Posts Tagged ‘અછાંદસ’

ઝળઝળિયાં : રમેશ પારેખ

Wednesday, November 5th, 2008

 

નાનપણમાં બોર વીણવા જતાં,
ખિસ્સામાંથી બોરની ઢગલીઓ કરી અમે ભાગ પાડતાં.
આ ભાગ દીપુનો, આ ભાગ ટીકુનો, આ ભાગ -
ભનિયાનો, આ ભાગ ધનિયાનો.
અને પછી એક વધારાની ઢગલી કરી અમે કહેતાં;
આ ભાગ ભગવાનનો.
અને ભગવાનની ઢગલી રાખીને,
બાકીનો ભાગ અમે અમારા ખિસ્સામાં ભરતા
અને રમવા ચાલી જતાં.
ભગવાન રાત્રે છાનામાના આવી
પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે માનતાં.

પછી અમે મોટા થયાં.
બે હાથે ખૂબ ભેગું કર્યું.
ભાગ પડ્યાં – ઘરનાં, ઘરવખરીનાં.
ને ભગવાનનો ભાગ પાડ્યો
ઓચિંતા ગઈકાલે અચાનક ભગવાન આવ્યાં.
કહે : લાવ, મારો ભાગ….
પાનખરની બે ડાળી જેવા મેં મારા હાથ જોયાં – ઉજ્જડ.
એક સૂકું તરણું પણ નહીં,
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં તે
અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને !

- રમેશ પારેખ

બચપણમાં ભગવાનનો ભાગ પાડતાં પણ મોટાં થઈ ભાગલા પાડવામાં ભગવાનનો ભાગ પાડવાનો જ ભૂલી જઈએ, પણ એ થોડો ભૂલે ? છેલ્લે આવીને ઊભો જ રહ્યો, આપણાં ઝળઝળિયાંમાં ભાગ પડાવવા…?!!

 

 

જડીબુટ્ટી : વિપિન પરીખ

Thursday, October 9th, 2008

 

રાવણના રાજ્યમાં જીવવાની

મને જડીબુટ્ટી જડી ગઈ છે.

મને રોજ રાતે

રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.

- વિપિન પરીખ

 

દર વર્ષે દશેરા આવે અને સદીઓથી લોકો રાવણદહન કરે અને તોય મરતો નથી ?!!   મારો દીકરો કહે છે મમ્મા એને ટૅન હૅડ છે તો એને માથામાં નહીં પેટમાં તીર મારું તો મરી જશે ?!!   આપણી ‘રાવણ’વૃત્તિઓ પણ દશ માથાળી છે એકનું માથું કાપ્યું ત્યાંતો બીજું …!!   એને પણ પેટમાં (ગર્ભ-મૂળ)માં જ તીર મારવું પડે તો જ તેનો નાશ થશે અને વિપિન પરીખની જેમ આપણને આવતાં રામરાજ્યનાં સ્વપ્નાં પણ કદાચ સાચાં પડશે … જય વિજયાદશમી !

 

 .

ઊંચી દીવાલ : લીના ત્રિવેદી

Tuesday, October 7th, 2008

 

આ ઊંચી દીવાલ

આપણે જ ચણાવી

ધન ખર્ચીને.

એની ઉપર અણીયાળા કાચ

આપણે જ નંખાવ્યા

Select કરીને.

તોતિંગ દરવાજાનાં લોખંડી તાળાં

આપણે જ બનાવરાવ્યાં

સ્પેશ્યલ ઑર્ડરથી.

હવે બહાર નથી જઈ શકતા

આપણે જ.

- લીના ત્રિવેદી

 

ચણી દીધી છે આપણે જ આપણી ફરતે અહમની-દંભની-માન્યતાઓની કાલ્પનિક દીવાલો અને જાતે જ થઈ જઈએ છીએ તેમાં કેદ !! ખ્યાલ આવે છે ત્યારે તે દીવાલોની ઊંચાઈઓ એટલી વધી ગઈ હોય છે કે આંબવી ઘણી મુશ્કેલ હોય છે કે પછી આપણી જ  ઊંચાઈ ઓછી પડે છે -દીવાલો તો કાલ્પનિક જ છે ને ?!!

 

સપનોંકા એક શહર થા

Monday, September 15th, 2008

 

સપનોંકા એક શહર થા
ઝોંપડપટ્ટી મેં રહનેવાલોંકા

સડક સે ઉઠાયા ગયા
સુલગતા સિગરેટ કા એક ઠૂંઠ
ચમકને લગા ઉસકી એકાધ ફૂંકસે
વહ રુપહલા શહર
ચૂસકર ફિર ફેંકે ગયે ઠૂંઠ કે સાથ
સુલગને લગા વહ
બસતે હૈં મહલવાસી
તબ સે સ્વપ્નોંકી ઝોંપડપટ્ટી મેં

સ્વપ્નોં કા એક શહર
ફિર સે બસેગા
ઝોંપડપટ્ટી કી ખાક સે…

( દિલ્હી, ૧૨.૧૧.૧૯૭૯)

- ઉમાશંકર જોશી
અનુવાદક : ડૉ.આલોક ગુપ્તા

 

આપણી રાષ્ટ્રભાષા “હિન્દી”…. અને ૧૪ સપ્ટેમ્બર હિન્દીદિન તરીકે મનાવવામાં આવે છે. “વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની.” ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિ “વસુધૈવકુટુમ્બકમ્”ની અર્થચ્છાયા નીપજાવે.પરંતુ આ વિશ્વમાનવીને માત્ર વિશ્વશાંતિના દ્રષ્ટિકોણથી વિશ્વમાનવી બનવું છે .ના… તેઓ માનતા કે, હું ગુજરાતીમાં લખનાર  “ભારતીય સાહિત્યકાર” છું ને સાહિત્યની શૈલી તેનું લખાણ વૈશ્વિક સ્તરનું હોવું જરૂરી છે.

સડક પરથી ઉઠાવેલ સિગારેટના ઠૂંઠાનો એક કસ મારતાં જ સ્વપ્નોની એ નગરી સ્વપ્નવત્ વસતી જાય છે. હજુ તો ‘ઠૂંઠા’નો નશો ચડે ત્યાં જ તે આપણી આંગળીએ ચંપાઈ જાય છે.

સ્વપ્નોં કા એક શહર
ફિર સે બસેગા
ઝોંપડપટ્ટી કી ખાક સે…

પ્રસ્તુત આ રચના ‘૭૯માં રચિત છે પરંતુ આજની ઝૂંપડપટ્ટીના સ્વપ્ન આજે ત્રીસ દાયકા આવ્યાં છતાં જરાપણ બદલાયા નથી કે પછી ‘માત્ર’ ત્રીસ વર્ષ પુરાણો ઝૂંપડપટ્ટીનો આ ઈતિહાસ આજે પણ જરા પણ અપ્રસ્તુત નથી…?!! આ જ છે વૈશ્વિક કલમ જે ખરા અર્થમાં તેમને વિશ્વમાનવી તરીકે પ્રસ્તુત કરે છે.

 

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME