વંદે માતરમ્ : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ( અનુ : વંદન કરું તુજને હે મા ! – ગોવર્ધન દવે )
Saturday, August 15th, 2009

ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સલામી આપી રહેલ લૉર્ડ માઉન્ટબેટન, લૅડી માઉન્ટબેટન, જવાહરલાલ નહેરુ
વધુ માહિતી : guardian.co.uk

( આઝાદીના આ પર્વે … માનવ મહેરામણ )
सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम् .
सुखदां वरदां मातरम् ॥
कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥
तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥
त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥
श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥
વંદન કરું તુજને હે મા !
જલથી સભર, ફળથી સભર, દક્ષિણના વાયુથી શીતલ,
લહેરાતી ફસલોથી શ્યામલ હે મા.
ધવલ શુભ્ર જયોત્સનાથી તારી નિશા બને સુપુલકિત,
પુષ્પાવૃત તરુવૃંદોથી તું સદા રહી છે શોભિત,
સુભગ હાસ્ય ને મધુર વાણીથી ભૂષિત
સુખ વરસાવતી વરદાતા હે મા.
સપ્તકોટિ કંઠે કલકલ કરાલ નાદ કરે, દ્વિસપ્તકોટિ ભૂજા ઝળકતી અસિ વીંઝે,
તો કોણ કહે તુજને મા, અબલા !
તું અપાર બલશાલિની, નમું તને હું તારણહાર,
શત્રુદળોને હરનારી હે મા.
તું વિદ્યા છે તું જ ધર્મ છે, તું અમ હ્રદય અને તું મર્મ છે,
તું અમ દેહ તણો છે પ્રાણ.
બાહુમાં હે મા તું શક્તિ,
હ્રદયે રહી છે તું મા ભક્તિ,અમે રચી છે મંદિર મંદિર મૂરત તારી મા.
તું છે દુર્ગા દશવિધશસ્ત્રની ધારક,કમલદલે વિહરતી તું કમલા,
તને નમું હું વિદ્યાદાયિની વાણી.
નમન કરું તુજને હે કમલા, તું અતુલ તું નિર્મળ,
જલથી સભર ફળથી સભર હે મા.
સરલા શ્યામવરણા, સુસ્મિતવદના, સુભૂષિતા સંપન્નસભર હે મા.
- ગોવર્ધન દવે
સૌ મિત્રોને સ્વાતંત્ર્યદિનની હાર્દિક શુભેચ્છાઓ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત ‘વંદે માતરમ્’ ૧૮૭૬માં તેમની ‘આનંદમઠ’ નવલકથામાં પ્રકાશિત થયેલું. આ ગીતનાં બે અંતરાને કોંગ્રેસ અધિવેશને ‘રાષ્ટ્રગીત’ તરીકે માન્યતા પણ આપેલી. આ સાથે ભારતનાં પ્રથમ સ્વાતંત્ર્યદિનની યાદગાર ક્ષણો. જો તમને યાદ હોય તો હિન્દી મુવી ( ? ) માં આ આખું વંદેમાતરમ ગીત છે તે પૂરા શબ્દો સાથે અને ગુજરાતીમાં તેનો અનુવાદ પણ… !! તે સિવાય ઉર્દૂ અને અંગ્રેજીમાં પણ તેનો અનુવાદ કરવામાં આવ્યો છે.

અરે… મને યાદ છે કે, આ તો ૬૩મો આઝાદી દિન છે. પણ પહેલા સ્વાતંત્ર્યદિનની યાદગાર ક્ષણોને યાદ કરતાં કરતાં આજે વૅબમહેફિલની પણ પ્રથમ વર્ષગાંઠ છે તે પણ તો યાદ કરી લઈએને… !! મિત્રો, આઝાદીનાં પાવન પર્વે જ ગયા વરસે વૅબમહેફિલનો પ્રારંભ કરેલો. જોકે, તેની ઉજવણી નક્કર અને પરિણામલક્ષી જ જોઈએ, તેવું લાગતાં નેટ સાથે સંકળાયેલ કવિમિત્રોનું કવિ-સંમેલન અથવા ગઝલશિબિર કે ઇન્ટરનેટ અને ગુજરાતી સાહિત્ય વિષયક પરિસંવાદ કરવાનું વિચાર્યું. તે અંગે રાજેન્દ્ર અંકલ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ગઝલશિબિરનું આયોજન કરી રહી જ છે. અને મોસમનો મિજાજ પારખીને યોગ્ય એ જ લાગ્યું કે, તે જ દિવસે કાર્યક્રમ કરવો ઉચિત નથી. પણ પરિષદ જ્યારે પણ આ શિબિર કરશે ત્યારે વૅબમહેફિલ તેને પૂરતો સહકાર આપશે અને આપ સૌને પણ અગાઉથી જાણ કરીશું જેથી તેનો લાભ લઈ શકો.
આજે આ દિને, સૌ પ્રથમ ઈશ્વર અને તમામ સાહિત્યકારોને મારા શત શત વંદન અને આભાર કે જેઓએ ગુજરાતીને આટલી સમૃદ્ધ બનાવી. અને આપ સૌ વાચકોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે અંગત મૅલ કે પ્રતિભાવો દ્વારા મને સતત સાથ અને સહકાર આપ્યો છે. પિંકીબેન, રોજની આટલી બધી મૅલ્સમાં તમારો મૅલ વાંચી, મન હળવું થઈ ગયું. કે - તમે મારા માપદંડમાં ખરાં ઊતર્યાં. કે - શું તમારી સાઇટને એક વરસ નથી થયું ? કે - કોઈ કવિ એમ કહે મારી રચના તમારા હાથમાં સલામત છે નિ:સંકોચપણે તમે કોઈ પણ રચના મૂકી શકો … ત્યારે ટાઇપ કરતાં લાગેલ થાક કે સમયનો બગાડ કોઈને લાગે ?!! તો લૅ-આઉટ અને મ્યુઝિક માટેની પસંદગી ભલે મારી હોય પણ તેને ટેકનિકલ સ્વરુપ નીરજે ( રણકાર ) આપ્યું છે. તેની જેમ જ દાદાગીરી કરી, હરદ્વાર ગોસ્વામી, અનિલ ચાવડા, વિવેકભાઈ ટૅલર, સુનિલભાઈ શાહ અને ઊર્મિને પણ હેરાન કર્યાં છે. તો ગૌરાંગભાઈ ઠાકર, ભાગ્યેશઅંકલ (જ્હા), રાજેન્દ્રઅંકલ (પટેલ), સુધીરઅંકલ (પટેલ), ધૈવતભાઈ શુક્લ, કૃષ્ણભાઈ દવે કે મૂકેશભાઈ જોશી અને અંકિતભાઈ ત્રિવેદીએ જે પ્રેમપૂર્વક – ભાવપૂર્વક સહકાર આપ્યો છે તે માટે હ્રદયપૂર્વક આપ સૌનો આભાર ……. !
એક વરસ પૂરું થયું છે પણ મનમાં નક્કી કરેલું તેના ૧૦% જ કામ પ્રેકટીકલી થઈ શક્યું છે. જોકે, આ સાથે ગુજરાતી સાહિત્યમાં અપાતા પારિતોષિક અંગે માહિતી અને યાદી મૂકીશ. તો કવિનો ટૂંક પરિચય પણ દરેક કવિની રચના સાથે આપ વાંચી શકશો. ( કવિમિત્રોને વિનંતી જલ્દીથી પોતાનો બાયોડૅટા મોકલાવે ) તે સિવાય, માર્ગદર્શિકા તૈયાર કરી છે જેના થકી આપ સાઇટને વધુ સારી રીતે જાણી અને માણી શકશો. સાઈડબારમાં ” READ IN YOUR OWN SCRIPT “ ઑપ્શનનો ઉપયોગ કરીને, આપ વૅબમહેફિલને અન્ય ૯ લિપિમાં વાંચી શકશો.
નેટ પર બે-ત્રણ ગમતી પંક્તિ કે ત્રણ-ચાર શેર વાંચવાનો શોખ … ગદ્ય અને નિબંધોમાં ફેરવાઈ ગયો તો ભાષાની સરહદ પણ ઓળંગી દીધી. અમૃતા પ્રીતમ, સર્વેશ્વરદયાલ સક્સેના કે હાર્ડી, યૅટ્સ પણ ઉમાશંકર કે કાન્ત જેટલાં જ પ્રિય લાગે છે. જોકે, તેના માટે પણ કવિતાકોશ કે પોએટ્રી નો એટલો જ મહત્વનો ફાળો છે. આપ સૌ જો સહકાર આપો તો , પ્રેમાનંદના નળાખ્યાનથી સિતાંશુનું જટાયુ પણ પરવાનગી લઈ નેટ પર ઉપલબ્ધ કરવું છે અને તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.
અને અંતે, મધપૂડો છંછેડવા જેવી બે વાત – કૉપીરાઇટ અને પ્રતિભાવ. હાલ પૂરતું તો કોઈ કવિએ વાંધો દર્શાવ્યો નથી અને છતાં કોઈ કવિ કહેશે તો તેમની રચનાઓ દૂર કરવામાં આવશે. પ્રતિભાવકોને વિનંતી કે તેઓ પોતાની લાગણીઓ શિષ્ટ ભાષામાં જણાવે અન્ય પ્રતિભાવકનું અપમાન થાય અથવા તો કોઈ કૃતિનું કે સાહિત્યકાર કે સામયિકનું અપમાન થાય તેવાં શબ્દોનો ઉપયોગ ન કરે. કવિતા ન ગમે તો મારી પસંદગી ના ગમી એવું કહેશો તો ચલાવી લઈશ.
પ્રથમ વર્ષની ઉજવણી ત્યારે જ યોગ્ય લેખાય જ્યારે ગુજરાતી સાહિત્યની ફરી ફરીને માણવી ગમે એવી અમર રચનાઓ વૅબમહેફિલ પર મૂકાય પણ નવી ગઝલ કે કવિતાના રસિયાઓ નિરાશ ના થાય કારણ વચ્ચે નવી રચનાઓ પણ મૂકીશ.
.
