મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી
Friday, August 13th, 2010
( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )
સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !
તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !
એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !
મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !
કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !
- અંકિત ત્રિવેદી
પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય ! ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .
.



