Posts Tagged ‘gujarati kavita’

એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’

Wednesday, April 21st, 2010

 

હૂંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;  હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે,
સવાલ એ નથી, એ માનવી કે કોઇ મત્સ્ય છે;  બધાંની ભીતરે કશેક એક તત્વ દિવ્ય છે.

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા ?  શું સ્થિરતા, પ્રવાહિતા,  શું સામ, દામ, દંડ, ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને, આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,
સ્વભાવગત આ વાત છે સ્વીકારવું – નકારવું,  કરૂણતાઓથી ભર્યું જીવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે;  ક્ષણિક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત;  વિવેચકોની દ્રષ્ટિઓ ય લીન છે સ્વરૂપમાં,
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ;  સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

- જિગર જોષી ‘પ્રેમ’

 

 મત્લામાં જ કવિ સૂચવે છે,  હૂંફાળો સ્પર્શ કાનને કરીને, વાતને (ગઝલને) સાંભળજો.  કવિ કાન પકડીને પોતાની વાત નથી મનાવતો.  એ તો બસ હળવેથી ’કાન’ને  જગાડે છે.  અંકિત કહે છે એમ, કાન ‘કાનજી’ બની જાય તેવી જ આ વાત છે.  જીંદગીનાં સનાતન સત્યોને જો આમ જ હળવેથી સૂણીએ તો ?!!   સુ:ખ અને દુ:ખ એ તો જીવનચક્રનાં બે પૈડાં છે પણ બધુંય ક્ષણિક જ છે.  પણ આપણે તો કૄતિ માણવાને બદલે,  વિવેચકોની જેમ તેનાં સ્થૂળ, સ્વરુપમાં  દોષો જોવામાં જ સમય બગાડીએ છીએ.  

 

 

અમે નીકળી જવાના : ઉર્વીશ વસાવડા

Monday, April 5th, 2010

 

બધાની આંખ આગળથી અમે નીકળી જવાના, 
અગર જો રોકશો છળથી અમે નીકળી જવાના.
 
તમારી ભૂલ છે કે મત્સ્ય માની જાળ નાખી ,
બનીને બુદબુદા જળથી અમે નીકળી જવાના.
 
કરી લે લાખ કોશિશ કેદ ના થઈશું કદી પણ,    
ઉઘાડી બારણાં કળથી અમે નીકળી જવાના.
 
ગતિ ખૂશબુ સમી છે ઊર્ધ્વગામી એટલે તો,
પવન સંગાથ ભૂતળથી અમે નીકળી જવાના.
 
અમારી જાત શબ્દોની નહીં સ્વરની બની છે,
હશું કંઠે જો કાગળથી અમે નીકળી જવાના.
                                                   
- ઉર્વીશ વસાવડા

 

જેને આગળ નીકળી જ જવું છે તેને કોણ રોકી શક્યું છે ?  તે તો કળથી કે છળથી આ ભૂતળથી નીકળી, કાળનાં કાગળ પર પોતાનું નામ અંકિત કરી જ જવાનાં. 

 

.

લૂંટ્યો છે : જિગર જોષી ‘પ્રેમ’

Saturday, December 12th, 2009

 

પહાડોએ   કદી લૂંટ્યો, કદી  પડ્ઘાએ  લૂંટ્યો   છે,
કદી  ઈચ્છા  ગઈ   લૂંટી, કદી શમણાંએ  લૂંટ્યો છે.

અનોખી   ભેટ   આપી  છે તમે   આ  રાહ  ચીંધીને,
દિશાઓએ   કદી લૂંટ્યો,  કદી  નકશાએ  લૂંટ્યો  છે.

નથી  અકબંધ હું  જીવ્યો, સલામત  હોઉં હું  ક્યાંથી ?
કદી તૃષા ગઈ  લૂંટી, કદી  ઝરણાએ  લૂંટ્યો   છે.

કરમ  છે  બેઉના સરખા, દુઆ  બન્નેની  સરખી છે,
કદી  પાયલ  ગઈ  લૂંટી, કદી  પગલાંએ   લૂંટ્યો  છે.

ફકીરી   હાલ આ કંઈ ‘પ્રેમ’ના  અમથા  નથી  યારો,
કદી  મંઝિલ   ગઈ લૂંટી, કદી  રસ્તાએ   લૂંટ્યો  છે.

- જિગર જોષી ‘પ્રેમ’

 

શમણાં, ઝરણાં,નકશા, દિશા,પગલાં,પાયલ એટલે કે, …. મંઝિલ જ લૂંટે તો ‘પ્રેમ’માં અકબંધ જીવવું કેમ ?

 

 

.

વચ્ચે હું ઊભો : કિશોર મોદી

Friday, March 6th, 2009

 

રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો,
દ્દશ્ય, ઇચ્છા, કોલ વચ્ચે હું ઊભો.
 
રોજ ઊઠીને પીછો મારો કર્યો,
તૂર, ત્રાંસાં, ઢોલ, વચ્ચે હું ઊભો.
 
મૌનથી દીવાલ ચીતરવી પડી,
હોઠ, મરમર, બોલ વચ્ચે હું ઊભો.
 
ખાલીપો માણસ સમો કોઇ નથી,
સ્ટેજ, પાત્રો, રોલ વચ્ચે હું ઊભો.
 
સાંજની લીલપમાં ટહુકી જાવું છે,
વાડ, ખેતર, મોલ વચ્ચે હું ઊભો.
 
લયવિલયની લ્યો કવિતા ગાવી છે,
સ્વર, હલક ને લોલ વચ્ચે હું ઊભો.
 
- કિશોર મોદી

 

રોજબરોજની જિંદગીમાં ત્રિભેટે આવીને – ક્યાં જવું ? ની મથામણમાં જિંદગી વીતાવી દેતાં હોઈએ છે . કિશોરભાઈ ત્રિશબ્દે આપણને એક મુકામે એકઠાં કરે છે અને મીઠી મૂંઝવણમાં મૂકી સ્વર, હલક ને લોલ ની વચ્ચે મૂકી આ ગીત ગાવા મજબૂર કરી દે છે. ‘આનંદ’ પિક્ચરનો ડાયલૉગ યાદ અવી જાય, ને સ્ટેજ અને રોલ વચ્ચે માણસનો ખાલીપો સ્ટેજ પર આવી ઑડિયન્સની દાદ મેળવી જાય  તેવી જ દાદ આ ગઝલ પણ મેળવી જાય. વાડ,ખેતર અને મોલ વચ્ચે ઊભા રહી કોણ સાંજની લીલપમાં ટહુક્યા વિના રહી શકે ? તો ગઝલમાં પણ ‘લોલ’ શબ્દની ગેયતા ગીત જેટલી જ સુમધુર બની રહી છે.

શબ્દાર્થ :  તૂર -  તૂર્ય એક વાજિંત્ર (રણશિંગુ, શરણાઈ)

 

 

.

  • Page 2 of 2
  • <
  • 1
  • 2
This text will be replaced by the flash music player.
Powered By Indic IME