Posts Tagged ‘book’

પુસ્તકોની છાજલી : રમેશ પારેખ

Thursday, April 23rd, 2009

 

છાજલી પર પુસ્તકો
અ થી જ્ઞ સુધીનાં………
દુનિયાના નકશા જેવો
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં.

‘છાજલી પર પુસ્તકો‘ – એમ કહું કહું ત્યાં
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે : ‘ આ તો ફરિશ્તાઓની વસ્તી છે ! ’
ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે…

અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે
-એમ બબડતું કોઈ પુસ્તક.
મારા બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ.
- એવું જાહેર કરે કોઈ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :
‘ અલ્યા અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
ગીત – ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
ગીત – ખૂણે બેસી આંસુ પાડતી નવવિધવાનાં,
ગીત – યુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,
ગીત – ભૂખથી વલવલતાં શિશુઓનાં,
ગીત – હોસ્પિટલોમાં કણસતા રુગ્ણોનાં,
ગીત – માનવ્યનાં,
ગીત – માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં,
ગીત – નિ:શ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં.’

‘અહીં ફિલસૂફોએ ઉકેલી નાંખ્યો છે
કાળનો કોયડો….’ એમ ધીમેશથી કહે કોઈ જર્જરિત ચોપડી.

‘આ બધા ગ્રંથો છે સમાજની યાદદાસ્ત’
- એમ કહી ટપ્પ્ કરતું નીચે પડે કોઈ પુસ્તક.

મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
અહીં અક્ષર છે, ધર્મ -
જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ.
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે
કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઈને છૂરો.
અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી
તો બકરી યે કરે નહિં બેં,
એવું રામરાજ્ય છે !
અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.
અહીંથી જ ઊગે છે સૂર્ય
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ…….

 ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
ડોકિયું કરી પૂછે: ‘ તું કોણ ? ’
તો  હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન ! ’

મીરાં, કબીર, તુલસી, નાનક
પૂછે તારું કયું થાનક.
જ્યાં તું ટેકવે તારું મસ્તક,
ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ?
તો હું ચીંધું મારાં પુસ્તકની છાજલી…..

 ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ચીંધે દિશા,
પુસ્તકમાં જાય – આવે મારા વિચાર લિસ્સા !

મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા
ગોપી બનીને રાસ રમે
મારું અંતર એમાં ફેરફુદરડી ભમે…

ધર્મનો ધ
બે પૂઠાં વચ્ચેથી નીકળીને
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો…

તો ઉપદેશકો, હોશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર,
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર…

તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને ન અભડાવે
બિભત્સતા મારા ખંડનાં બારણાં ન અભડાવે
તો બસ.

આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગ્યા છે -
મારાં પુસ્તકોની છાજલી.
મારો અભ્યાસખંડ તીર્થ છે, મારા માંહ્યલાનું,
તમે આવો તો તમારું ય !

-  રમેશ પારેખ
( ૧૮.૧૦.૧૯૮૯)

 

મનોજ ખંડેરિયા કહે છે, ” રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખાં, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા” - તો જેને શબ્દો વરેલાં છે તેવાં રમેશ પારેખને કોઈ ધર્મની ‘ કંઠીકંઠા’ નથી જોઈતા તેઓ તો શબ્દનું જ ટીલું કરે છે ને પુસ્તકોની છાજલી જ તેમના માટે ચારધામની જાતરા છે.  આજે વિશ્વપુસ્તકદિન નિમિત્તે ર.પા.ની આ દીર્ઘ રચનામાંથી થોડી થોડી  પંક્તિઓ મૂકી છે. ૨૩ એપ્રિલ, ૧૫૬૪નાં રોજ વિલિયમ શેક્સપિયરનો જન્મ થયેલો અને તે મહાન સાહિત્યકારનાં જન્મદિનને વિશ્વપુસ્તકદિન તરીકે મનાવવામાં આવે છે.  કવિ ઉશનસે પણ કિતાબોમાં ગઝલમાં પુસ્તકમહિમાનું સુંદર રીતે વર્ણન કર્યું છે. વિશ્વ પુસ્તક દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત પ્રકાશક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમની વધુ માહિતી આપને મહેફિલ-એ-ખાસમાં મળી શકશે.

 

 

.

મર્મવેધ : પંકજ ત્રિવેદી

Saturday, November 22nd, 2008

 

ફૂલછાબમાં પંકજભાઈની કોલમમાં આવતા લેખોમાંથી ચૂંટેલા લેખોને પુસ્તકરૂપે હર્ષ પ્રકાશને રજૂ કરી પંકજભાઈને નવા વર્ષનું નજરાણું આપ્યું અને આપણને સૌને પણ….. !! આજે સાંજે ૮.૦૦ વાગે, રોટરી હોલ, સુરેન્દ્રનગર ખાતે પુસ્તકપ્રાગટ્યપર્વની ઉજવણી થશે. જેનું સંચાલન કરશે હરદ્વાર ગોસ્વામી અને વિમોચન કરશે શ્રી મનોહર ત્રિવેદી. આ ઉપરાંત શામ-એ-ગઝલ મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેશે સર્વે શ્રી મનોહર ત્રિવેદી, કૃષ્ણ દવે અને હરદ્વાર ગોસ્વામી. પંકજભાઈની કલમ ગુજરાતી ભાષા પૂરતી સીમિત નથી તેમણે હિન્દીમાં પણ એક લઘુનવલ અને અનુવાદ પણ કરેલ છે. પંકજભાઈને પુસ્તકવિમોચન પર્વે ખૂબ ખૂબ અભિનંદન અને તેમની કલમની શાહીનું એક ટીપું ….. !!

 

મારી પાસે હજી પ્રકૃતિની મૂડી અકબંધ છે.

મારી નવ વરસની દીકરીના વાળ ઓળીને, એમાં આંગણામાં ઊગેલું ગુલાબનું ફૂલ શોભાવી શકું છું. એનો હસતો ચહેરો મને દાદીમાની યાદ અપાવે છે. ક્યારેક વાળ ઓળતાં એકાદ લટ સરી પડે ત્યારે દીકરી મીઠો છણકો કરે : ‘ શું તમેય પપ્પા…!! લાવો હું જાતે જ ઓળી લઉં…..’ ત્યારે આંખના ખૂણાની ભીનાશમાંથી એને જોઉં, કદાચ મારી દીકરી મોટી થઈ ગઈ છે….! એ મને છોડીને જતી રહેશે એવા ડરથી આંખની ઝાંખપ વચ્ચે એને જોઈને કહું : ” હવે લટ નહીં નીકળે દીકરી, ધ્યાન રાખીશ….” આટલું કહીને એને મારી સાથે જમાડી, શાળાએ મૂકવા જવાનો સમય મેં હજી બચાવી રાખ્યો છે. મારી દીકરી મારું આ…કા….શ છે.

હા, હું પણ માણસ છું. મહોરાં તો આ પડ્યાં મારી સામે ઢગલાબંધ….!! પરંતુ એક પણ મહોરું અનુકૂળ નથી થતું મને. કારણકે મારી પાસે ખેતર છે, ગુલાબ છે, ચાંદો અને સૂરજ છે, આકાશ છે અને વાદળોનો ઢગ છે.

- પંકજ ત્રિવેદી

શું મનુષ્ય પ્રકૃતિથી દૂર થતો ગયો એમ પોતાનાથી દૂર થતો ગયો છે ? પંકજભાઈ કહે છે એમ કોઈ મ્હોરું પછી માણસને અનુકૂળ નથી આવતું જ્યારે તે પ્રકૃતિના સાંનિધ્યમાં હોય છે કારણકે ત્યારે જ તેને પોતાની સાચી ઓળખ થાય છે. જે નિષ્કપટ કે નિષ્કલંક જ હોઈ શકે. બસ સંજોગોને આધીન કે નિમિત્ત બની કોઈ ચોર કે ખૂની કે સંત બની જતો હોય છે. પ્રકૃતિની મૂડી તો લખલૂટ છે પણ આપણે તેની સાથે પોતાપણું અનુભવી શકીએ છીએ ? બસ જરૂર છે એક ક્ષણની ….. એક નજરની…..આપણી જાત સાથેની – પ્રકૃતિ સાથેની !! કદાચ તો જ આપણું માણસપણું જળવાશે અને કુદરતપણું પણ….. !!  પર્યાવરણદિન સિવાય પણ પ્રકૃતિની સંપત્તિ જાળવવા મન થઈ જશે કદાચ આપણા સ્વાર્થ ખાતર….. ?!!

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME