Posts Tagged ‘gujarati’

કહેને : માધવ રામાનુજ

Tuesday, January 11th, 2011

.

.

સૈયર, તારા કિયા છૂંદણે, મોહ્યો તારો છેલ, કહેને !
સૈયર, તારી કિયા ફૂલની, લૂમીઝૂમી વેલ, કહેને !

કૂવાને કાંઠે કઈ ઘડીએ, રહી ગઈ વાત અધૂરી ?
સૈયર, તારા ઉજાગરાની, કિયા તારલે સાખું પૂરી.

કિયા વરતમાં પાંચ આંગળે, કિયો પીપળો પૂજ્યો, સૈયર ?
મન ભરીને મોહે એવો, કિયો ટૂચકો સૂઝ્યો, સૈયર.

સૈયર તું તે કિયા ફૂલની, લૂમીઝૂમી વેલ, કહેને ?
સૈયર, તારા કિયા છૂંદણે,  મોહ્યો તારો છેલ, કહેને !

- માધવ રામાનુજ

.

.

બે સૈયરો ભેગી થાય અને પછી તો  ટોળ-ટિખ્ખળ, મજાક-મસ્તી ન કરે તો જ આશ્ચર્ય !  અને એમાં પણ, કયો ટૂચકો કરીને પિયુને પટાવ્યો તે વાત જાણવાની તો સૌને તાલાવેલી.  એવી જ કોઇ ક્ષણોને માધવ રામાનુજે શબ્દોમાં અદ્‍ભૂત રીતે કંડારી છે.  તેમની અન્ય રચનાઓ માણવા તેમની પોતાની વૅબસાઇટ http://madhavramanuj.com/ પર માણી શકશો.

.

.

.

.

 

હસ્તપ્રત : મનોજ ખંડેરિયા

Monday, August 9th, 2010

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

- મનોજ ખંડેરિયા

એક માત્ર ગઝલની જ જેને મમત હતી તેવાં કવિની કલમે એક સર્વાંગ સુંદર ગઝલ… !

.

કલમ ઉપાડી છે : સુનીલ શાહ

Friday, August 6th, 2010

આંખ ઊંડી ને ખાલી પેટ લઈ ગુજારી છે,
મેંય પથ્થરો માફક જિંદગી ઉપાડી છે.

રાત જ્યાં વીતે છે એ ફૂટપાથ સાક્ષી છે,
આભ ને ધરા વચ્ચે કેટલી ઉદાસી છે !

રોજ પથ્થરોમાં મેં શોધ આદરી તારી,
શી ખબર કે તેં ઈશ્વર, જાત ક્યાં છુપાવી છે !

હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

- સુનીલ શાહ

આપણાં સૌની દોરી ઈશ્વરનાં હાથમાં જ રહેલી છે અને ભાગ્ય જાણવા, ઉછાળેલાં સિક્કાની બન્ને બાજુ પણ… તેના જ હાથમાં. સુખ કે દુઃખ જે પણ આવે/આપે,  ઈશ્વર પર શ્રદ્ધા રાખી જીવીએ તો જિંદગી અઘરી નહીં લાગે !

.

તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી

Sunday, June 20th, 2010

dikri

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને  યે મોજ  જરી આવે  તે  થયું મને , STDની ડાળથી ટહૂકું !

હૉસ્ટેલને ?  હૉસ્ટેલ તો ફાવે છે,  જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ,
તોય એ તો ઊઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ ;
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મી,બા જલસામાં ? બાજુમાં ઊભી છે ? ના, ના, તો વાસણ છો માંજતી ,
કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી ;
સાચવજો, ભોળી છે,  ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું  લીધું ?  સ્કૂટરને ? ભારે   ઉતાવળા, શમ્ભુ  તો   કેતો’તો   ફ્રીજ ,
કેવા છો જિદ્દી ? ને હપ્તા ને વ્યાજ ?  વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ;
ઝાઝી તો વાતુંનાં  ગાડાં   ભરાય :  કહું  હાઈકુમાં, એટલે  કે   ટૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

- મનોહર ત્રિવેદી

પિતા અને પુત્રીનાં અનોખા બંધનને ઉજાગર કરતી, મનોહરભાઇની આ ખૂબ જાણીતી રચનાને આજે તેમનાં જ અવાજમાં માણીશું.  દીકરી એટલે જ વ્હાલનો દરિયો પણ સમય વીતતાં જ તેને દાદી બની જતાં વાર નથી લાગતી.  આખાયે ગીતમાં બસ રુટિન વાતચીત જ છે, પણ  હોસ્ટેલમાં રહેતી દીકરીની સંવેદનાઓને આબાદ ઝીલી છે.  મારું બાળપણ યાદ કરું તો , મમ્મી કે અન્ય ન કહી શકે તેવું હું પપ્પાને દાદી બનીને  કહેતાં વાર ન’તી લગાડતી… કદાચ આજે પણ   !!   :)

Happy Father’s Day to all !!

( વિડીયો સૌજન્ય :  પંકજ ત્રિવેદી )

.

એક બનાવટ છે : રશીદ મીર

Friday, June 18th, 2010

કોરો કોરો છે ને લખાવટ છે,
પત્ર પોતે જ એક બનાવટ છે.

સૂનાં છે દૂર સુધી રસ્તાઓ,
મારી આંખોમાં યે થકાવટ છે.

બારીને ધીમો સાદ આપે છે,
કેવા રસ્તાઓ પણ નપાવટ છે.

કૈં નથી ને બધું જ છે એમાં,
ખાલી ખાલી છે ને સજાવટ છે.

પહેરણ તારતાર થઈ ચાલ્યું,
આપ કહો છો કે એ રખાવટ છે.

જોઈ લઈશું અમે ગમે ત્યારે,
જોઈ લેવાની અમને ફાવટ છે.

અંતે અવધૂત ‘મીર’ થઈ બેઠાં,
એક પલાંઠીની બસ જમાવટ છે.

- રશીદ મીર

ગઝલિયતથી ભરપૂર એક ગઝલ, જેનો એક-એક શેર એક ગઝલ બરાબર છે.  એને પ્રસ્તાવનાની કોઇ જરુર છે ખરી ?!!

.

આપણે : પન્ના નાયક

Thursday, June 10th, 2010

 

આપણે

આટલાં નજીક

છતાં ય

જિંદગીભર

એકબીજાને જોયા કર્યાં છે એ રીતે

જાણે

હું સ્ટેશન પર

ને

તું

પસાર થતી ટ્રેનનો મુસાફર.

- પન્ના નાયક

 

ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં.  તેવી જ રીતે, એક જ છત નીચે, એક  ’માણસ’  બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME