Posts Tagged ‘geet’

તૂટે તારીખ : કેશુભાઈ પટેલ

Monday, December 15th, 2008

 

દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કૅલેન્ડરથી છૂટે.

ગગને ઊડતાં પંખી જોઈ,અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે,સાથ પવનનો માગી.
એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
-દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

ઝાડ ઉપરથી ખરતાં પર્ણો કૂંપળ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ નવા યુગની વસતી.
સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
-દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.

- કેશુભાઈ પટેલ  

દીવાલ પર ટીંગાડેલી તારીખ એક જ દિવસનું રાજ કરે છે પણ આપણા માટે એટલું જ સત્ય છે કે રાજ કરવા એક દિવસ નહીં ગર ઝડપાઈ તો એક ક્ષણ જ હોય છે જેને તક કે તકદીર કહીએ છીએ અને અંતરની આશા જગાવી તે પળે પંખીની પાંખને જેમ આકાશ ફૂટે એમ નહીં ઊડીએ તો પછી સુરેશ વિરાણી કહે છે એમ,
“સવારે સમાચાર, સાંજે એ પસ્તી,
જીવન સાલું લાગે છે અખબાર જેવું.”
કૅલન્ડરમાંથી એક એક તારીખ નહીં આપણા આયુષ્યનો એક એક દિવસ ઓછો થતો જતો હોય છે તો તે દિવસ – તે પળને અવસર આપી અસ્તિત્ત્વનો ઉત્સવ ઉજવવો જ રહ્યો. 

મિત્રો, આજે આ તારીખનું ગીત ટીંગાડવાનું ખાસ કારણ એ જ છે કે, વૅબમહેફિલ પર આજે આ રચના સાથે ૧૦૦મી પૉસ્ટ મૂકી છે.  મને મળેલી ક્ષણોને વધાવવા જ રોજ વિવિધ રચનાઓ વૅબમહેફિલ પર ટીંગાડું છું અને મને એમ જ થયું કે હજુ હમણાં તો …. પહેલી પૉસ્ટ મૂકી’તી પણ તારીખિયુંમાં દિવસો જતા ક્યાં વાર લાગે છે ને આજે હવે આ પહેલો મુકામ છે કે જ્યાં વૅબમહેફિલ પર કઈક ખૂટતું હોય તો વાચકો અને ભાવકો હકથી કહી શકે છે. આ સાથે જે બદલાવ મને જરૂરી લાગ્યા છે તે તો કરીશું જ પણ તે સાથે આપ સૌનાં સલાહ, સૂચન અને માર્ગદર્શન પણ જરૂરી અને આવકાર્ય છે. 

સાહિત્યકારોની જન્મતિથિ ,પુણ્યતિથિ  તથા અન્ય સ્પેશ્યલ ડે કે વિવિધ ઘટનાઓને  અનુલક્ષીને રચનાઓ મૂકવા સાથે મારો નાનકડો પ્રયત્ન એ પણ રહ્યો છે કે, વિષય વૈવિધ્યની સાથે પદ્યસાહિત્યનાં વિવિધ પ્રકારો કે નવીનતમ પ્રયોગને પણ આપણે જાણી શકીએ અને માણી શકીએ.  જેમકે, હાઈકુ ગઝલનો તદ્.ન નવો જ પ્રયોગ મનોજ ખંડેરિયાએ કરેલો જેને આપણે તેમની પુણ્યતિથિએ મૂકી એક શબ્દાંજલિ અર્પણ કરેલી. તો મહેફિલ-એ-ખાસમાં વિવિધ કાર્યક્રમની માહિતી આપી છે જેથી રસિકજનો તેને માણી શકે તે કાર્યક્રમનો ટૂંક-અહેવાલ આપવાનું નક્કી જ હતું પણ સંજોગોવશાત્/કારણોવશાત્ તે શક્ય બન્યું નથી- પણ હવે ચોક્કસ પ્રયત્ન કરી જોઈશ.

આ સાથે એક નાનકડી વાત અમે સૌ તે પછી વૅબમહેફિલ હોય,લયસ્તરો હોય, ટહુકો હોય,રણકાર હોય કે અન્ય કોઈ સાઇટ્…. કોઈ એક રચના માટે કે સાઇટ્ના માળખા માટે ખૂબ જ મહેનત કરી સમય અને પૈસા બગાડીએ છીએ. ઘણાંખરાં સાહિત્યકારોની પરવાનગી લીધી જ છે અથવા તો  હક કરીને આપ સૌ માટે તેમની રચનાઓ મૂકી છે તે સાહિત્યકારોનું માન જાળવવા પણ તે રચનાની સીધી કૉપી-પૅસ્ટ ના કરો તે વધુ યોગ્ય રહેશે ……!!  અને હા……. આ સાથે ત્રણ દિવસ સાઇટ્માં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાથી આપને તકલીફ પડી તે બદલ ક્ષમાયાચના.

 

.

આંધળી મા નો કાગળ : ઈન્દુલાલ ગાંધી

Monday, December 8th, 2008

 

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ ગામે, ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ,તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે,ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે,પાણી જેમ પઈસા વેરે.

હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઈ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર;
હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.

- ઈન્દુલાલ ગાંધી

 

ઈન્દુલાલ ગાંધીનાં જન્મદિને તેમની બે પ્રખ્યાત રચના…. !! આ આંધળી મા ના કાગળે કેટલીય માની લાગણીઓને વાચા આપેલી અને તેમણે જ પછી દીકરાની મજબૂરી પિછાણીને દેખતા દીકરાનો જવાબ રચના પણ લખી.

 

 

દેખતા દીકરાનો જવાબ : ઈન્દુલાલ ગાંધી

Monday, December 8th, 2008

 

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

 પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

- ઈન્દુલાલ ગાંધી

 

આંધળી માનો કાગળ વાંચી દેખતા દીકરાએ અનુભવેલ લાગણીઓને વાચા આપતી આ રચના ઈન્દુલાલ ગાંધીએ લખી. જમાનાને જાણેલ મા પેટના જણ્યા દીકરા પર પણ વિશ્વાસ ગુમાવી ચૂકેલ પણ દીકરો સાચી પરિસ્થિતિની જાણ કરતાં મા ને દિલાસો મળે છે. આ ગીત હેમંત ચૌહાણનાં સ્વરમાં સાંભળવા અહીં ક્લીક કરવું.                                        

 

 

જીવતો જાગતો માણસ ફૂટ્યો : ડૉ. વિવેક ટેલર

Thursday, November 27th, 2008

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.

ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.

આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

- વિવેક મનહર ટેલર

ગઈકાલે રાત્રે ફરી એક વાર મુંબઈનગરી આતંકના ભરડામાં લપેટાઈ ગઈ ને ૬ જુલાઈ, ૨૦૦૬ મુંબઈના કે ૨૬ જૂલાઈ ૨૦૦૮ના અમદાવાદમાં થયેલ બોમ્બ વિસ્ફોટની યાદ અપાવી ગઈ.  ૨ દિવસ પહેલાં જ વિવેકભાઈની જ એક રચના મૂકવાનું નક્કી કર્યું ને રોજ અલગ અલગ રચનાઓમાંથી પસાર થતી પણ ત્યારે આ રચના તો ઑપ્શનમાં હતી જ નહીં …… ???!!  I hope, આ વિષેની રચના ફરી પૉસ્ટ ના કરવી પડે.  તેમના બ્લૉગ પર પ્રતિભાવમાં લખેલું કે, શબ્દોની સરસ ‘ઘટના’ પણ વધુ કંઈક લખું તો કદાચ ‘ઘટના’નો મલાજો નહીં જળવાય ને આજે પણ એ જ કહેવું છે.

બેસતું વર્ષ : હરદ્વાર ગોસ્વામી

Monday, November 3rd, 2008

 

મઠિયાં, સુંવાળી, ઘૂઘરા, મોહનથાળની સાથે ફેન્સી ફરસાણ ,કાજુકતરી ને અન્ય રાજસ્થાની,બંગાળી મિઠાઈઓ કે ડેસર્ટસ્ તો તારામંડળ, કોઠી, જમીનચકરડી, ટ્રેન, હવાઈ ને લવિંગીયાની સાથે/બદલે સ્પાર્કલ્સ, સેવન શૉટ્સ ને ભાતભાતનાં ચાઈનીસ ક્રેકર્સ સાથે દિવાળી ઊજવી. હા,’તૈયાર’ બીબાંથી રંગોળી પણ ખરી જ અને દીવાની સાથે સરકીટ પણ …તો સબરસ ને તોરણની બૂમો હજુયે બોમ્બના ધડાકા સાથે કાનમાં પડઘાય….. !!

ગુણવંત શાહ કહે છે એમ,
“જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,
આ વર્ષે જીવન ઉમેરીએ તો કેવું ? ” બસ- એવી જ કંઈક જીવંત આશાઓ સાથે નવ વર્ષનો આરંભ થઈ ગયો. પાંચ પાંચ દિવસ સુધી હૈયે હિલ્લોળાં લેતો આ અવસર જાણે આજે જ બેસતું વરસ હોય એમ જ હરખાય.. !! અને ત્યારે મિત્ર હરદ્વારનું આ ગીત મનમાં ગૂંજે નહિં તો જ આશ્ચર્ય. નવલાં વર્ષે આપ સૌની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી અંતરની શુભેચ્છાઓ …..!!

 

હોઠ પર છે હરખ મન સતત ગૂંજતું,
હર દિશા મહેંકતી વર્ષ છે બેસતું.

ભાઈની લાગણી બ્હેનની માંગણી,
સ્નેહનાં સૂરની તર્જ સૌ રણઝણી,
શબ્દને વંદીને ચોપડાં પૂજ તું,
- હોઠ પર છે હરખ.

કોઈના કામમાં ખોટ તું ખાય છે,
લાભપાંચમ ખરી એ જ કે’વાય છે,
આ દિવાળી ઉપર દિલથી દિલ જોડ તું,
- હોઠ પર છે હરખ.

- હરદ્વાર ગોસ્વામી

દિપાવલીના શુભ દિવસે સુંદર સમાચાર અખબારમાં વાંચવા મળ્યાં. આપણા નેટજગતનાં નીલમ આંટીને તેમના પુસ્તક ‘ગગનનાં ગોખે’ અને ગૌરાંગભાઈ ઠાકરને તેમનાં ગઝલસંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યાં છે. આપ બન્નેને તેમજ અન્ય સાહિત્યકારોને વૅબમહેફિલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ….!! ( સર્વર ડાઉન હોવાથી બેસતાં વર્ષે આ પૉસ્ટ મૂકી શકાઈ ન હતી. )

 

 

કોડિયું : દિનેશ શાહ

Tuesday, October 28th, 2008

 

મિત્રો, દિપાવલીના શુભ પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. હમણાં જ સાહિત્ય પરિષદનાં આંગણે બે વિજ્ઞાની એટલે ના, વિજ્ઞાન મેળો ન હતો. પણ શૈલેષભાઈએ સુંદર આયોજન કરી દિનેશ અંકલ અને હિમાંશુભાઈના કાવ્યપઠનનો કાર્યક્રમ રાખેલો. બન્ને આદરણીય અમેરિકાથી આવેલા અને તેમને સાથે માણવાનું શક્ય બન્યું હતું. દિવાળીમાં આંગણે દીવડા તો પ્રગટાવીએ જ. પણ આજે વાત કરવી છે માનવદીપની … અને આમ પણ દીવો એ તો આત્માનું પ્રતિક છે અને તેને પ્રગટાવી અંતરને ઉજાગર કરવાનો હોય. દિનેશઅંકલે રજૂ કરેલું ‘કોડિયું’ ગીત …

( દિનેશ ઑ. શાહ )

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!  
 
સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
 
કો’કે મૂકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઊંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
 
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
 
તેલ ખૂટ્યું ને વાટ ખૂટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દીવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
- દિનેશ શાહ
 
મનુષ્ય સફળતાને આંબે છે ત્યારે તે સીધો જ ટોચ પર નથી પહોંચતો પણ તેને પણ ચાકડે ચઢવું પડે છે અને કોઈ ને કોઈ નિમિત્ત બનતું હોય છે તેનો ઉપકાર ભૂલ્યા વિના બસ શિખરે હોવા છતાં એક ગોખ ઉજાળવાનો સંતોષ રાખે છે અને ત્યારે જ આ આતમદીપ પ્રગટે છે જેની જ્યોતથી બીજી જ્યોત પ્રગટાવી એક ઓર ગોખ ઉજાળે છે. ગૂગલ સર્ચ પર Dinesh O. Shah સર્ચ કરી જોશો તો આ માનવદીપનો પ્રકાશ પામી શકાશે .
દિનેશ ઓ શાહ ……
This text will be replaced by the flash music player.
Powered By Indic IME