Posts Tagged ‘anil chavda’

જાય છે : અનિલ ચાવડા

Monday, May 10th, 2010

 

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.

- અનિલ ચાવડા

 

મત્લાનો શેર જ કવિની કલમનો પરચો આપી દે છે… જિંદગીમાં ક્યારેક એક એવું મોજું નિરાશાનું કે અંધકારનું આવતું હોય છે, કે સપનામાં આવેલું વ્‍હાણ પણ  ડૂબી જાય. તો આગળ કહે છે, કોઇનાં જીવનમાં તો સવાર પડતી જ નથી બસ ખાલી રાતનો ‘કલર’ બદલાય છે.   જોકે,   જિંદગીમાં આ બધું -  વીત્યા  પછી જ સમજાતું હોય છે.   કવિમિત્ર અનિલ ચાવડાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.

 

 .

તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા

Tuesday, December 22nd, 2009

 

 varsaad 

પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
માનનાં મરજાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા,
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.

-  અનિલ ચાવડા

 

પ્રેમનો અનુવાદ એટલે જ વરસાદ… ! આગવી ભીનાશ લઇને, આગવું પલળવાનું પ્રેમમાં… બસ, એક વાદળ અને એક કાજલ પછી ક્યાં કોઇ વાદ કે વિખવાદ વરસાદમાં…. !! 

 

 

ચાલ્યો જઈશ : અનિલ ચાવડા

Wednesday, July 1st, 2009

 

ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ.

છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ,
હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ.

પુષ્પમાં સુગંધ મૂકી, વૃક્ષને ભીનાશ દઈ,
કોઈ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.

રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.

છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.

- અનિલ ચાવડા

 

નોખી વાત ને નોખી ભાત … અનિલની કલમની રીત !!  દુન્યવી  વાસ્તવિકતાને અનિલ કેવી બખૂબીથી રજૂ કરે છે.  દુનિયામાં સૌ પોતપોતાનાં ભાગ્ય લઈને આવ્યા અને અંતે તો આ દુનિયા છોડી જવાનાં જ …… આ હકીકત તો આપણે સૌ પણ જાણીએ છીએ પણ પુષ્પનેય સુગંધ આપવા માંગતો, વૃક્ષને ભીનાશ દેતો, અને કોઈ પંખીનો ટહુકો બનતાં માણસને ક્યાં સુધી ટપાલની જેમ વાંચશો ?  સંબંધોનાં સમંદરને તરી ના શકાય તો થોડું થોડું ડૂબી જોઈએ !  સૂર્યનું જ એક ટીપું આમ કો’ક કોડિયામાં પ્રગટી જતું હશે ને …. ?!!

 

 

.

ગઝલ : અનિલ ચાવડા

Sunday, May 10th, 2009

 

છોડ    દીવાને   પહેલાં   તું   મને   પ્રગટાવને,
આવવા  તૈયાર  છું,   રસ્તો   જરા  બદલાવને.

પ્રેમની  વ્યાખ્યા  કરે  છે  એક માણસ ક્યારનો,
તું  જરા  એને  ખૂણામાં  લઈ  જઈ  સમજાવને.

ભાઈ  ખાલીપા ! હજીયે  કોઈ  પણ આવ્યું નહીં,
તું  જ  ઘરની  બ્હાર  જઈને  બારણું ખખડાવને.

આંસુ  આંખોનાં  પ્રવાહી  થઈ  ગયેલા શબ્દ છે,
ચાલ  નવરો  હોય  તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં  સુધી  હું  આભ  સામે  જોઈને  બેસી  રહું?
તું  હવે  વરસાવતો  જો  હોય  તો  વરસાવને.

- અનિલ ચાવડા

 

અનિલની એક મજેદાર ગઝલ આજે તેના જન્મદિને …. !!  ભીતરનો દીવો ઈશ્વર આમ જ ઝળહળતો રાખે તેવી શુભેચ્છા સાથે.  ન બોલાયેલ શબ્દોનું પ્રવાહીપણું  તે આંસુ – તો માણસના ખાલીપાને ખુદને જ બારણું ખખડાવવાનું ઇજન આપતા શેરમાં દુનિયામાં વધતો ‘માણસ’નો ખાલીપો કેવો વર્તાય છે ?!!

 

 

.

ગઝલ : અનિલ ચાવડા

Friday, April 10th, 2009

 

શ્વેત ચાદર ને ફુલોના હારનો ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો !

સૌ પ્રથમ તો આગિયાની આંખનો ચમકાર  આપ્યો,
ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.

આપતા તો આપી દીધાં હાથ બે દમંયતીના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો.

પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?

આ તો એનું એ જ ને ? આમાં અમારી મુક્તિનું શું ?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.

- અનિલ ચાવડા

 

સંસારમાં વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે અને સમય તેનો અણસાર સુદ્ધા આપતો નથી. જિંદગીની નરી આ વાસ્તવિકતાને અનિલે પોતાનાં અનોખા અંદાજમાં બયાં કરી છે. તો મત્લાના શેરમાં મોતનાં ‘સૌંદર્ય’ને કેવો નિખાર આપ્યો છે ?!!

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME