Archive for the ‘ગઝલ’ Category
પ્રથમ સૂર્ય પાસે : હેમંત પૂણેકર
Monday, March 28th, 2011.
પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે,
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે.
જરી અમથી છે વાત મારી તમારી,
છતાં સૌ વધારી વધારી કરે છે.
હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા ?
મળે છે મને, વાત તારી કરે છે.
આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષ્યા,
જે ફૂલોથી કોમળ સવારી કરે છે.
સુકોમળ સપન તે છતાં ઊગવાનાં,
તું શું પથ્થરોની પથારી કરે છે !
મહેકતી પળો છે, બહેક મન મૂકીને,
બધું શું વિચારી વિચારી કરે છે.
અચાનક મળી તું, અવાચક છું હું પણ
હૃદય હર્ષની ચિચિયારી કરે છે.
- હેમંત પૂણેકર
.
.
ગુજરાતી ગઝલમાં એક આગવા અંદાજમાં મક્કમ ડગલાં ભરી રહેલાં હેમંતભાઈની કલમે એક આગવી ગઝલ.
.
.
.
.
ખેલીએ ફાગ હોરી : રાજેન્દ્ર શુક્લ
Sunday, March 20th, 2011.
( ઊડે રંગ , ઊડે ન ક્ષણ એક કોરી )
.
અહો શ્વાસ મધ્યે વસંતો મ્હોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી.
ઊડે દૂરતાને, ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી.
ઊડે આખ્ખું હોવું, મુઠ્ઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી.
ઊડે છોળ કેસર ભરી સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતન કિશોરી.
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ચલો ગાઇએ ખેલીએ ફાગ હોરી.
- રાજેન્દ્ર શુક્લ
.
.
આજે ધૂળેટી અને વળી, વસંતોત્સવનો પ્રારંભ પણ. કદાચ એટલે જ આજે, ફૂલોનાં પ્રતિક રુપે વિધ વિધ રંગોની છોળ ઊડાડી , આપણા હૃદય અને શ્વાસ મધ્યે પણ વસંત મ્હોરવાની ક્ષણોને ઉજાગર કરીએ છીએ. ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ આમ તો, અધ્યાત્મનાં રંગે જ રંગાયેલાં છે પણ તેઓ પણ, પ્રકૃતિનાં આ ઉત્સવને વધાવતાં, ગાઇ ઊઠે છે, – ” ચલો ગાઇએ, ખેલીએ ફાગ હોરી. “
.
.
.
.
પિંડથી બ્રહ્માંડ : હાર્દિક વ્યાસ
Tuesday, March 15th, 2011.
( પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિ )
.
યુદ્ધના પડઘમ વિચારો રક્તમાં ઘેરાય છે,
બાણની પ્રત્યંચા પર પ્રશ્નાર્થ લાગી જાય છે.
तेन त्यकतेन भूंजीथा : નો મંત્ર સાચો પાડવા,
આપમેળે પાંદડીઓ નેસ્તનાબૂદ થાય છે.
સત્ય કેવળ એ જ છે કે હું બધાથી ભિન્ન છું,
ને સમત્વથી બધીયે શક્યતા પડઘાય છે.
માંસ, મજ્જા, પ્રાણ, વાયુ, અગ્નિ ને ભૂમિ બધું,
કો તિલસ્મી તીરથી બસ ક્ષણ મહીં છેદાય છે.
સૂક્ષ્મતર ભાવે કદી માપી શકાયું ના જગત,
ને સરળતમ ભાવથી આકાશ પણ વંચાય છે.
પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિ આ છે બધી,
એ જિજીવિષા કરોડો ક્યાં કદી પરખાય છે ?
- હાર્દિક વ્યાસ
.
,
હજુ સુધી બ્રહ્માંડનાં રહસ્યોને કોઈ તાગી શક્યું નથી. હિંદુ સનાતન ધર્મ બ્રહ્માંડનાં રહસ્યોને વેદો-ઉપનિષદો દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે, અને તે પણ ‘નેતિ નેતિ’ પોકારી ઊઠે છે. “યથા પિંડે તથા બ્રહ્માંડે” છતાંયે પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિને કોણ અવરોધે છે ?
.
શબ્દાર્થ : તિલસ્મી – અલૌકિક, ચમત્કારીક.
.
.
.
ચાલે છે : જાતુષ જોશી
Monday, March 14th, 2011
.

.
લ્યો, હવે તો સાવ નોખા તાલ ચાલે છે,
હંસ આજે કાગડાની ચાલ ચાલે છે.
કૈં સવાલો ખૂબ અઘરા રોજ એ પૂછે,
તું ખભા પર ઊંચકી વૈતાલ ચાલે છે.
આ તમારી ‘આજ’ ઊગી પણ નથી પૂરી,
ને પણે તારીખિયામાં ‘કાલ’ ચાલે છે.
ક્યાં રહી શકતાં અહીં કોઈ સમાધાનો ?
શ્હેરમાં શરૂઆતથી હડતાલ ચાલે છે.
તું મુકામો રોજ ના બદલ્યા કરે અમથો,
ક્યાંક ભીતર તઘલખી કૈં ખ્યાલ ચાલે છે.
- જાતુષ જોશી
,
.
નવા જમાનાની ગઝલ નવી નજરે ! કલિયુગમાં કાગડો હંસની ચાલ ચાલશે એવું તો શ્રી રામ કહી ગયેલાં, પણ કવિ કહે છે એવો જ જમાનો તો પડઘાય છે ?!!
.
.
.
.
આ નગર – અમદાવાદ : ‘અઝીઝ’ ટંકારવી
Sunday, February 27th, 2011.

( ભદ્રના સંભારણાંનું આ નગર )
.

( ભદ્ર ચોક હાલમાં )
.
શ્વાન સસલાની કથાનું આ નગર,
ચાર અહમદની તથાનું આ નગર.
સંત એક વસ્યો હતો સાબર તટે,
દેશના એ નાખુદાનું આ નગર.
ઝૂલતા મિનારની ફરતે અહીં,
બંધ મિલોની વ્યથાનું આ નગર.
શહેર વચ્ચે શોભતી એ આજ તક,
સઈદ સીદીની કળાનું આ નગર.
ચોક એ માણેકના નામે હજી,
કોટનું ને કાંગરાનું આ નગર.
વાવ દદ્દાની અતીત સાક્ષી સમી,
ભદ્રના સંભારણાંનું આ નગર.
છે દફન સંતો-ફકીરો ઔલિયા,
પ્રાર્થનાઓ ને દુઆનું આ નગર.
ચાલ કાંકરિયા ફરીને આવશું,
સાંજ ત્યાં ભેગા થવાનું આ નગર.
પ્રેમથી તું પણ રહે હું પણ રહું,
તો બને કેવું મજાનું આ નગર.
છે અડીખમ કાળના ખપ્પર મહીં,
રે અઝીઝ રૂડું બધાનું આ નગર.
- ‘અઝીઝ’ ટંકારવી
.
.
શ્વાન અને સસલાની કથાનું આ નગર, અન્ય કથાઓ પણ એટલી જ રસપ્રદ ધરાવે છે. ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, માણેકચોક કે દાદા હરિની વાવ ….. છસો વર્ષ પછી હજી પણ બધુંયે અડીખમ છે ! કારણ, પ્રાર્થનાઓ અને દુઆનું આ નગર… !
.
.
.
.
અમદાવાદ : એસ. એસ. રાહી
Saturday, February 26th, 2011.

.
ખાલી કૂવામાંથી મીઠું પાણી ભરતું અમદાવાદ,
ચૈતરના બપોરે પરસેવામાં તરતું અમદાવાદ.
એહમદશાહના જરીપુરાણા ફોટાની સંગાથે,
કેલેન્ડરના ડટ્ટામાંથી ટપટપ ખરતું અમદાવાદ.
સાંજ પડે ને માણેકચોક ને લૉ-ગાર્ડનના રસ્તે,
તીખી તીખી જીભ લઈ ત્યાં સરતું અમદાવાદ.
હઠીસીંઘના દહેરાઓમાં લટાર મારી આવી,
સીદી સૈયદની જાળીઓમાં આવી ઠરતું અમદાવાદ.
નેહરુ પુલની નીચે જો ચોમાસું આવી પેઠું ,
રંગબેરંગી છત્રી પર જો મરતું અમદાવાદ.
શાહપુર પાસે આવો તો રબડી ચા હું પિવડાવું,
બાપુની જૂની કીટલીમાં આખું ફરતું અમદાવાદ.
ઘંટનાદ ને અઝાનના એ મિશ્ર તાલની વચ્ચે,
લોકો વચ્ચેના અંતરને ટૂંકા કરતું અમદાવાદ.
- ડૉ. એસ. એસ. રાહી
.
.
અહેમદશાહનું અમદાવાદ આજે છસો વર્ષ પૂરા કરી રહ્યું છે. ગયા વર્ષે, છસો વર્ષની ઉજવણીનો પ્રારંભ થયો ત્યારે અમદાવાદ વિષયક કાવ્યો, ગીત, ગઝલો માણેલાં. વળી, આજથી અમદાવાદનાં ગીત, ગઝલ અને કાવ્ય માણતાં અમદાવાદને Happy Birthday wish કરીશું ?!!
.
.
.
.



