Posts Tagged ‘gazal’

ને એવું બધું : અલ્પેશ ‘પાગલ’

Friday, July 31st, 2009

 

હું એટલે કે આંસુ, સપનાં, આશ, મૃગજળ, પ્યાસ ને એવું બધું,
આ જિંદગાની ધારણા, અટકળ, ઉછીના શ્વાસને એવું બધું.

ડરતો નથી હું તારી આવી વાતથી, મેં આઈનાને કહી દીધું,
કાયમ બતાવ્યા શું કરે, પોતાની મારી લાશ ને એવું બધું.

છે એક જાહેરાત આ અખબારમાં કે ફ્લેટના જંગલ મહીં,
ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું.

અંદરથી ખાલી થૈ ગયો છું, શ્વાસનું ખોખું જ ખાલી કહી શકો,
લૂંટાઈ ગઈ દુનિયામાં મારી લાગણી, વિશ્વાસ ને એવું બધું.

આજે કે જ્યારે આંખને અંધારની આદત પડી છે માંડમાંડ,
ત્યારે તું સામે લઈને આવે ચાંદની, અજવાસ ને એવું બધું.

મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઉપર હું જોઉં ત્યાં,
આજે હજુયે યાદ આવે એક ચ્હેરો ખાસ ને એવું બધું.

- અલ્પેશ ‘પાગલ’

 

જિંદગી, પ્રેમ, હું, ને એવું બધું…  ક્યારેય ક્યાં શબ્દોમાં સમાયાં છે ? અને  અલ્પેશભાઈ ’ એવું બધું ‘ કાગળ પર ઉતારવા પ્રયત્ન કરે છે, ત્યારે કેવી ઉત્કૃષ્ટ ગઝલ સર્જાય છે !  લાં..બી બહરની ગઝલમાં,  ટૂંકી રદીફ  ને પૂરો અવકાશ ને પૂર્ણ ન્યાય ! 

 

 

.

માણસ ખોટા ભણતર જેવો : મીરા આસીફ

Thursday, July 30th, 2009

 

આડા અવળા અક્ષર જેવો,
માણસ ખોટા ભણતર જેવો.

રંગ વગરનો રુપ વગરનો,
ઘાટ વિનાના ઘડતર જેવો.

સાવ ખખડધજ જીવતર એનું,
ઈંટ વગરના ચણતર જેવો.

રોજ સવારે ફૂલ સરીખો,
સાંજ પડે ત્યાં પડતર જેવો.

વાદળ થઈને ખૂબ ગરજતો,
વરસે ત્યારે ઝરમર જેવો.

પરપોટાને મોતી સમજે,
લાગે જાદુમંતર જેવો.

- મીરા આસીફ

 

નકાબપોશ માણસનાં ચહેરાને વાંચવાનું   - એટલે કે, ઈંટ વગરનાં ચણતર જેવું – કપરું કામ મીરા આસીફ બખૂબી કરે છે.   આ  રંગ વગરનો, રુપ વગરનો,  ખોટા ભણતર જેવો, ઘાટ વિનાના ઘડતર જેવો, ખખડધજ માણસ ઝરમર ઝરમર વરસી પણ શકે તે વાત મને બહુ સ્પર્શી ગઈ.  કારણ - આવું ઝરમર કોઈ વરસે તો જ બહુ અને એ ઝરમરમાં કો’ક વળી ભીંજાય પણ …  બાકી તો  !!   સાથે ડૉ.મહેશ રાવલની કલમે ” આપણી વાત”  વાંચવાની પણ મજા આવશે.

 

 

.

એ જ ઈશ્વર છે : સુધીર પટેલ

Wednesday, July 29th, 2009

 

તમે જેને જુઓ છો એ તો પથ્થર છે,
ન દેખાતા મહીં જે એ જ ઈશ્વર છે.

પવન નહિં તો વહ્યા કરવાનો નિરંતર,
ખૂટી ગ્યાં શ્વાસ જેનાં એ મુકદ્દર છે.

સૂએ છે રોજ જે ફૂટપાથ પર રાતે,
પૂછો તો નામ એનું પણ સિકંદર છે.

રહ્યો ના ખ્યાલ પણ કે રાહ કોની છે ?
ઝુરાપો એટલો એવો સદંતર છે.

ગઝલ ને હું વિખૂટાં ન હજો ‘સુધીર’
સફરમાં બસ કૈં સહારો પરસ્પર છે.

- સુધીર પટેલ

 

રમેશ પારેખ કહે છે , “ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ – પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?” પણ આંખ ને અંતર આડેનો પથ્થર, પથ્થરનાં ઈશ્વરને પણ જોવા નથી દેતો. ત્યારે નિરાકાર નિર્ગુણ પરમ તત્ત્વને પામવાની વાત તો ? સુધીર અંકલ એટલે જ પથ્થરમાં ઈશ્વરને જોવાની વાત લઈને આવ્યાં છે. જે કણ-કણમાં વ્યાપ્ત છે તે તો રસ્તે પડેલાં પથ્થરમાં પણ છે જ. અને મંદિરની મૂર્તિમાં પણ ઈશ્વરને ન પામે તે તો નિરંતર વહેતાં પવનમાં શ્વાસ ખૂટે તેવી વાત… !! 

 

 

.

પ્રભુ – પંચાયતમાં : બાળક : પ્રણવ પંડ્યા

Tuesday, July 28th, 2009

 

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ !

તેં’ય મસ્તી તો બહુ કરેલી, નહિં ?
કેમ મારાથી ના કરાય પ્રભુ ?

આ શું ટપટપથી રોજ ના’વાનું,
પે’લા વરસાદમાં નવાય  પ્રભુ.

આખ્ખી દુનિયાને તું રમાડે છે,
મારે દહીં-દૂધમાં રમાય પ્રભુ ?

રોજ રમીએ અમે એ મેદાને,
કેમ મંદિર નવું ચણાય, પ્રભુ ?

મમ્મી પપ્પા તો રોજ ઝઘડે છે,
તારાથી એને ના વઢાય, પ્રભુ ?

બળથી બાળક તને જો વંદે તો
બાળ મજદૂરી ના ગણાય, પ્રભુ ?

- પ્રણવ પંડ્યા

 

આમ તો બાળદિને મૂકવાનું નક્કી કરેલું, પણ વેદોનું વેદિયાપણું બાજુમાં મૂકીને જો વિચારીએ તો ? આપણી કહેવાતી પુખ્ત સમજણ શક્તિ, આપણી જ અંદર રહેલ બાળક સમ – નિર્દોષતા, મુગ્ધતા, વિસ્મયતાને વિસારે પાડી દેતી હોય છે. નહિં તો પ્રભુને પંચાયતમાં હાજર કરવાનું મન તો રોજેરોજ થતું હોય એટલે હું તો રોજ જ કરું છું કે – એક બાજુ લોકો પાણી વિના તરસે મરે અને બીજી બાજુ આટલો વરસાદ કે લોક ડૂબી મરે, કંઈક તો મેનેજમેન્ટ જેવું હોય કે નહિં ?!! આવું તો કેટકેટલું રોજેરોજ… !!!

મત્લાનો શેર જ કર્મના સિદ્ધાંતનું હોમવર્ક યાદ કરાવી ગયું – કારણ એ બાકી હોય ત્યાં સુધી ઈશ્વરને પણ ના પમાય  ?!! અને બાળકો પણ વડીલોથી ત્રસ્ત થઈ આવી જ મીઠી રાવ પ્રભુને કરતાં તો હશે જ …!! અને એમાં પણ બાળમજદૂરીવાળો શેર તો  કમાલનો ….  આપણે પણ બાળકો પાસે આવી મજદૂરી તો કરાવતાં નથીને ? !! કવિનાં સ્વમુખે સાંભળવાની મજા ઓર આવી’તી , તો તમારા માટે જલ્દી એ સગવડ કરી આપીશ.

 

 

.

આખી જિંદગીનો મર્મ : હિતેન આનંદપરા

Monday, July 27th, 2009

 

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

- હિતેન આનંદપરા

 

કોઈ પણ તર્ક વિના જિંદગીનો મર્મ પ્રેમ જ સમજનાર હિતેન આનંદપરાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ… !!

 

 

.

મળી જઇશ કોઇ પ્રાસમાં : અંકિત ત્રિવેદી

Wednesday, July 22nd, 2009

 

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં.

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી,
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં.

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે,
નીકળ્યો હશે પછી પવન તપાસમાં.

તું મથામણો કરી ગઝલ લખી તો જો,
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં.

- અંકિત ત્રિવેદી

 

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં…. !  હા… એટલે, હવે અંકિત ત્રિવેદીનું નવું સરનામું ક્યાંક આસપાસમાં જ  છે. તેમણે પણ પોતાનો અંગત બ્લૉગ શરુ કર્યો છે.  જેમાં આપ સૌ તેમની રચનાઓ માણી શકશો એટલેકે તેમને જાતે મળી  પણ શકશો…. !  વૅબમહેફિલનાં વૅબજગત પેજ પર અન્ય સાહિત્યકારોની વૅબસાઇટ્સ અંગે પણ માહિતી આપેલ છે.

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME