Archive for the ‘ગઝલ’ Category
પ્રયાસ ન કર : ભરત વિંઝુડા
Monday, December 6th, 2010.
પ્રેમ કરવાનો તું પ્રયાસ ન કર
આ જગતને વધુ ઉદાસ ન કર
તું મને શોધ સામી છાતીએ
પીઠ પાછળ બહુ તપાસ ન કર
દૂર તું ને નજીક પણ તું છે
બે જગાએ સતત નિવાસ ન કર
એક એને નિહાળીએ તો બસ
એટલાથી વધુ ઉજાસ ન કર
આમ હર પળ મને મિટાવીને
ખાલીપાને ય તું ખલાસ ન કર
- ભરત વિંઝુડા
.
.
પ્રેમ હોય એટલે અપેક્ષા રહેવાની અને સ્વાભાવિક છે અપેક્ષા હોય ત્યાં જગતને ઉદાસી મળે જ. પણ પ્રેમ વિના જિંદગીમાં ઉજાસ હોય ? આથી જ તો કવિ કહે છે, પ્રિયજનની યાદ પણ મિટાવીશ તો જિંદગીમાં ખાલીપો પણ નહિં રહે !
.
.
.
.
પાછી પડી : સુનીલ શાહ
Friday, December 3rd, 2010.
ધારણાઓ સ્પર્શની ક્યાં હર વખત સાચી પડી ?
આ હથેળી કાલ માફક, આજ પણ પાછી પડી.
જળસમું આ મન કદી સમજાયું નહીં હે જિંદગી !
સર્વ ઇચ્છાઓ જુઓ, વાદળસમી ફાટી પડી.
આમ ભીનો, આમ કોરો હોઉં છું હું રાતભર,
થોડી ઈચ્છા, થોડી પીડા, આમ લ્યો ઝાંખી પડી.
ઝીલવું ’ને જીવવું એ બેઉમાં ધબકાર છે,
એ સમજવામાં, સમજદારી જરા નાની પડી.
થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.
- સુનીલ શાહ
,
.
વાત સ્પર્શની હોય કે શ્વાસની, ધારણાઓ હંમેશા સાચી નથી પડતી. હથેળીની રેખાઓમાં લખ્યું નહિં હોય તો, હથેળી ખુદ જ પાછી પડશે. પણ, નોટોની થોકડીઓ ગણતાં ગણતાં આ વાત યાદ નથી રહેતી. સમયની ધાર વાગે અને શ્વાસ ખૂટે ત્યારે જ આ બ્રહ્મજ્ઞાન સાધે છે.
.
.
.
.
ફૂલ અંતે એક કરમાતું રહ્યું : ડૉ. દિલીપ મોદી
Thursday, December 2nd, 2010.
સંભવે છે પણ વિલંબાતું રહ્યું,
ફૂલ અંતે એક કરમાતું રહ્યું.
કાગળો પર મૌન ચર્ચાતું રહ્યું,
કોણ દર્દીલી ગઝલ ગાતું રહ્યું ?
આંખ મેં મીંચી દીધી ને તે પછી,
ક્યાં સુધી એ દૃશ્ય દેખાતું રહ્યું !
રાતભર ઊગી ગયાં કૈં દર્પણો,
ને યુગોનું સ્વપ્ન ચ્હેરાતું રહ્યું.
પંખી ટહુકો લઈ જુઓ ઊડી ગયું,
પિંજરાનું રૂપ બદલાતું રહ્યું.
આખરે મેં સત્ય સ્વીકારી લીધું,
ટોળું શ્રદ્ધાનું વિખેરાતું રહ્યું.
પ્રેમના ચકડોળમાં બેઠો ‘દિલીપ’,
ઊમ્રભર અસ્તિત્ત્વ ચકરાતું રહ્યું.
- ડૉ. દિલીપ મોદી
.
સત્યને સ્વીકારવું કડવું હોય છે. પણ, વિલંબાતી સંભાવનાઓમાં અસ્તિત્ત્વ પણ ચકરાતું જાય છે. અને અંતે ઉદ્ભવે છે એક દર્દીલી ગઝલ !
.
.
.
.
જીવ્યા વગર : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Wednesday, December 1st, 2010.
કોઈ સપના વગર, કોઈ ઈચ્છા વગર,
જિંદગી રોજ વીતી છે જીવ્યા વગર.
આંખ દોડી અને વિંટળાઈ વળી,
આમ ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર.
તારવ્યાં અર્થ સૌએ દશા જોઈને,
કૈંક પડઘા પડ્યા આમ બોલ્યા વગર.
લાખ ટોકે ને રોકે, મનાઈ કરે,
તોય ક્યાં રહી શક્યું કોઈ તડપ્યા વગર.
આખરી પળમાં સૌને અહીં થાય છે,
જાય છે કૈં જ સમજ્યા કે જાણ્યા વગર.
ભર અષાઢે શું મિસ્કીન વિશે હું કહું ?
એક વાદળ ભટકતું’તું વરસ્યા વગર.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
.
.
ભર વરસાદે કોઇ વાદળ વરસ્યા વિના જતું રહે તો ? ચોક્કસ કોરાં રહી જવાનો વસવસો થાય જ. પણ આપણે તો રોજ જ, જિંદગી જીવ્યા વિના જ દિવસો પૂરા કરીએ છીએ. હા… અંતિમ વેળાએ વળી એ જ કોરપનો આંખ ભીની કરીને વસવસો કરીએ ખરાં.
.
.
.
.
નીલકંઠી ક્ષણો : જવાહર બક્ષી
Tuesday, November 30th, 2010
.
એક ઝાકળનાં ટીપાંને દરિયે હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે.
જાણવાનાં પ્રયત્નો ન કરીએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે.
નીલકંઠી ક્ષણો શેષ રહી છે હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે.
સહુ ક્ષિતિજોને ઓળંગી જઇએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે.
આપણે ક્યાંય મળીએ ન મળીએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે.
- જવાહર બક્ષી
.
.
આકાશ અને પાતાળ વચ્ચે નીલકંઠી ક્ષણોમાં રમાતી રમત એ જ જિંદગી ! હાર-જીતને જાણવાનાં પ્રયત્નો કર્યા વિના, ક્ષિતિજોને ઓળંગવા, ખેલદિલીપૂર્વક આ રમત રમીએ. આમ તો ઝાકળના ટીપાંનો દરિયો જ છે ને જિંદગી તો !
ઝળહળ થયું : જયદેવ વ્યાસ ‘જય’
Monday, November 29th, 2010.
આમ તો હોવું હવે ઝળહળ થયું,
આપનું આ આવવું અટકળ થયું.
કેટલો બદતર રહ્યો વરસાદ આ,
આંસુઓનું પણ અહીં ઝાકળ થયું.
આંખ ખુલ્લી રાખીને હું શોધતો,
બંધ આંખોનું મિલન અંજળ થયું.
શ્વાસની એકલતા લઈને હું ફરું,
એક ઝરણું એટલું ખળખળ થયું.
જ્યાં હૃદયમાંથી વહ્યો હોઠો સુધી,
આયખું આ આપણું સમથળ થયું.
- જયદેવ વ્યાસ ‘જય’
.
.
આયખું સમથળ કરી, ખુદ ઝળહળવાની ગઝલ !
.
.
.
,
