરસના,
    એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
    ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
    ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
    કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
    ને ઘાબાજરિયું દઈ ગ્યો છે !

    - સૌમ્ય જોશી

    .

    .

    ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૭નો ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર સૌમ્ય જોષીને અર્પણ કરવામાં આવે છે.  વૅબમહેફિલ અને તેમનાં વાચકો તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.  લેખક, દિગ્દર્શક, નાટ્યકાર તેમજ અભિનેતા એવા કવિને રુબરુ સાંભળીએ તો  કાવ્યત્વને વધુ પામી શકાશે.  ગુંજનભાઇનાં બ્લોગ પર તેમનો આ વિડીયો ચોક્કસ માણશો.

    આપ સૌને, ભગવાન મહાવીરની એ વાત તો જરુર યાદ હશે જ કે,  તેઓ તપ કરતાં હતાં ત્યારે એક ભરવાડ તેમને ડોબું ( ભેંસનું બચ્ચું) સાચવવાનું કહે છે. પ્રભુ તો તપમાં તલ્લીન, ડોબું તો ત્યાંથી જતું રહે છે અને ક્રોધિત ભરવાડ તેમનાં કાનમાં ખીલા ખોસી દે છે. આ જ વાતને આપણે તીજા (ત્રીજા) નહિં તો પાંચમા કે સાતમા ધોરણમાં ભણેલાં પણ હવે જેઠા ભરવાડની સોડી (છોકરી,દીકરી) ને આ પાઠ ભણવામાં આવે છે અને  જેઠો ભરવાડ  રજૂ કરે છે તેની વાત ભગવાન મહાવીરને.  મહાવીરનું તપ, પેલા ભરવાડનું  ડોબું જ્યમ એનું તપ …  એમ જ સોડીને ભણાવવું  એ જેઠાનું તપ !

    .

    .

    શબ્દાર્થ : ઘાબાજરિયું – બાજરી જેવી એક વનસ્પતિ જેને ઘા પર લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતું નથી. ભા – મોટા કાકા અથવા દાદા. ભોડું – માથું.

    .

    .

    .

    .

    ક્યાં છે કવિતા ? : ઉમાશંકર જોશી

    Sunday, July 24th, 2011

    .

    પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
    પુષ્પો, પૃથ્વીની ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
    તેજના ટાપુઓ, સંસ્થાનો માનવી અરમાનનાં;
    પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.

    ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
    માતાના ચહેરામાં ટમકે,
    મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
    જોયું છે ?

    કવિતા, આત્માની માતૃભાષા;
    મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
    સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?

    જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
    પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
    કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
    ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
    કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
    ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.

    ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
    ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
    એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
    વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
    ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
    બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
    ક્યાં છે કવિતા ?

    - ઉમાશંકર જોશી

    .

    .

    જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કવિ જ્યારે કવિતાને શોધે ત્યારે  – આપણે પામી શકીએ કાવ્યત્વનાં સત્ત્વને.  ધરતીનાં ખોળાને ખૂંદતાં ખૂંદતાં કવિ ક્યાં  પામે છે કવિતાને ?  ગર્ભમાં રહેલ બાળકની બીડેલી આંખની ચમક માતાનાં મુખ પર ચમકે – એમ કાવ્યત્વ કવિનાં ચહેરા પર ચમકે અને જે રચનાનું સર્જન થાય એમાં ચોક્કસ કવિતા મળે જ !!!

    .

    .

    .

    .

    મારી તલાશ : મંગળ રાઠોડ

    Monday, March 21st, 2011

    .

    .

    કેટલાક

    ચહેરાઓ પર

    અલ્પવિરામ પર

    અલ્પવિરામ હોય છે.

    હોય છે

    કેટલાક ચહેરાઓ પર

    આશ્ચર્યચિન્હ.

    તો કેટલાક ચહેરાઓ પર

    પ્રશ્નાર્થ.

    હું જોઉં છું રોજ

    ચહેરાઓ પર

    ચહેરાઓ…

    સંભવ છે,

    કોઈક એકાદ

    ચહેરા પર હોય

    પૂર્ણવિરામ !

    હું નીકળી પડ્યો છું

    કોઈક એવા

    એકાદ ચહેરાની તલાશમાં…

    જ્યાં થંભી ગયો હોય

    ક્ષણાર્ધ માટે

    તારો હાથ !

    - મંગળ રાઠોડ

    .

    .

    અસંખ્ય ચહેરાઓની વચ્ચે ‘ખુદ’ની તલાશ કપરી છે અને તે પણ, પૂર્ણવિરામ સાથે.

    .

    .

    .

    .

    ન-કશાનું નગર : નિરંજન ભગત

    Monday, February 28th, 2011

    .

    ( a painting by Dutch traveller Phillipus Baldaeus during 17th century )

    .

    વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા,

    કોઈને ખબર નથી

    એનાં ઈંટ, માટી ને પથ્થર ક્યાંથી આવી રહ્યાં,

    એ તો જો કે એમને પણ ખબર નથી.

    કે તેઓ એ બધું ક્યાંથી લાવી રહ્યા.

    વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા.

    વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.

    કોઈને ખબર નથી.

    કે શાથી એ રાતે વણીને દ્‍હાડે ઉકેલી રહ્યો.

    પણ એને શું ખબર નથી.

    કે છાનોમાનો એ શું સંકેલી રહ્યો ?

    વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.

    વર્ષોથી તેઓ એક નગર ખચખચી રહ્યા.

    વર્ષોથી કોઈ માણેકનાથ બાવો બણબણી રહ્યો.

    વર્ષોથી કોઈ માણેકનાથ બાવો ગણગણી રહ્યો.

    વર્ષોથી તેઓ એક નગર કચકચી રહ્યા.

    વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે નથી નકશાનું નગર,

    વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે તો છે ન-કશાનું નગર.

    - નિરંજન ભગત

    .

    નગર એટલે ઈંટ, માટી ને પથ્થર માત્ર ?  નકશામાં દેખાતું નગર – અમદાવાદને સત્તરમી સદીમાં કોઇ ડચ મુસાફરે રંગોમાં ઉતાર્યું છે. પણ એ સિવાય પણ, ન-કશાનું નગરમાં કશુંક તો છે.

    .

    .

    .

    .

    હરિયાળી વસંત : શાન મેઈ (અનુ:ઉમાશંકર જોશી)

    Friday, February 11th, 2011

    .

    .

    વસંતના આગમને

    જોઉં છું તો

    વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.

    સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.

    ટેકરીઓય તે લીલીછમ,

    ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.

    નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.

    ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલાં.

    લીલું લોહી

    શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,

    અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે

    લીલી આશા.

    - શાન મેઈ (ચાઇનીઝ)

    અનુવાદક : ઉમાશંકર જોશી

    .

    .

    પ્રકૃતિએ તો વસંતનાં વાઘા પહેરી લીધાં. વન, સરિતા, ટેકરીઓ, ખેતરો અને પેલાં તમરાંઓ પણ… સૌ લીલાંછમ્મ.  વાસંતી રંગે રંગાયેલી પ્રકૃતિ જોઈ  અને આપણા મનમાં પણ લીલીછમ્મ આશાઓ ઊગે જ ને !   અરે… પેલાં શ્વેતકૂર્ચ – ઘસાયેલી પીંછી જેવી શ્વેત દાઢી-મૂછ ધરાવનાર વૃદ્ધોમાં પણ લીલું લોહી વહેવા માંડ્યું !

    .

    .

    .

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME