( માણેકચોકમાં… જૂનું શેરબજાર અને માણેક ફુવારો* દેખાય છે , જે હાલમાં નથી )

( હાલનું માણેકચોક … રાત્રિનાં જ્યાં ખાણીપીણીનું બજાર મંડાય છે )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“>
દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં,
બુદ્ધિ યે છેતરાય છે માણેકચોકમાં.
સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં,
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં.
પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને,
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં.
ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ,
લાખોના સોદા થાય છે માણેકચોકમાં.
જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે,
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં.
એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા,
સોનું સતત કસાય છે માણેકચોકમાં.
નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી,
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં.
અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે,
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં.
કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ,
રાત્રિ જવાન થાય છે માણેકચોકમાં.
રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં
ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરો ય પણ ચણાય છે માણેકચોકમાં
- ‘આદિલ’ મન્સૂરી
”અમદાવાદ શેહેર કીયા વરશમાં વસ્યું તે’ની બહુ ગરબડ ચાલે છે. સંવત ૧૪૫૮નો વઈશાક (વૈશાખ) લખો (લખ્યો) છે તે અમદાવદની વંસાવળી ઊપરથી લખો છે, પણ મીરત હેમદીનો અંગરેજી તરજુમો બર્ડ સાહેબનો કરેલો છે તેમાં હીજરી શાલ ( મુસ્લિમ સાલ) ૮૩૧ બતાવેલી છે નેં જેમ્સ ફારબસ સાહેબ એમ લખે છે કે, ” અમદાવાદ શેહેર ઈ.સ. ૧૪૨૬માં વસાવ્યું છે.” …. મગનલાલ વખતચંદ શેઠ. ઇ.સ.૧૮૫૦માં તેમણે લખેલ નિબંધ “અમદાવાદનો ઈતિહાસ” માંથી સાભાર. ( ઉપરોક્ત લખાણ, વાચકોને તે સમયની ગુજરાતી ભાષા અને અમદાવાદની સ્થાપના દિનનાં મતમતાંતરો જાણી શકે તે હેતુ માત્ર થી મૂકવામાં આવેલ છે. )
અમદાવાદનાં સ્થાપના દિનની ગરબડ આજે પણ એટલી જ છે, જેટલી સવા સો વર્ષ પહેલાં… ! જોકે, આશાભીલની વાત કે માણેકબાવાની વાતો નાનપણથી જ સાંભળતાં આવ્યાં છીએે. ( આજે તે બધી વાતો દરેક મુખ્ય સમાચારપત્રોમાં છે જ , લગભગ આ જ પુસ્તકનાં આધારે ! તેથી તે અંગે વધુ લખ્યુ નથી.) જેમાં આશાવલ કે આશાપલ્લી તે જ આજનું આશતોડિઆ ( આસ્ટોડિયા) (જોકે, તેમાં પણ મતાંતરો પ્રવર્તે છે.) અને “જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શેહેર બસાયા.” કે, માણેક બુરજ અને માણેકચોકની વાતોને સમર્થન મળે છે.
આજે છસો વર્ષ પછી પણ માણેકબાવાનાં નામે માણેકચોક માત્ર અમદાવાદમાં જ નહિં પણ દુનિયામાં પ્રખ્યાત છે. આદિલ મન્સૂરીનો અમદાવાદ પ્રેમ તો જાણીતો જ … પણ માણેકચોક પણ તેમનું એટલું જ માનીતું. છસોમું વર્ષ શરુ થતું હોય તે ઘટનાનાં સાક્ષી બનવાનું સદ્.ભાગ્ય આપણને મળ્યું છે અને તે પણ જ્યારે ગુજરાત પોતાનાં ૫૦ વર્ષ પૂરું કરી રહ્યું છે ત્યારે… ! તો, આદિલ સા’બના મુખે જ માણેકચોકની ગઝલ માણીએ. ( ઑડિયો સૌજન્ય : ટહુકો , આભાર જયશ્રી. )
* માણેક ફુવારો – માણેકલાલ શેઠે બંધાવેલો જેને ખસેડીને કાંકરિયા લઈ જવામાં આવેલો અને હાલ પાલડી મ્યુઝિયમમાં છે.
.