Posts Tagged ‘અછાંદસ’

આપણે : પન્ના નાયક

Thursday, June 10th, 2010

 

આપણે

આટલાં નજીક

છતાં ય

જિંદગીભર

એકબીજાને જોયા કર્યાં છે એ રીતે

જાણે

હું સ્ટેશન પર

ને

તું

પસાર થતી ટ્રેનનો મુસાફર.

- પન્ના નાયક

 

ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં.  તેવી જ રીતે, એક જ છત નીચે, એક  ’માણસ’  બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?

 

.

પગલું : આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( અનુવાદક : રમણીક અગ્રાવત )

Thursday, September 3rd, 2009

 

albert einstein

( આલ્બર્ટ આઇન્સ્ટાઈન )

જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી

મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી

અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.

- આલ્બર્ટ આઈન્સ્ટાઈન

અનુવાદક : રમણીક અગ્રાવત

* * * * *

Birth is a beginning
And death is a destination.
And life is a journey

from childhood to maturity.
And youth to age;

From innocence to knowing;
From foolishness to discretion
and then, perhaps, to wisdom;
From weakness to strength
Or strength to weakness –
and often back again;
From health to sickness
and back, we pray, to health again;
From offence to forgiveness,
From loneliness to love,
From joy to gratitude,
From pain to compassion,
And grief to understanding -
From fear to faith;
And from defeat to defeat to defeat -

Until, looking backward or ahead,
We see that victory lies
Not at some high place along the way,
But in having made the journey, stage by stage,
a sacred pilgrimage.

Birth is a beginning.
And death a destination.
And life is a journey,
A sacred pilgrimage
to life everlasting.

- Albert Einstein

 

 જિંદગી એક યાત્રા છે…. જન્મથી મૃત્યુ સુધીની…. પણ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનની જિંદગીનો સિદ્ધાંત કંઈક અલગ જ હોય.  જિંદગીની સફળતા આપણી સાથે, આપણાં દરેક પગલે-પગલે સમાંતર જ હોય એ ફિલસૂફીને વૈજ્ઞાનિક પ્રયોગોમાં સફળતા ન મળે ?!! કદાચ આ ફિલસૂફીએ જ તેમને વૈજ્ઞાનિક બનાવ્યાં કે વિજ્ઞાને તેમને જિંદગીની આ ફિલસૂફી સમજાવી !! 
In leaves no step had trodden black.
Oh ! I marked the first for another day ! -  Albert Einstein    આજનું આ પ્રથમ પગલું આવતીકાલની સફળતા માટે છે. અને આથી જ, સફળતા કે વિજય તે કોઈ ઉચ્ચાસને બિરાજમાન નથી. પણ પગલે પગલે કંડારાતી પુનિત યાત્રામાં જ રહેલ છે. આવતીકાલની સફળતા માટે…. !! 

તેમનાં જીવન વિષે અને તેમનાં હસ્તાક્ષરમાં તેમની કૃતિઓ http://www.alberteinstein.info/ પર  માણી શકશો.

 

 

.

જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા

Monday, July 6th, 2009

 

ક્યાંક

વચ્ચેથી અચાનક

વાતનું અનુસંધાન તૂટી જાય

ને મન તો ખોવાઈ જાય

કોઈ અગોચર ગલીમાં

અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

ઝાંખાપાંખા લખેલા નંબરમાં

મને વંચાય છે મારી જન્મ-તારીખ.

 

તારીખ સાથેના

સંબંધો તો તૂટી ગયા છે ક્યારનાય

છતાં તારીખનાં પાનાં

હજી એવાંને એવાં છે અકબંધ.

કોઈ પણ પાનું હજી ફાડ્યું નથી

…………….

આજ સુધી

તારીખનાં પાનાં તેથી જ અકબંધ છે

ક્યારેક એમ લાગે કે હાથ અંધ છે

અગર હાથને તારીખ સાથે હશે અણબનાવ

પણ એવું નથી

………..

હાથ તો અટકી ગયો છે

ક્યારનોય તારીખનાં પાનાનાં રસ્તે

અને

ક્યારેય પ્હોંચશે કે કેમ

એવી કોઈ ઘટનાનું બીજ ઊગશે કે કેમ

એ પ્રશ્ન લઈને ઊભો છું

અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

અને વાંચું છું

મકાનના નંબરમાંથી મારી જન્મ-તારીખ.

- મનોજ ખંડેરિયા

 

મનોજ ખંડેરિયાનાં જન્મદિને માણીએ તેમની કલમે તેમના દીર્ઘ અછાંદસ ‘જન્મ-દિવસે’ નાં અમુક અંશો.  અગોચર મકાન પર ઝાંખાપાંખા લખેલા નંબરમાં જન્મ-તારીખ વાંચતાં વાંચતાં, આપણે ક્યારે મકાનને આપણું બનાવી દઈએ છીએ તેનો ખ્યાલ પણ નથી રહેતો. .

ક્યાંક વાંચેલું, જો તમે ઈશ્વર સાથે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરતાં હો, તે જરુર મનમાં મલકાતો હશે.  બસ, એવું જ …. કંઈક !  આજે તેમનાં જન્મ-દિવસે તેમની વૅબસાઈટ પણ લૉન્ચ કરવામાં આવી છે.

 

 

.

વૃક્ષ : ઓમ પુરોહિત (અનુ : કિશોર શાહ)

Monday, June 8th, 2009

 

tree

 

તમે

એક અભિયાનમાં

વૃક્ષ વાવ્યું,

બીજામાં 

સીંચ્યું,

અને ત્રીજા અભિયાનમાં

કાપી નાંખ્યું.

ઠીક છે

તમે માલિક હતા, વૃક્ષના

પણ જવાબ તો આપવો જ પડશે

 કે જેણે વૃક્ષને પોષ્યું,

જે પાંદડાં ફૂટવાના સમયથી

કપાઈ જવાના સમય સુધી

મૂક હતી 

એ ધરતી

પેલા વૃક્ષની શું હતી ?

- ઓમ પુરોહિત

અનુવાદક : કિશોર શાહ ( ગુજરાતી )

 

 પ મી જૂન, વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષ વાવો અભિયાનનું ‘ અભિયાન’ બરાબર જામ્યું …… પણ  જવાબ તો આપવો જ પડશેને ?!!

 

 

.

હું મરી ગયો…..: રમેશ પારેખ

Sunday, May 17th, 2009

 

હું મરી ગયો.

અંતરિયાળ.

તે શબનું કોણ ?

તે તો રઝળવા લાગ્યું.

કૂતરું હાથ ચાવી ગયું.

તો સમડી આંતરડાનો લચકો ખેંચી ગઈ.

કાગડો મજેથી આંખો ઠોલે.

કાન સોંસરી કીડી આવે-જાય.

સાલું, સાવ રામરાજ ચાલે….

પવન દુર્ગંધથી ત્રાસીને છૂ,

તે વાળ પણ ન ફરકે,

-ને આ બાજુ સાંજ પડું પડું થાય.

ઘેર તો જવાનું હતું નહીં.

આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

હું સારો માણસ હતો.

નખમાંય રોગ નહીં ને મરી ગયો.

કવિતા લખતો…

ચશ્માં પહેરતો…

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભા છે.

પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

અને એમ સહુ રાબેતાભેર,

ખરો પ્રેમ માખીનો,

જે હજી મને છોડતી નથી.

હું બિનવારસી,

ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

પણ કાકો ફરી અવતરશે,

ને માણસગીરી કરશે, હી હી હી….

- આમ વિચારવેડા કરતો હતો,

તેવામાં

બરોબર છાતી પર જ

ના, ના ઘડીક તો લાગ્યું અડપલું કિરણ હશે.

પણ નહોતું.

છાતી પર પતંગિયું બેઠું’તું

પતંગિયું…

આલ્લે…

સડસડાટ રુંવાટા ઊભાં….

લોહી ધડધડાટ વહેવા માંડ્યું,

ઓચિંતી ચીસ નીકળી ગઈ કે,

હું મરી ગયો નથી…

સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઈશ ?

- રમેશ પારેખ

 

૧૭ મે, ૨૦૦૬ના રોજ એક ‘છ અક્ષરનું નામ’ દૈહિક વિશ્વમાંથી ભૂંસાઈ ગયું. એ નામ કે જેનું અસ્તિત્વ નહીં હોવાના કારણે ” ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં છે ” કારણ હવે કોઈ કહેનાર નથી કે – ” પાન પીળું થયું તો પાનમાંથી શું ગયું કોને ખબર ? ”    અંતરિયાળ મોત પછી પણ  ર.પા. ફરી અવતરશે અને કવિગીરી કરશે……!!  

 ૨૨ મે, ૨૦૦૯ના રોજ તેમના પુત્ર નીરજ પારેખ ર.પા.ને ડિજિટલ સ્વરુપે આપણી સમક્ષ લઈ આવે છે, તો ” કાળ સાચવે પગલાં” નીતિન વડગામા સંપાદિત ર.પા.ની અગ્રંથસ્થ રચનાઓ અને સંજય વૈદ્ય સંપાદિત ર.પા.ની રચનાઓનું પુસ્તક “e-મોશન્સ” ની લોકાર્પણ વિધિ મોરારીબાપુનાં હસ્તે રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

 

 

.

એક નેતાને : હર્ષ બ્રહ્મભટ્ટ

Wednesday, April 29th, 2009

એક નેતાને,

સૂવાડ્યા ચંદનની ચિતા પર,

ખાસ્સું ઘી રેડ્યું.

પછી અગ્નિદાહ દીધો,

પણ ચિતાને અગ્નિ સ્પર્શે જ નહિં.

બધાં જ પ્રયત્નો નિષ્ફળ.

છેવટે એક કવિએ બતાવેલાં ઉપાય મુજબ -

એ નેતાની ખુરશીનાં પાયા તોડીને,

ચિતામાં લાકડા ભેગાં ગોઠવ્યાં,

કે તરત -

પ્રગટી ઊઠી ચિતા

ફડ, ફડ, ફડ……

- હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષભાઈએ ટૂંકમાં સીધેસીધું જ સમજાવી દીધું છે, આજે મારે તો કંઈ નથી કહેવું…
સું કિયો છો તમે ?!!

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME