આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા
Tuesday, June 1st, 2010
લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.
સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.
ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.
વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.
જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.
- હિતેન આનંદપરા
સમી સાંજે દરિયા કિનારે, પ્રકૃતિનો ખોળો ખૂંદવાને બદલે, આજનો માણસ પીઠ ફેરવી ગાડીઓ ગણ્યા કરે છે. લક્ષ્મી ગણીને થાકતો નથી તો લાગણીઓ ગણવાનું શરુ કરી દે છે. હિતેનભાઇ કહે છે એમ, આજના માણસમાં આખો ને આખો શકુનિ ઝરે છે, ખબર નહીં તે ક્યારે ‘ ખરે’ ?!!
.
