દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
Thursday, August 5th, 2010
કઠ ભલે, કર્મઠ બનો,
નેતિ નેતિ નઠ બનો.
મત મતાંતર મઠ બનો,
લીલ લહેરો, લઠ બનો.
વ્હેણ પોતે તઠ બનો,
સર્વ ગળતર ગઠ બનો.
સૌમ્ય, શાલીન સ્વત્વથી,
જાત સાથે શઠ બનો.
સિદ્ધિ, બુદ્ધિ અઠ ગ્રહો,
દર્પ ગાળી દઠ બનો.
- પંચમ શુક્લ
વેદજ્ઞાનને આ ગઝલગાનમાં અનોખી રીતે માણી શકાય છે. સંસારમાં કઠણાઇ (કઠ) તો રહેવાની જ છે, પણ કર્મનિષ્ઠ બની, આપણે આપણું કર્મ કરવું જોઇએ. જો આપણું મન વિચલિત થાય તો, થોડું શઠપણું દાખવી, જાતને છેતરી, સમજાવી ફોસલાવીને પણ, વિચલીત મનને સ્થિર કરવા પ્રયત્ન કરી શકાય. જો અભિમાન ઓગાળી, નિર્બુદ્ધિવાન બનીએ તો અષ્ટસિદ્ધિ પામતાં વાર નથી લાગતી. ( ગઝલનો રસાસ્વાદ કરાવવા માટે પંચમભાઈને નમ્ર વિનંતી અને વાચકોને પણ … )
વેદ, ઉપનિષદ કાળથી સાંપ્રત કાળ સુધી , જીવન જીવવાની ઉપરોક્ત કળાને , મુખ્યત્વે ધાર્મિક બનાવી તેનાં આધારે અલગ અલગ સ્વરુપમાં વર્ણવવામાં આવી છે. પણ ધર્મ એટલે શું ? હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ …. ?!! વેદકાલીન ધર્મની વ્યાખ્યા મુજબ, ‘धारयति इति धर्म : ‘ અર્થાત્, જે ધારણ કરીએ છે તે ધર્મ. અલગ અલગ ધર્મનાં તિલક-ચાંલ્લા, દોરા-ધાગા, વેશ-પરિધાન ધારણ કરીએ એટલે તે ધર્મ ધારણ કરી લીધો ?!!
ના….. ધારણ તો મનુષ્યત્વ કરી, જીવન જીવવાની કળા આત્મસાત્ કરવાની છે અને મનુષ્ય માત્રનો ‘ધર્મ’ એ જ હોઇ શકે.
શબ્દાર્થ : કઠ – કઠણાઇ, કર્મઠ – કર્મનિષ્ઠ, નઠ - નઠારું (નિર્લજ્જ ) , મઠ - આશ્રમ, લઠ - લાઠી, ડંડો, તઠ - તટ, કિનારો, ગઠ - ગાંઠ, શઠ - ધૂર્ત, લુચ્ચું, અઠ – આઠ, ગ્રહો – ગ્રહણ કરવું, દર્પ - અભિમાન, દઠ – બુદ્ધિહીન.
.
