Posts Tagged ‘gandhiji’

ગાંધી : રાજેન્દ્ર શાહ

Saturday, January 30th, 2010

 

gandhi on yaravadachakra, rantio.

 

મન
યરવડાચક્ર,
ત્રાક પર કંતાય છે
પીળાં ફૂલની પરિણતિનો શ્વેત પોલ,

તસુતસુ તંતુની સળંગસૂત્રતા
કારુણ્ય,
કોટિ કોટિ ઉઘાડાં અંગનું આચ્છાદન
પીળા ફૂલનું શ્વેત ચીવર.

શ્વેત એવું હાસ્ય,
બોખે મુખ એકલ બે દંત.
વાર્ધક્યનું સરલ શૈશવ મલકંત.
સંસારનાં લીલાં લીલાં સકલ ગરલ
હ્રદયની મથનીમાં ઝિલાય,
વલોવાય;
ઉદ્વેગ ક્ષોભ ને શમન
સંજીવની સુધા તરે વિપુલ ધવલ.

નયન
નિર્મિતિનું આદિમ સ્વપન,
અચર અંધારની ક્ષિતિજ, શ્વેત કોર,
દ્યુતિપુંજ નિહારિકા,
બહુલ વિશ્વનાં
રુપ-રંગનું ભવન એકલ અધિકરણ.

કટિ પર ઝૂલી રહ્યો કાલ,
અધખુલ્લા ચરણની એકડગ ચાલ.
બલિના યજ્ઞને ક્ષેત્ર
અકિંચન વામન
તે
અવર ન
વિષ્ણુ ત્રિવિક્રમ;
રટે
એક મંત્ર
રા…મ.

- રાજેન્દ્ર શાહ

 

ગાંધીજીને સંલગ્ન પ્રતિકો દ્વારા આબેહૂબ રેખાચિત્ર રાજેન્દ્ર શાહની શબ્દપીંછીએ દોર્યું છે.

શબ્દાર્થ : યરવડાચક્ર – એક પ્રકારનો રેંટિયો ( as shown in snap, it has sleeping wheels not standing ) , ચીવર – ફાટેલું કપડું, ગરલ – ઝેર, નિર્મિતિ – નિયતિ.

 

 

.

યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી

Friday, September 26th, 2008

 

વણઢાંક્યા જગનો સાદ, સાંભળ યુગ ચાદર વણનાર !

હિમ શિયાળે ધરણી ધ્રૂજે , મેઘની છૂટે ધાર !
દેહ તણી મરજાદ છુપાવા, ચીંથરાનો ન આધાર !  – સાંભળ.

વર્તમાને  તેં પાટલી માંડી , ખાંભી અનંતને આર !
ભૂતને તાણે ભરતો જાતો, ભાવી તરંગના તાર !   – સાંભળ.

છેડલે મૂકી અહિંસાની આરી , સાચની હીર કિનાર !
આત્મવિલોપન, આતમ મોચન, કાંજી થકી સંચાર !  – સાંભળ.

પથ્થરની અણભેદ દીવાલો , રૂંધતી વણકર કાર;
ઈંટચૂના વીંધી તાંતણા થાતા, વિશ્વમાં એકાકાર ! -સાંભળ.

- કૃષ્ણલાલ શ્રીધરાણી

 

ગાંધીજીને ‘જુવાન ડોસલો’ કહેનાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ તેમને ‘યુગવણકર’ કહીને પણ બિરદાવ્યા છે. રેંટિયા પર ખાદી કાંતતા ગાંધીજીએ આ સ્વતંત્રતાની ચાદર કેમ વણી તેનું સુંદર વર્ણન કાવ્યમાં કવિએ કર્યું છે. કલકત્તામાં જોયેલ ગરીબ સ્ત્રીવાળી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે ‘દેહ તણી મરજાદ છુપાવા,ચીંથરાનો ન આધાર !’ અને પછી ભૂતકાળના તાણાવાણાને વણતાં ભાવિનાં તાર આઝાદીના જોડાઈ જાય છે. તો આ ચાદરને અહિંસાની અને સત્યરૂપી હીર (રેશમ)ની કિનાર પણ મૂકી છે. આજે રેંટિયાબારશે આ ‘યુગવણકર’ને લાખો સલામ….!!

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME