Archive for the ‘ગઝલ’ Category
મળી ગયું કોઈ મારા જેવું ! : નયના જાની
Monday, September 1st, 2008
સહરામાં સથવારા જેવું,
મૌન, સઘન અંધારા જેવું !
એ જ ક્ષણિક ને એ જ સતત છે,
પાંપણના પલકારા જેવુ !
કોઈ કહે કે સ્થિર-સુસ્થિર છે,
કોઈ કહે જલધારા જેવું !
વીતી ક્ષણ ને તરત સાંભર્યું,
ઉપવન એ ઝબકારા જેવું !
કોને મહુવર જોબન ડોલ્યું,
સપન સાપના ભારા જેવું !
વહે હવે મધવ્હેણ શી મસ્તી,
નાવ નહીં ન કિનારા જેવું !
લો, આંખોની ફળી જાતરા,
મળી ગયું કોઈ મારા જેવું !
- નયના જાની
આપણા વેદ, ઉપનિષદને ગઝલમાં પણ અનેરું સ્થાન મળ્યું છે. આમ તો નાદબ્રહ્મ “ ૐ” એ એક માત્ર ઈશ્વરની આકૃતિ કે શબ્દાકૃતિ. પરંતુ આપણા સાહિત્યમાં આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર પૂર્ણ પણે શબ્દોમાં કરી શકીએ. નયના જાની વિશે કંઈ પણ કહેવું મારા માટે ઘણું જ મુશ્કેલ છે ખૂબ જ મૃદુ, પ્રેમાળ પોતાની ‘મા’ને મળીએ તેવું જ પોતીકાપણું લાગે ….
પરમ તત્ત્વની વાત તેમની રચનામાં સાહજિક છે પણ પાંપણના પલકારા જેવું ક્ષણિક જીવન કે સ્થિર સાથે સુસ્થિર શબ્દ…..તો વળી જલધારાની જેમ ખળખળ સ્થિર એટલે જડ નહિં -તેવો આડકતરો ઉલ્લેખ તેમની કલમની તાકાત બતાવે છે. આપણા ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની રચના માણવી એટલે એક અનેરો આધ્યાત્મિક અનુભવ જ . અને એવું નયના જાનીની રચનામાં પણ…. આ રચનાના કવિયત્રી રાજેન્દ્ર શુક્લનાં અર્ધાંગિની છે અને હાલમાં તેઓ કવિશ્રીની ગઝલનો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યાં છે. તેમને મળવું એટલે- ‘લો, આંખોની ફળી જાતરા’
ગઝલ : અંકિત ત્રિવેદી
Monday, August 25th, 2008
લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો’ક એવું આપણામાં ખાસ છે.
શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
મન ભરીને માણવાનું થાય મન,
એક એવો શોધવાનો શ્વાસ છે.
આપણે ખાલી થવાનું હોય છે,
જિંદગી પણ એક કટકો વાસ છે.
એક પંખી જેમ તું ઊડી ગઈ,
ને અમારા હાથમાં આકાશ છે.
- અંકિત ત્રિવેદી
હમણાં એક કાર્યક્રમમાં જવાનું થયું. બાજુમાં એક ઘરડાં બા બેઠેલાં તો મને પૂછ્યું કે, સ્ટેજ પર
મીઠડું બોલતો અને પરાણે વ્હાલો લાગે એવો આ છોકરો કોણ છે ? મેં કહ્યું , બા, એનું નામ તો અંકિત ત્રિવેદી છે. હવે બાને તો સાહિત્યની બહુ સૂઝ ન’તી લાગતી પણ તોયે …?!! અને અંકિતના પુસ્તક ‘ગઝલપૂર્વક’ ના દ્વિતીય વિમોચન સમારંભમાં સુરેશદાદાએ પણ નોંધ્યું કે આજના કાર્યક્રમમાં યુવતીઓ વધુ દેખાય છે. તો નાના-મોટાં સહુને મોહિત કરનાર અંકિતના પરિચયની તો કોઈને જરુર નથી. પણ વૅબમહેફિલના વાંચકોને જાણીને આનંદ થશે કે, ૨-૩ મહિનાથી સાઈટની કામગીરી માટે સાહિત્યકારોને મળવાનું થતું. અંકિતને પણ મળવાનું થયું અને હજુ વેબમહેફિલે તો પગલું ઉપાડ્યું’તું ને એમણે વૅબમહેફિલનો હાથ શરૂઆતથી જ થામી લીધો. એમના પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અને મને ગમતી એમની રચના ….
વરસાદની ગઝલ : રઈશ મનીઆર
Friday, August 22nd, 2008જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.
પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.
વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.
આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.
મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.
એ નથી વન્ટોળનો, ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.
એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.
- રઈશ મનીઆર
વરસાદી માહોલ હોય અને ભીંજાવાનું મન કોને ન થાય?
પણ જો વાદળો ના વરસે તો ?- વરસાદી ગઝલમાં તો ભીંજાઈએને ?!!
રઈશભાઈની આ વરસાદી ગઝલમાં, વરસાદનો કેફ એવો ચઢે છે કે, મત્લાના શેરથી તૃણની જેમ આપણે પણ ….. !! અને આ કેફની કેફિયત તો વર્ષા ખુદ શાંત બની સાંભળવામાં તલ્લીન…. તો ‘પાણીદાર’ શબ્દ અને વાદળને સાથે જોડી ધારી જમાવટ થઈ છે. મક્તાનો શેર પણ એટલો ચોટદાર છે કે સાચે જ સન્નાટો છવાય જાય છે દિલોદિમાગ પર.
એકલો હું ક્યાં કદીયે હોઉં છું : હર્ષ બ્રહ્મભટ્ટ
Thursday, August 21st, 2008ગાંધીનગરની કચેરીમાં ફાઈલોના ઢગલાં વચ્ચે હર્ષ બ્રહ્મભટ્ટ ચમત્કાર સર્જતા હોય
તેમ ગઝલ લખે છે. તો આજે માણીએ એમની એક માર્મિક ગઝલ…
અને મક્તાનો શેર તો આપણી અંદર રહેલી દિવાલને પણ ભેદી નાંખે તેમ પડઘાશે.
એકલો હું ક્યાં કદીયે હોઉં છું,
હું હંમેશા મારી સાથે હોઉં છું.
મૌનની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું.
સૂર્યોદય કેવો થયો મારી ભીતર,
પહાડ જેવો હું પીગળતો હોઉં છું.
નાદરૂપે હું પ્રગટતો હોઉં છું,
હું જ વીણા, તાર પણ હું હોઉં છું.
ડૂબવા, તરવા વિશે ક્યાં ભેદ છે ?
હું જ હોડી , હું સમંદર હોઉં છું.
અર્થ ક્યાં છે ? આ દિવાલોનો હવે,
બહાર પણ હું , હું જ અંદર હોઉં છું.
- હર્ષ બ્રહ્મભટ્ટ
ઈશ્વર : ચંદ્રેશ મકવાણા
Monday, August 18th, 2008આપણા મધ્યકાલીન સાહિત્યમાં ઈશ્વર કે ખુદા વિષયક રચનાઓ વધુ થયેલી જોવા મળે છે
કે શૃંગાર રસ પ્રકૃતિનો માણવા મળે અને સનમ, સાકી, મદિરા તો ખરું જ.
તો સાંપ્રતકાળમાં એક નવો જ આક્રોશ જોવા મળે છે ઈશ્વર પ્રત્યે.
ચંદ્રેશ મકવાણા પોતાની કલમ ઉઠાવે છે અને પડકારે છે તેના અસ્તિત્વને …..
ચાલ માન્યું એકલો પથ્થર નથી
તોય તું કંઈ એટલો સધ્ધર નથી
લોક લૂંટી જાય છે મંદિર પણ-
અર્થ એનો એ જ તું અંદર નથી
આભમાં પણ આદમી ફરક્યો જ છે
સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી.
તોય શાને ઉઠતા વિખવાદ જ્યાં
તું જ એકે પક્ષમાં હાજર નથી.
એ જ કારણથી તો હું ‘નારાજ’ છું,
કેમ તારા કંઈ ખબર અંતર નથી.
- ચંદ્રેશ મકવાણા
સભર સુરાહી : રાજેન્દ્ર શુક્લ
Friday, August 15th, 2008
સાહિત્યરસિકો,
વેબમહેફિલમાં આપનું સ્વાગત !! મહેફિલનો પ્રારંભ તો ગઝલથી જ થાય… ‘ઘાયલ’ તો કહે છે, ‘ દિલને લાગે જે લાજમી તે ગઝલ ‘ તો મૂર્ધન્ય કવિશ્રી રાજેન્દ્ર શુક્લ પોતાની આગવી શૈલીમાં ‘ગઝલ’ વિશે એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. રાજેન્દ્ર શુક્લ એ એવું નામ છે કે જેણે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મેળવી ‘ગુજરાતી ગઝલ’ને એક અનેરું સ્થાન અપાવ્યું. તેમના પોતાનાં જ હસ્તાક્ષરમાં માણીએ ‘ગઝલ’ વિષેની ગઝલ.
સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.
લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.
ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.
સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.
કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.
- રાજેન્દ્ર શુક્લ
આ ગઝલને ક્ષેમુ દિવેટીયાએ સ્વરબદ્ધ પણ કરી છે
અને શ્યામલ-સૌમિલ મુન્શીએ સ્વર આપ્યો છે. સાંભળો :

