Posts Tagged ‘gujarati’

હોય છે : ચીનુ મોદી

Wednesday, May 19th, 2010

 

ડર મને મારો જ થોડો હોય છે -
કાચમાં ચહેરાને જોવો હોય છે.

કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણાં ક્ષણક્ષણનાં દોષો હોય છે.

શ્વાસની હલચલ તો હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?

ઊંઘ આવે તો તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે ?

પી જઉં પયગંબરોના પાપને,
શબ્દનાં તો લાખ રોગો હોય છે.

હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી
મોતનો પણ એક મોભો હોય છે.

- ચીનુ મોદી

 

જીવનમાં નૈતિક મૂલ્યોનું અવમૂલ્યન થઇ રહ્યું છે, ત્યારે સરળતા અને સહજતા જેમની કલમને વરેલી છે તે ચીનુકાકા આ વાત પણ એટલી જ સહજતાપૂર્વક કરે છે.   જો ખુદની નજરમાંથી ઊતરી જશો તો અન્યની સાથે આંખ જ કેવી રીતે મેળવી શકશો ?!   અન્યનાં દોષને અવગણવું અઘરું હોય છે, પણ જો આપણે આપણાં દોષ નિહાળી શકીશું તો અન્યને પણ માફ કરી શકીશું.  

 

.

થવાનું હોય છે : મનહર મોદી

Thursday, May 13th, 2010

 

એક કે બે પળ થવાનું હોય છે,
ક્યાં પછી ઝળહળ થવાનું હોય છે ?

આંખમાં અકબંધ અજવાળું વસે,
સ્વપ્નને કાજળ થવાનું હોય છે.

શ્વાસ ને ઉચ્છ્‍વાસ રણમાં ઓગળે,
રેતને મૃગજળ થવાનું હોય છે.

ખૂબ અઘરું હોય છે અંદર જવું,
એકલા બળબળ થવાનું હોય છે.

આજ અથવા કાલ એકેએકને,
સાવ સૂનું સ્થળ થવાનું હોય છે.

- મનહર મોદી

 

સમસ્ત બ્રહ્માંડમાં અગર કશુંક શાશ્વત છે તો બસ નશ્વરતા.   સપના આંજેલી આંખને એ ખબર નથી હોતી કે,  રણની રેતમાં ઓગળેલો સૂરજ જ મૃગજળ બની તરસાવતો હોય છે.   પણ, આપણે જ ઊભી કરેલી ભૂલભૂલામણીઓ પસાર કરી એકલાં અંદર જઇ શકાય તો જ આ બ્રહ્મજ્ઞાન પામી શકાય.

 

 

.

શું ચીજ છે ? : રમેશ પારેખ

Wednesday, May 12th, 2010

 

bankado

 એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું  શું ચીજ છે ?

ચીજવસ્તુ થઇ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?

કઇ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે ?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં,
‘રમેશ’ ગોળ રસ્તા, ગોળ જીવે, હાંફવું શું ચીજ છે ?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા ‘રમેશ’,
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે?

- રમેશ પારેખ

 

આપણે સૌએ વૃદ્ધત્વને હાંફી જતું તો ઘણી વાર જોયું જ છે, પણ, તે શું ચીજ છે ? -  કદાચ ખબર નથી.   બગીચામાં ખાલી બાંકડાનાં સંગે, એક સાંજ પસાર કરવી ગમે … પણ જ્યારે તે ફરજિયાત થઇ જાય એટલે કે,  હવે તે સિવાય કોઇ કામ જ નથી રહ્યું.  ત્યારે એ જ બાંકડાનાં પાટિયાં પર ગુજારેલી પ્રિયજન સાથેની સાંજ – ચીજવસ્તુ જેવી થઇ ગયેલી આંખમાં પણ  કણા ની જેમ ખૂંચે છે.   અત્યારે તો,  છાપાંમાં હૅડલાઇન વાંચી ઓફિસ જતાં, વિચાર આવે છે કે,  છાપુંય વાંચવાનો સમય નથી અને પછી સમય પસાર કરવા, આખે આખું છાપું વાંચ્યા પછી પણ હવે શું ?  એ પ્રશ્ન ઊભો જ હોય.  

ઘરમાં રહેલ વૃદ્ધજનોને એકલતા ન સાલે તેનું ધ્યાન રાખીએ તો શક્ય છે ભવિષ્યમાં આપણને પણ આ એકલતા ના સાલે ?!! 

 

.

જાય છે : અનિલ ચાવડા

Monday, May 10th, 2010

 

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.

- અનિલ ચાવડા

 

મત્લાનો શેર જ કવિની કલમનો પરચો આપી દે છે… જિંદગીમાં ક્યારેક એક એવું મોજું નિરાશાનું કે અંધકારનું આવતું હોય છે, કે સપનામાં આવેલું વ્‍હાણ પણ  ડૂબી જાય. તો આગળ કહે છે, કોઇનાં જીવનમાં તો સવાર પડતી જ નથી બસ ખાલી રાતનો ‘કલર’ બદલાય છે.   જોકે,   જિંદગીમાં આ બધું -  વીત્યા  પછી જ સમજાતું હોય છે.   કવિમિત્ર અનિલ ચાવડાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.

 

 .

ગઝલ બનતી નથી : પંચમ શુક્લ

Saturday, April 24th, 2010

 

બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.

શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.

તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.

મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.

ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.

સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.

અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.

કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.

બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.

શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.

એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.

ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.

સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

એમ કહીએ : જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિં : જગ-તાતથી ગઝલ બનતી નથી !

- પંચમ શુક્લ

 

કવિઓ માટે  ગઝલ રચવી એ પણ એક આકસ્મિક ઘટના જ હોય છે.   કાગળ અને કલમ સિવાય દિવ્ય ચેતનાનો સંચાર પણ જરુરી જ છે.   પણ જ્યારે ગઝલ ન રચાય ત્યારે ?  ગઝલ બનતી નથી… તે વિષે જરુર ગઝલ લખી શકાય.   પંચમભાઈની કલમે સંસ્કૃત અને ઉર્દૂ શબ્દોથી સભર એક સુંદર મત્લા ગઝલ તેમનાં જન્મદિને માણીએ.   શબ્દોનો મર્મ , નવા ગઝલકારોને પણ એટલો જ ઉપકારક છે. 

 

શબ્દાર્થ : ત્રાત -રક્ષણ, બચાવ, અવદાત - શ્વેત, વ્રાત - સંઘ, સમૂહ, કસ્માત્ (સં.) - શાથી, કયા કારણે, વ્યાત્ત્ - ખુલ્લું, ઉઘાડું,  સ્યાત્ -  કોઈ અપેક્ષા, કોઈ માર્ગ. 

 

.

એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’

Wednesday, April 21st, 2010

 

હૂંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;  હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે,
સવાલ એ નથી, એ માનવી કે કોઇ મત્સ્ય છે;  બધાંની ભીતરે કશેક એક તત્વ દિવ્ય છે.

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા ?  શું સ્થિરતા, પ્રવાહિતા,  શું સામ, દામ, દંડ, ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને, આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,
સ્વભાવગત આ વાત છે સ્વીકારવું – નકારવું,  કરૂણતાઓથી ભર્યું જીવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે;  ક્ષણિક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત;  વિવેચકોની દ્રષ્ટિઓ ય લીન છે સ્વરૂપમાં,
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ;  સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

- જિગર જોષી ‘પ્રેમ’

 

 મત્લામાં જ કવિ સૂચવે છે,  હૂંફાળો સ્પર્શ કાનને કરીને, વાતને (ગઝલને) સાંભળજો.  કવિ કાન પકડીને પોતાની વાત નથી મનાવતો.  એ તો બસ હળવેથી ’કાન’ને  જગાડે છે.  અંકિત કહે છે એમ, કાન ‘કાનજી’ બની જાય તેવી જ આ વાત છે.  જીંદગીનાં સનાતન સત્યોને જો આમ જ હળવેથી સૂણીએ તો ?!!   સુ:ખ અને દુ:ખ એ તો જીવનચક્રનાં બે પૈડાં છે પણ બધુંય ક્ષણિક જ છે.  પણ આપણે તો કૄતિ માણવાને બદલે,  વિવેચકોની જેમ તેનાં સ્થૂળ, સ્વરુપમાં  દોષો જોવામાં જ સમય બગાડીએ છીએ.  

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME