Posts Tagged ‘achandas’

શબ્દ : ઉમાશંકર જોશી

Thursday, September 24th, 2009

 

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

- ઉમાશંકર જોશી

 

” શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે. “
     – ધૂની માંડલિયા

મિત્રો, બે દિવસ પહેલાં જ આપણે આ ગઝલ માણી.  વિવેકભાઈએ પ્રતિભાવમાં એક મજાની વાત કરી કે, જો એક શબ્દ પણ સાચા અર્થમાં સમજણો થાય તો ગંગા નાહ્યા. !!  અને વળી, વિચારોનાં વનમાં મન અટવાયું, કે શબ્દ સાચા અર્થમાં સમજણો ક્યારે કહેવાય ?  વિચારોના એ વનમાં અટવાતાં આખરે એની એ જ – એક કેડી મળી આવી અને તે -

શબ્દથી ધ્વનિને પામો,
ધ્વનિમાં અર્થ વિસ્તરો;
અર્થમાં પ્રગટો જ્યોતિ,
જ્યોતિ આનંદમાં ઠરો. – મકરંદ દવે

સંજોગ અને પરિસ્થિતિ મુજબ તો વળી અંગત ક્ષમતા મુજબ વ્યક્તિ શબ્દને સમજતો હોય છે ( કે સમજવા પ્રયત્ન કરતો હોય છે ) ?!  અને આપણે પ્રતિક્રિયા પણ તે જ સાચું એમ માનીને જ આપીએ !! પણ ખરેખર તો, શબ્દ ત્યારે જ સમજણો કહી શકીએ કે નકારાત્મક પરિસ્થિતિમાં પણ હકારાત્મક વલણ રાખી તેવું કર્મ કરીએ, આચરણ કરીએ. અને મને યાદ આવી ઉમાશંકરની આ પંક્તિઓ…. !!

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ. 

લયસ્તરો પર આ કાવ્ય મૂકાયેલું ત્યારે જે સમજાયેલું તે જ ફરીથી પ્રતિભાવમાં મૂકું છું !!

ખરે જ, શબ્દ તો મૌન બરાબર જ છે, જ્યાં સુધી શબ્દનો ધ્વનિ શબ્દશઃ અર્થમાં ના વિસ્તરે, અને અર્થ પ્રકાશપુંજ બની જાય છે, જ્યારે એ પથદર્શક, અવિચલ માર્ગદર્શક બની સમગ્ર અસ્તિત્વને સત્યના માર્ગ પર લઈ જઈ આચરણમાં મૂકાય છે…..!!

શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક ! ધવલભાઈનું કાવ્યની અંતિમ પંક્તિ માટે યોગ્ય જ વિવેચન છે………!! પણ મને લાગે છે કે, આખું કાવ્ય તો ‘શબ્દ’ કરતાં ‘શબ્દાર્થ’ને વધુ મહત્વ આપે છે.  સાંઈકવિશ્રી મકરંદ દવે પણ આ મુક્તકમાં શબ્દાર્થની મહત્તા વર્ણવે છે,  આથી મને તે યાદ આવ્યું …. આભાર પંચમભાઈ……..!!

“શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.”

શબ્દ તો ભેદી શકાય નહિ એમ બેઠો છે અને અર્થનો ઝાંખો પ્રકાશ એની આરપાર જઈ શકતો નથી. અદ્.ભૂતતા… આ જ ! નહિ તો પ્રકાશ તો કશાની પણ આરપાર જઈ જ શકે ! પણ એ જ કમજોરી ને કવિ કહે છે કે, એ આભા-વલય બહુઅર્થના શબ્દને ફરતા જે છે તેનાથી જ તો
વધુ રસાસ્વાદ કરવાની તક મળે છે. – ‘Juxtaposition’

“શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.” – શબ્દોના અર્થ પામીને પણ શું ?!  કારણ શબ્દના મૂળમાં-ગર્ભમાં તો કર્મ એટલે કે આચરણ છે. જો સમજીને પણ આચરણ ના કરીએ તો શું અર્થ આ બોલાયેલા શબ્દોનો….!!

અંતિમ પંક્તિમાં વળી, ‘શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ’ કહે છે જે શબ્દને મહત્વ આપે પણ કાવ્યપૂર્તિ અથવા એમની વિચારપૂર્તિ હોઈ શકે,
જે એમના મનનું સમાધાન મળે છે તે જ દર્શાવે છે…. નહિ તો હું પણ એવું માનું કે, જે તમારું મૌન ના સમજી શકે એ તમારા શબ્દો શું સમજી શકવાના, પણ જે શબ્દો જ ના સમજી શક્યા એ મૌન તો કોઇ કાળે ના જ સમજી શકે……!!

એટલે કે ,  શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે ?!!!  :)  

 

 

.

શબ્દોને પણ : જનક વ્યાસ

Friday, August 7th, 2009

 

iloveu

 

સહજપણે આપણે,

પ્રિય વ્યક્તિને

‘ આઈ લવ યુ’

કહીએ છીએ ત્યારે

ખબર ક્યાં હોય છે

કે - 

શબ્દોને પણ

ઍકસપાયરી ડેઈટ હોય છે !

- જનક વ્યાસ

 

‘શબ્દોને પણ’ ઍકસપાયરી ડેઈટ ભલે હોય,  દિલમાં નીતરતી લાગણીઓને ક્યારેય ના જ હોય કે ના હોવી જોઈએ !!

 

 

.

શનિવાર : કિરણકુમાર ચૌહાણ

Monday, June 22nd, 2009

 

1

 

દર સોમવારે વહેલી સવારે

હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે

પપ્પા મને લાં…બી પપ્પી કરીને

નોકરીએ નીકળી જાય છે

તે છે…ક

શનિવારે પાછા આવે.

હું પપ્પા કરતાંય વધારે

શનિવારની રાહ જોઉં છું

કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે

પણ શનિવાર તો

મારા પપ્પાને લઈ આવે છે !

- કિરણકુમાર ચૌહાણ

 

ગઈકાલે ૨૧મી જૂન ‘ ફાધર્સ ડે’ હતો અને  હવે તો ભારતમાં પણ, વિદેશમાં જેમ સામાન્ય થઈ ગયું છે એમ જ, માત્ર રવિવારે જ સહકુટુંબ મળવાનું થાય છે. આમ તો,  બાળકને મનાવવા માટે એક કૅડબરી, રમકડાં કે કોઈ પણ ગિફ્ટ કાફી ……..  પણ બાળકનાં ભવિષ્ય માટે કે કૅરિયરનાં નામે સોમથી શનિ કામ કરતાં પપ્પાઓને ( કે મમ્મીઓને પણ ! )  યાદ નથી રહેતું કે બાળકને સૌથી વધારે તો પપ્પા ( કે મમ્મી ) જ વધુ ગમે છે.  અને પછી જ્યારે ફાધર વૃદ્ધ અને બાળક કૅરિયરમાં busy થઈ જાય ત્યારે ….. એ જ બાળક માટે આપણે ફરિયાદ કરીએ કે પૂરતો ટાઈમ નથી ઘરડાંઓ માટે …. ?!!  

માત્ર પૈસાની હોડમાં કે કૅરિયરની દોડમાં આપણે આપણું બાળક તો નથી ગુમાવતાંને ? હા જરુર પૂરતાં પૈસા કમાવવા મજબૂરીથી દૂર રહેવું પડે તો અલગ વસ્તુ……. બાકી તો ?!!

 

 

.

સ્ત્રી-સ્વાતંત્ર્ય : પન્ના નાયક

Sunday, March 8th, 2009

 

બે પગમાંથી

કયો પગ

ઊકળતા પાણીમાં મૂકવો

અને કયો

બરફના ચોસલામાં

એનો

સ્વતંત્ર નિર્ણય લેવા

અપાયેલો અધિકાર

એટલે

સ્ત્રી-સ્વાતંત્ર્ય

- પન્ના નાયક

મિત્રો, આજે ઈન્ટરનેશનલ વીમેન્સ ડે….. જેની સર્વ પ્રથમ ઉજવણી કદાચ રશિયામાં અને પછી અમેરિકામાં થઈ હતી. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરીએ તો પહેલો સવાલ એ  જ ઊઠે કે સ્વતંત્રતા એટલે શું ? – અને પાયાનાં આ પ્રશ્નને પન્નાઆંટીએ બહુ સરસ રીતે ઉઠાવ્યો છે. કારણ સ્ત્રીને તો એક પગ ઊકળતા પાણીમાં અને બીજો પગ બરફના ચોસલામાં – બન્ને પરિસ્થિતિ નોર્મલ તો નથી જ. તો સ્વતંત્રતાની વિભાવના શું ? પ્રાચીનકાળથી જ સ્ત્રીની એક વિભાવના “આર્યપુરુષો” એ નક્કી કરેલી જ હતી. 

“कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥”

અર્થાત્ , બાહ્યકાર્યમાં મંત્રી, ગૃહકાર્યમાં દાસી, ભોજનકાર્યમાં માતા, શયનમાં રંભા, ધર્મકાર્યમાં સાનુકૂલ અને ક્ષમા આપવામાં ધરતી સમાન-આ છ ગુણો ધરાવતી પત્ની મળવી મુશ્કેલ છે. વૈદિક કાળથી જ ઉષા ઉપાધ્યાયનાં શબ્દોમાં કહું તો – ” સપ્તર્ષિના બીજા તારાઓ કેવા ઝળહળતા છે પણ અરુંધતીનો તારો આટલો નાનો ને ઝાંખો કેમ છે ?”  (અરુંધતી-વસિષ્ઠ ઋષિનાં પત્ની)   આગળ ઉષાબેન કહે છે, ” હજુ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. એક નારી તરીકે આ પ્રશ્નના ઉત્તરની શોધ એ મારો પ્રમાણિક અવાજ છે. ” અને આ ખોજનું પરિણામ સ્વરૂપ તેમની કવિતા ‘મુક્તિ’.  હા… આજે વીમેન્સ ડે પર કાવ્યત્રયી માણવાનું ના ચૂકશો. તો પન્નાઆંટીએ પોતાની વૅબસાઈટ હમણાં જ લૉન્ચ કરી છે તો તેની મુલાકાત પણ લેશો.

 

.

ઘર અશ્રુનું : નિર્મિશ ઠાકર

Sunday, March 8th, 2009

 

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.

‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.

સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.

ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

- નિર્મિશ ઠાકર

નિર્મિશભાઈએ પોતાની કલમથી સ્ત્રીની લાગણીઓને વાચા આપી છે. સ્ત્રીને તો પોતાનું ઘર લાગે એવી વર્તણૂંક માત્રથી જ તેને તેનું ઘર મળી જશે કોઈ કાયદા-કાનૂન મુજબ તેનાં નામે ઘર કરવાની વાત નથી. જેમ  પન્ના આંટીના કાવ્યમાં સ્ત્રી સ્વાતંત્ર્ય ચીસો પાડીને એટલું જ કહે છે તેને પોતાની ‘માત્ર’ પોતાની કહેવાય એવી ક્ષણો જીવવી છે.  રસોઈ કરતાં કરતાં મસાલાનાં ડબ્બામાં મીઠા, મરચાં, હળદરમાં કો’ક વાર તેનો સફેદ, લાલ કે પીળો રંગ આંખમાં ઊભરાઈ આવે તો કેન્વાસ પર એક પીંછી મારવાની મોકળાશ જોઈએ છે.  કૂકરની વ્હીસલમાં જો સંગીતનો કોઈ આઠમો સૂર સંભળાય તો સિતારનો એક તાર છેડવાની સ્વતંત્રતા જોઈએ છે.  જય વસાવડા કહે એમ, ‘woman’ તો ‘working’ જ હોયને ?!! તે પછી ઘરમાં કે બહાર…. પણ તે આવી મોકળાશ કે સ્વતંત્રતા માંગે તો તેને સ્વચ્છંદતા તો નહિં કહોને ?!!  શક્ય છે અરુંધતીનો નાનો અને ઝાંખો તારો ધ્રુવ સમાન ઝળહળી ઊઠે !!

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME