Posts Tagged ‘gujarati’

કબૂતર : રાજેન્દ્ર પટેલ

Tuesday, August 11th, 2009

 

kabutar

કબૂતરનું પીંછું

કબૂતર થવા મથે છે

તેથી એ ઊડવાનું ભૂલી ગયું છે.

અજવાળાનું કૂંડાળું તેની આંખમાં ઘૂમરાય

તોય એની પાંખમાં સંચાર થતો નથી. 

ઝાડની કોઈ અજાણી ડાળે બેઠું

છે નિરાંતે….

ડાળ, થડ કે ફૂલ વિષે

એને કશી પડી નથી. 

એ બસ

બારીના પડછાયાને માણવામાં રત

ભૂલી ગયું છે

આખું વન.

ઠરી ગયું છે

અડધું અંગ અને

અડધું મન.

એ ઊડી શકતું નથી

એની એને ખબર નથી.

 

* * * * *

 

કબૂતરને

ચાંચ છે, નખ છે

છતાં એ

હિંસક વિચારો કરતું નથી.

એને પાંખો છે

છતાં વિખેરતું નથી દૃશ્ય.

ઊંઘતા આંખ બંધ કરતું નથી.

તે ઘૂ.. ઘૂ… કરતાં કરતાં

પ્રત્યેક ક્ષણને આવકારે છે.

 

* * * * *

 

કબૂતર કાલે હતું 

આજે છે

કાલે પણ હશે

તેવું બારી સતત કહ્યા કરે છે.

 

* * * * *

 

બારી અને કબૂતર

એકબીજાને

જોતાં-જોતાં

આકાશ થઈ જાય છે

અને બંને અજાણી બારી શોધે છે.

- રાજેન્દ્ર પટેલ

 

કબૂતર તો શાંતિનું પ્રતિક છે પણ જ્યારે રાજેન્દ્ર અંકલ કબૂતર-કાવ્યો લખે છે ત્યારે તે માત્ર શાંતિ-દૂત તરીકે સીમિત નથી રહેતું.  ક્યારેક તે મનુષ્યનાં પ્રતિક રુપે છે તો ક્યારેક મનુષ્યનાં મન રુપે, તો ક્યારેક આત્મા રુપે… !!   પહેલી રચનામાં પીંછું કબૂતર બનવા માગે છે - તે તો જાણે બારીના પડછાયા જોઈ બારીને પેલે પાર જોવા જેવું.   જોકે, તેમ કહી કવિ પામર માનવીને જ ચેતવે છે.  વળી,  બીજી રચના કબૂતરનાં અંગો કરતાં આપણાં નખ અને મોં કે આપણી અન્યની પાંખ કાપવાની વૃત્તિનું ચિત્રણ  નથી લાગતું…. ?!!   આંખ ખુલ્લી રાખી સૂતાં કબૂતરોનું ઘૂ.. ઘૂ… ઘૂ  આપણને પણ જાગૃત કરી દે છે. જો મનની બારી ખુલ્લી હશે તો આશાના દ્વાર આપણા માટે ખુલ્લાં જ છે અને દરેક રસ્તો દરવાજાની બહાર નીકળ્યા પછી જ મળે.   જલન માતરી તો કહે છે,
” હું પકડીને એની પાંખો જ કાપી લઈશ,
કોઈ ગઝલમાં કબૂતર ઉડાડી તો જુએ.”    -  જોકે, રાજેન્દ્ર અંકલ તો કબૂતરકાવ્યોનું પુસ્તક તૈયાર કરી રહ્યાં છે.  વળી, ભાગ્યેશ અંકલ તે કાવ્યો વિષે ગદ્ય નિબંધ પણ લખે છે અને પુસ્તક પ્રકાશિત થતાં જ તે અંગે આપ સૌને માહિતી આપીશ.

 

 

.

અભિમન્યુને રાખડી : અજ્ઞાત

Wednesday, August 5th, 2009

 

rakhi

 

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે,
દીકરા દુશ્મન ડરશે દેખી તારી રાખડી રે.

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
નથી મામા શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર,
દેજે સિંહ સરીખી ફાળ, તારી કોણ લેશે સંભાળ ? – કુંતા

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, તેને જગમાં જીતે કોણ ?
કાઢી કાળ વજ્ર્નું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

સાખી : એક બે ત્રણ ચાર ને પાંચ છ ને વળી સાત,
એટલા દેવ રક્ષા કરે, દિનમાં દશ દશ વાર.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળ અંગ કુમાર, તેને ત્યાં જઈ દેજે માર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં,
તેને થાજો કુંવર સામા, તેનાં ઉતરાવજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, તેને દેખી ધ્રૂજે ધરણ,
તેને માથે આવ્યાં મરણ, તેનાં ભાંગજે તું  ચરણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, તેને રીસ ઘણેરી વ્યાપી,
તેને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ્ય, તે તો જન્મોજનમનો ખલ,
તેને ટકવા ના દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ, તે તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે રથ, તેને આવજે બાથોબાથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

સાખી : કુન્તાએ કર ઝાલી કરી, વાલી વજ્ર્ની ગાંઠ,
દાસ મગન એમ બોલિયા, ડોસીએ વાળ્યો દાટ.

શ્રી કૃષ્ણના ઉરમાં ફાળ પડી છે તે ઘડી રે – કુન્તા

ચેત્યા ચૌદ ભુવનના ભૂપ, વ્હાલે ધર્યું બ્રાહ્મણ રુપ,
રાખડી તોડાવી અનુપમ, રણમાં પડ્યા અભિમન્યુ ભૂપ.

- અજ્ઞાત ( દાસ મગન ?)

 

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો તહેવાર.  પુરાણોમાં પણ યમરાજાને તેમની બહેને તેમની રક્ષા માટે રાખડી બાંધેલી, તેવો ઉલ્લેખ છે.  પણ આ લોકગીતમાં દાદી કુન્તા પોતાનાં પુત્ર અર્જુનનાં પુત્ર અભિમન્યુને રાખડી બાંધે છે.  મહાભારતમાં, સાત કોઠામાંના છ કોઠા અભિમન્યુ વીંધીને પાંડવોને વિજય અપાવવામાં મદદરુપ થાય છે, અને તેનું માર્ગદર્શન દાદી આપે છે, તે વાતને કેટલી સુંદર રીતે લોકબોલીમાં ઢાળી છે.  મુસ્લિમ રાજા હુમાયુને રાણી કર્ણાવતીએ રક્ષા માટે બાંધેલી તે પણ એક જાણીતો અપવાદ જ છે ને !!  આજનાં શુભ દિને આપ સૌને મબલખ શુભેચ્છાઓ સહ માણીએ,  ગુજરાતી સાહિત્યનું ‘ legendary song’ .. !! 

 

 

.

આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ

Tuesday, August 4th, 2009

 

સાર મહીંથી સાર નહીં, નિ:સાર મળે છે,
નિ:સાર, સારના સાર સમો અણસાર મળે છે.

સપ્ત સૂરના સ્પંદન મધ્યે ડૂબતા ચાલ્યા,
લો, સ્પંદનની પાર હવે રણકાર મળે છે.

હવે અહીંથી બ્હાર નહીં પણ અંદર અંદર,
અંદર સઘળા સાજ અને શણગાર મળે છે.

લગન લગાવી ચાલ હવે તું ચાલ અહીંથી,
છેલ્લી છેલ્લી વાર અહીં અવતાર મળે છે.

સહજ સરકતા સમય શ્વાસને ભાર નથી કૈં,
અંતે તો આકારશૂન્ય સાકાર મળે છે !

- ધૈવત શુકલ
(૮.૯.૧૯૯૨)

 

આજની ગઝલ એટલે ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લનાં પુત્ર ધૈવત શુક્લની  અભિવ્યક્તિ .   જોકે ગઝલ જ તેનો અણસાર આપી દે છે કે પિંડ તો રાજેન્દ્ર અંકલના ઘરાનાનો જ છે.   સમગ્રતયા,  ગઝલનો સાર એ જ કે,   ઊંડાઈ જેટલી પામી શક્યાં તેટલી જ ઊંચાઈને તાગી શકશો.  અને તો જ આકારશૂન્ય સાકારને પામી શકાય.

 

 

.

લીલુંછમ લીલુંછમ : દીવા ભટ્ટ

Monday, August 3rd, 2009

 

કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ.

સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ.

મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ.

સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ.

સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ.

- દીવા ભટ્ટ

 

ખેર, વરસાદ તો થંભી ગયો છે…    ક્યાંક કો’ક ગામને ચોરે વિસામો ખાતો કે ખેતરાંના શેઢે કે પછી કોઈ શહેરીનાં રેઈનકોટમાં છુપાઈ ગયો લાગે છે.  જોકે તેનાં લીલાંછમ્મ સંભારણાં કેમેય કરી વરસાદને ભૂલવા નથી દેતાં,  અને લીલું લીલું મન સૂકી ડાળીને પણ લીલીછમ જ જુએ તો આ છમ્મલીલા મનને નજરું ના લાગી જાય ?!    હરિયાળું મન પછી તો – સૂના ઓટલે ને કોરાં કૂવે લીલુંછમ જ પામે ને !!   આ લીલીનજરે ‘વરસાદમાં’  રદીફ પર યામિની વ્યાસની ૧૪મી ગઝલ માણવાનું ના ભૂલતાં….. !

 

 

 

 

મિત્રો : હષૅ બ્રહ્મભટ્ટ

Sunday, August 2nd, 2009

 

friend

 

છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો,
આંખ છે સ્નેહથી સજળ મિત્રો.

એમ ધબકે છે ધરતીનો કણકણ,
દિલ સમું લાગતું આ સ્થળ મિત્રો.

ચોતરફ હષૅનો ગુલાલ ઊડે,
જીવવું થૈ ગયું સફળ મિત્રો.

એમ પગલાં પડ્યાં છે આંગણમાં,
ચોતરફ ઊઘડ્યાં કમળ મિત્રો.

સ્વર્ગ ઊતર્યું છે આજ ધરતી પર,
આભ જોતું ચકળવકળ મિત્રો.

હોય સદ્.ભાગ્ય હષૅ તો જ મળે,
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.

- હષૅ બ્રહ્મભટ્ટ

 

“ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે;
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.”

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’       તો કહે છે, એક સરસ મિત્ર હોય તો પૂરતું છે.  પણ આજે Friendship Day નાં દિવસે, વૅબમહેફિલને એક વર્ષ પૂરું થાય તે પહેલાં ૭૦૦ મિત્રોના ids એકાઉન્ટમાં જોઈ ખરે જ આનંદ થાય છે.    આપ સૌ કવિમિત્રો અને વાંચકમિત્રો પ્રત્યે મારી નીતરતી લાગણીઓને – હષૅ બ્રહ્મભટ્ટનાં શબ્દોમાં જ વર્ણવી મિત્રદિનની શુભેચ્છા પાઠવું છું. 

 

 

.

આવને ! : હર્ષ બ્રહ્મભટ્ટ

Friday, July 31st, 2009

 

પાંખ ફૂટી આભને,
સંગ ઊડવા આવને !

હું મનોમન હરપળે,
હોઉં છું તારી કને.

કેદ મારું આયખું,
એક તારી ધડકને.

ચોતરફ બસ મ્હેંક છે,
કોણ ખીલ્યું વનવને ?

મોરલો ટહુકા કરે,
આભ આખું થનગને.

એક પળ એવી મળે,
વિસ્તરે ને યુગ બને.

- હર્ષ બ્રહ્મભટ્ટ

 

કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ … ! 

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME