હોય છે : ચીનુ મોદી
Wednesday, May 19th, 2010
ડર મને મારો જ થોડો હોય છે -
કાચમાં ચહેરાને જોવો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણાં ક્ષણક્ષણનાં દોષો હોય છે.
શ્વાસની હલચલ તો હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?
ઊંઘ આવે તો તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે ?
પી જઉં પયગંબરોના પાપને,
શબ્દનાં તો લાખ રોગો હોય છે.
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી
મોતનો પણ એક મોભો હોય છે.
- ચીનુ મોદી
જીવનમાં નૈતિક મૂલ્યોનું અવમૂલ્યન થઇ રહ્યું છે, ત્યારે સરળતા અને સહજતા જેમની કલમને વરેલી છે તે ચીનુકાકા આ વાત પણ એટલી જ સહજતાપૂર્વક કરે છે. જો ખુદની નજરમાંથી ઊતરી જશો તો અન્યની સાથે આંખ જ કેવી રીતે મેળવી શકશો ?! અન્યનાં દોષને અવગણવું અઘરું હોય છે, પણ જો આપણે આપણાં દોષ નિહાળી શકીશું તો અન્યને પણ માફ કરી શકીશું.
.


