ખળભળ હશે : સંજય પંડ્યા
Thursday, May 27th, 2010
આંખથી નીતરી ચૂકેલાં જળ હશે,
વેદનાને દ્વાર કૈં ખળભળ હશે.
લ્યો જરી અમથું અડપલું શ્વાસનું,
દૂત યમનાં હાથ બસ આગળ હશે.
રંગ પીળો, બ્રશ અને ભૂખરી ધરા,
વ્યોમને કેનવાસ દાવાનળ હશે.
ઉજવે વરસો અબોલા આપણાં,
સેજ, મેડી, બારીઓ વિહ્વળ હશે.
નેજવું આ હાથનું આંખો ઉપર,
ને વીતેલો કાળ પણ પોકળ હશે.
લે હૃદયની આગ પણ ટાઢી પડી,
હાથમાં તારા કૂણું ઝાકળ હશે.
- સંજય પંડ્યા
શ્વાસનું એક અમથું અડપલું અને આખીયે જિંદગીનો ખેલ – બાકી યમદૂતનાં હાથ તો આપણી આગળ જ હોય છે. ઈશ્વરને મન, આ ભૂખરી ધરા એક કેનવાસ હોય એમ, પીળો રંગ લઇ બધેય દાવાનળ જ ચીતર્યા કરે અને આપણે આંખો પર નેજવું કરી, ‘આપણા’ સમયની વાટ જોયાં કરીએ. બસ, આંખમાંથી ચોધાર અશ્રુધારાઓ વહી ગયાં પછી, જળ ખૂટી ગયાં હોય એટલું જ પણ વેદનાનો ભાર ઓછો થયો હોતો નથી. કોઇનો લાગણીભીનો હાથ જ હૃદયની આ આગને ઠંડી કરી શકે અને જેની રાહ જોતાં સેજ, મેડી અને બારીઓ પણ વિહ્વળ થઈ ઊઠી હોય એ હાથ તેનો જ હોય તો ?!!
.

