Posts Tagged ‘ankit trivedi’

મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી

Friday, August 13th, 2010

( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

- અંકિત ત્રિવેદી

પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય !  ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .

.

મળી જઇશ કોઇ પ્રાસમાં : અંકિત ત્રિવેદી

Wednesday, July 22nd, 2009

 

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં.

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી,
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં.

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે,
નીકળ્યો હશે પછી પવન તપાસમાં.

તું મથામણો કરી ગઝલ લખી તો જો,
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં.

- અંકિત ત્રિવેદી

 

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં…. !  હા… એટલે, હવે અંકિત ત્રિવેદીનું નવું સરનામું ક્યાંક આસપાસમાં જ  છે. તેમણે પણ પોતાનો અંગત બ્લૉગ શરુ કર્યો છે.  જેમાં આપ સૌ તેમની રચનાઓ માણી શકશો એટલેકે તેમને જાતે મળી  પણ શકશો…. !  વૅબમહેફિલનાં વૅબજગત પેજ પર અન્ય સાહિત્યકારોની વૅબસાઇટ્સ અંગે પણ માહિતી આપેલ છે.

 

 

મોસમ આવી છે કમાલની : અંકિત ત્રિવેદી

Monday, March 9th, 2009

 

સામે ચાલીને હવે ચર્ચા કરું છું, તારા પૂછ્યા વગરના સવાલની
મોસમ આવી છે કમાલની…..

સપનાનો સૂરજ જે આંખોમાં ઊગે,
                 એને દિવસે દેખાય રોજ તારા.
કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,
                 ત્યારે ઉકલે અવસરનાં અણસારા.
દિવસ પણ ઊગવાનું યાદ રાખી રોજ રોજ વાતો કરે છે આજકાલની.

જીવતરનો અર્થ પછી હોવું થઈ જાય,
                    એવે ટાણે સમજાઈ જાય તું,
ભીનપને લીલેરી લ્હેરખી ફૂટેને,
                      એવે ટાણે છલકાઈ જાય તું.
મુટ્ટીઓ સાચવીને રાખી મૂકી છે મારા હૈયે ઊડેલા ગુલાલની.

-  અંકિત ત્રિવેદી

 

“કોઈ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત સૂરજ છે,
સૂરજમુખી સૂરજ સામે ધારીધારી રાહ જુએ છે.” – અંકિત ત્રિવેદી

 આજે અંકિતનાં જન્મદિને ગઝલપૂર્વક-ગીતપૂર્વક આપ સહુ વાચકો અને ભાવકો તરફથી કાવ્યમય શુભેચ્છાઓ…… !!  વાસંતી વાયરા પણ ફૂંકાય છે અને ફાગણ પણ બરાબર ફાલ્યો છે . તો કેસૂડાં અને ગુલ્મહોરની છાયામાં – આવી કમાલની મોસમમાં, પૂછ્યા વગરનાં સવાલની ચર્ચા સામે ચાલીને કરવી જ પડેને.  વળી, હવે તો હોળી-ધૂળેટી – અવસરનાં અણસારા – ક્યાં સુધી હૈયે ઊડેલાં પ્રીતનાં ગુલાલને મુટ્ટીમાં સાચવી રાખશો ?  મુટ્ઠી નહિં, હૈયું ખોલી ગીતનાં ગુલાલે રંગશોને રંગાઈ પણ જશો….. !! ઉપર ટાંકેલાં શેરમાં ભાવક સૂરજમુખી અને કોઈ ખૂબ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત- સૂરજ તેવી વિભાવના સાથે તેનાં નવાં સર્જન અને કાર્યક્રમની  અમે ધારીધારીને રાહ જોઈએ છીએ, ખરુંને ?!!

 

.

નવું વર્ષ : અંકિત ત્રિવેદી

Thursday, January 1st, 2009

 

2009

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
હું કંઈ પણ ના બોલું પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

- અંકિત ત્રિવેદી

રજવાડુંમાં દિપાવલી નિમિત્તે આશિત દેસાઈનો કાર્યક્રમ યોજાયેલો અને ત્યારે ‘ચટ મંગની પટ શાદી’ની જેમ આ ગીત અંકિતે લખેલું અને આશિતભાઈને લંડન ફોનમાં શબ્દો સંભળાવ્યા ને થોડાજ દિનમાં આ ગીતને સ્વર સાથે સાંભળ્યું.  માણસનો વ્યવહાર ‘માણસ’ પ્રત્યે ગીતનાં શબ્દો મુજબ રહે અને એક શાંતિમય, સુખમય, સલામતીભર્યું નવવર્ષ આપણને સૌને મળે તેવી ઈશ્વરને પ્રાર્થના સહ…….

 

.

ગઝલ : અંકિત ત્રિવેદી

Wednesday, September 3rd, 2008

 

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા,
તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

- અંકિત ત્રિવેદી

આજે અંકિતની એક અપ્રકાશિત ગઝલ માત્ર વેબમહેફિલનાં વાચકો માટે…ગઝલ સ્વયં જ પોતાનું બિંબ ઝીલે તેવી સક્ષમ છે તો કોઈ સરનામા વગર દિલની વાત સીધી દિલ સુધી..

સંવત્સરી નિમિત્તે સૌ મિત્રોને ‘મિચ્છામી દુક્કડમ’ અને ગણેશચતુર્થીની શુભેચ્છાઓ.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME