Posts Tagged ‘gujarat’

કોઈ આવે તો : અહમદ ‘ગુલ’

Friday, June 12th, 2009

 

મા…..

હવે જો કોઇ

દેશથી આવે તો

મોકલાવજે,

પરોઢિયે ઊઠી

ઘંટીના મધુર તાલ પર

તુજ હસ્તથી

દળેલો મીઠો લોટ

ત્યાં સુધી બ્રેડના ડૂચા

ગળે ઉતારતો રહીશ હું

ને

તુજ હાથથી

કૂવે જઈ ધોએલાં

મારા લૂગડાનું પોટલું

મોકલાવજે

ત્યાં સુધી લોન્ડ્રીના

ધોએલાં કપડાં

મુજ શરીર પર

ટીંગાડતો રહીશ

ને

મા

મોકલાવજે

તારા ખોળાની

હૂંફ

ત્યાં સુધી હીટરના તાપમાં

બાળતો રહીશ

શરીર મારું

જો

મા

કોઈ આવે તો…

- અહમદ ‘ગુલ’

 

ઓસ્ટ્રેલિયામાં વંશવાદનું દૂષણ હજુ કાબૂમાં નથી આવ્યું અને ત્યાં વળી, ગઈકાલે કેનેડામાં પણ ભારતીય યુવાનો પર હુમલો થયો.  બસ…. કોઈ આવે તો….. કુણાલભાઈની ચીકી અને નીરજની પાણીપુરી તો વળી, ઊર્મિ તો શોપીંગનું લિસ્ટ જ મોકલવાની હતી.  ત્યાં વસેલાં સૌ કોઈના દિલનો એક ટુકડો બસ આ ધરતી પર ક્યાંક તૂટેલો પડેલો  દેખાય છે.  ઈતિહાસને યાદ કરતાં…… પારસીઓ, અંગ્રેજો, મુસ્લિમો, તિબેટીયન સૌ કોઈને મારી માએ સમાવ્યાં, તો શું…….. ?!! 

 

 

.

છોકરીનું તડકીલું ગીત : ભાગ્યેશ જ્હા

Thursday, June 11th, 2009

 

એક છોકરીના સપનામાં સળગેલા સૂરજને
હળવેથી છત્રી ઓઢાડવાનું સાંભળ્યું છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

ઉકળતા આસમાને તડકો પડે, તે જાણે છોકરીની તડતડતી ઇચ્છા,
ભડભાથી સૂરજની આમન્યા ઓળંગી, એક ચકલી નચાવે ભીનાં પીંછા,
તમે પીંછાના પરસેવે મેઘધનુષ્ય રચવાની ચકલીની વારતાઓ સાંભળી છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

કહે છે કે સૂરજને પહેરી ગોગલ્સ, હવે જોવું છે મૃગજળનું પાણી,
આખું તો શહેર જાણે હિલ્લોળે ડોલે, જેમ કંપે છે છોકરીની વાણી,
તમે ભીની ભાષાને કદી સ્પર્શ કરી, અંધારું લાલચોળ દાઝ્યાનું સાંભળ્યું છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

દરિયો તો પહેરણને સૂકવવા મૂકીને, સપનામાં ડૂબકીઓ મારે,
છોકરીના કાનમાં માછલીના ગીતની, કાંકરીઓ કોણ હવે મારે,
તમે મોજામાં દરિયાનાં પગલાં ફસાય, ત્યારે દરિયાનું ગીત સાંભળ્યું છે ?
ના, તો લ્યો હવે સાંભળો.

- ભાગ્યેશ જ્હા

 

અમદાવાદમાં વરસાદ મોરલાના ટેંહૂક  ટેંહૂકમાં ટહુકી રહ્યો છે, પણ પેલ્લા વરસાદનો કાંટો વાગે તે પહેલાં માણી લઈએ એક છોકરીનું તડકીલું ગીત……જોજો પણ, પીંછાના પરસેવે મેઘધનુષ્ય રચતી ચકલીની વારતાઓ ભાગ્યેશઅંકલની ભીની ભાષામાં સાંભળીને લાલચોળ દાઝી ન જવાય …..?!!

 

 

.

પ્રેમીની મૂર્તિપૂજા : કલાપી

Wednesday, June 10th, 2009

 

કર તું કંઈએ, કર તું કંઈએ, મધુ તેથી બને વધુ શું કદિએ ?

તુજ કાર્ય સહુ દિલ નિત્ય સ્મરે, વધુ નિર્મળ શું ઉર પૂજી શકે ?

કંઈ બોલ અને દિલ ઈચ્છતું, કે કંઈ બોલ તું બોલ સદા જ પ્રિયે !

તુજ વાણી સદા સુણતો જ રહું, ઝરતાં ફુલ એ વીણતો જ રહું.

તુજ એ સ્વર ગાયનમાં સ્મરતાં, વળી ઓર જ ધૂન મચે ઉરમાં,

તુજ યાચક આ ઉર થાય, પ્રિયે ! ફરીને ફરી એ સ્વર માગી જ લે.

ઉર ઈચ્છતું કે હજી ગા તું પ્રિયે ! નવ થોભ, કશું પણ ગા જ પ્રિયે !

કંઈ દે કંઈ લે સહુ ગીત મહિં, વ્યવહાર બધાં કર ઓ સ્વરથી.

હુકમો સહુ ગાયનથી કરજે ; મુજ ઝિંદગીએ સ્વરથી ભરજે,

તુજ નૃત્ય સ્મરૂં ? ભૂલું ભાન, પ્રિયે ! કંઈ પ્રશ્ન કરૂં સ્મરી નૃત્ય, પ્રિયે !

ક્યમ ઊર્મી બની ન તું વારિધિની, બસ નાચત દિવસને રજની !

ઘુઘવાટ વળી તુજ હું બનતે, હસતો નકી તાલ દીધા કરતે.

કર તું કંઈએ, કર તું કંઈએ, કરુણાર્દ્ર પ્રભુ પ્રતિ કાર્ય પરે ;

તુજ શું તુજ શું થી મધુતર છે ? વળી નિર્મળ શું તુજ શું થી પ્રિયે !

સ્મરતાં સ્મરતાં સ્મરણે ચડ્યું જે બસ પૂજીશ પૂજીશ તે જ પ્રિયે !

- કલાપી

 

ગુજરાતી સાહિત્યનાં કલાપીની પુણ્યતિથિએ આજે તેમની એક રચના, જે તે સમયનાં પ્રવાહ મુજબ અંગ્રેજી સાહિત્યકારોનાં પ્રભાવ હેઠળ રચેલી.  વિલિયમ શેક્સપિયરનાં નાટક ‘ વિલિયમ ટેલ’ નાં અમુક અંશનું ભાષાંતર કરેલ છે. આંતરાનુપ્રાસ અને પુનરુક્તિ કાવ્યને વધુ લયાન્વિત કરે છે.

 

 

.

લાગે છે : ગૌરાંગ ઠાકર

Tuesday, June 9th, 2009

 

ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.

આભ આખું ઉદાસ લાગે છે,
દોસ્ત આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને ખળખળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ ?
કયાંક તું આસપાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે ?

ફાંસ ફૂલોની અમને વાગી છે,
શ્વાસ એથી સુવાસ લાગે છે.

- ગૌરાંગ ઠાકર

 

ઊંડાઈને માપવાની અને ઊચાઈને તાગવાની જેને લત લાગે, તેને તો ખીણમાં પણ ઉજાસ જ લાગે છે. સરળ બાનીમાં પર્ણમર્મરિત રાસ, ફૂલોની ફાંસ કંઈ નવાં જ કલ્પનો સાથે એક ગહન ગઝલ .

 

 

.

વૃક્ષ : ઓમ પુરોહિત (અનુ : કિશોર શાહ)

Monday, June 8th, 2009

 

tree

 

તમે

એક અભિયાનમાં

વૃક્ષ વાવ્યું,

બીજામાં 

સીંચ્યું,

અને ત્રીજા અભિયાનમાં

કાપી નાંખ્યું.

ઠીક છે

તમે માલિક હતા, વૃક્ષના

પણ જવાબ તો આપવો જ પડશે

 કે જેણે વૃક્ષને પોષ્યું,

જે પાંદડાં ફૂટવાના સમયથી

કપાઈ જવાના સમય સુધી

મૂક હતી 

એ ધરતી

પેલા વૃક્ષની શું હતી ?

- ઓમ પુરોહિત

અનુવાદક : કિશોર શાહ ( ગુજરાતી )

 

 પ મી જૂન, વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષ વાવો અભિયાનનું ‘ અભિયાન’ બરાબર જામ્યું …… પણ  જવાબ તો આપવો જ પડશેને ?!!

 

 

.

વિસ્તર્યા કરે : આશ્લેષ ત્રિવેદી

Friday, June 5th, 2009

 

વરસાદ આખી રાત સતત ઝરમર્યા કરે,
ને શૂન્યતાનું એક નગર વિસ્તર્યા કરે.

એકાંતને ય હોય પ્રતિબિંબ જેવું કંઈ,
આભાસ દર્પણોનો મને છેતર્યા કરે.

ટહુકાઓનું તો ઠીક બધે વિસ્તરી ગયાં,
છોડી તને વિહંગ ! પીંછા કરગર્યા કરે.

કે’વાય છે કે, ધુમ્મસોય ઓગળી ગયાં,
અજવાળાં તારું નામ કોઈ ચીતર્યા કરે.

આ વેદનાઓ મારી કહો કોને જઈ કહું,
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.

નીંદરનું વૃક્ષ આખું લચે ભીની પાંપણે,
ને પાંપણોમાં કોઈ ભીનું તરવર્યાં કરે.

- આશ્લેષ ત્રિવેદી 

 

શૂન્યતાના નગરમાં એક લટાર…… !!

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME