Posts Tagged ‘gujarati’

લઈને આવ્યો છું : ‘ગની’ દહીંવાલા

Thursday, March 5th, 2009

 

હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

‘ગની’ ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

- ‘ગની’ દહીંવાલા

ગુજરાતી સાહિત્યનાં વટવૃક્ષ પર કલરવતી આ ‘ગઝલ-બુલબુલ’ ગનીચાચાને તેમની પુણ્યતિથિએ શતશત વંદન સહ…… !!

 

 .

નવી ભાષાની પ્યાસ : યોસેફ મૅકવાન

Friday, February 27th, 2009

 

દોસ્તો, જમાનાને નવી ભાષાની પ્યાસ છે,
 આ રૂઢ વાણી તો હવે જીભનો લિબાસ છે.
 
વ્હેવારનું જે ગદ્ય છે, જડબેસલાક છે,
ક્યાં પ્રેમનાય ગીતમાં એની મીઠાશ છે ?
 
છે વ્હેણ વાક્યોનું, ‘સમજ’ એમાં તણાય છે,
શબ્દોની હત્યા થાય છે, અર્થો હતાશ છે.
 
દુ:ખો અવિકારી વિશેષણ – શાં અહીં સતત,
આ આપણે તો આધિથી એ જ ઈતિહાસ છે.
 
સૌ સર્વનામો આગિયા જેવાં રહ્યાં સદા,
વિશેષ નામોનોય તે સુક્કો ઉજાસ છે.
 
સત્તાનું છે વ્યાકરણ સૌનું અલગ અલગ,
એનાં વિચિત્ર જોડણી સન્ધિ સમાસ છે.
 
આ વ્યાકરણને કોઈ તો બદલો ભલા હવે,
હે દોસ્ત ! એની યાતના એનો જ ત્રાસ છે.

- યોસેફ મૅકવાન

 

મિત્રો , હજુ હમણાં જ આપણે આં.રા. માતૃભાષાદિનની ઉજવણી કરી વૅબમહેફિલ પર અને હા…. ‘ગુજરાતી બચાવો’ રેલી પણ કાઢેલી આપણા જાણીતા સાહિત્યકારોએ.  નવા જમાનાને નવી ભાષા કેવી જોઈએ ? બસ, ગદ્ય-પદ્ય, જોડણી, વિશેષણો, સર્વનામ, સંધિ, સમાસનું વ્યાકરણ તે જ ભાષા…. ના, એ તો આપણી જીભનો લિબાસ, શણગાર …… કે વાણીવિલાસ. ભાષા એ તો બે વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિનું એક માધ્યમ માત્ર. અને મૂંગા-બહેરાં પણ પોતાની સાંકેતિક ભાષામાં વિચારોની આપલે કરી લે છે  ભલે તે હિન્દીભાષી હોય કે ગુજરાતીભાષી !! ને ત્યારે મૂંગામંતર બની જાય છે ગુજરાતી , હિન્દી, તમિલ, મરાઠી કે અંગ્રેજી માટે થતાં વિવાદો … !!

કવિને તો બસ પ્યાસ છે એક એવી નવી ભાષાની કે જે માત્ર સાંભળવામાં સુસંસ્કૃત નહીં પણ વ્યવહારમાં , વર્તનમાં પણ એટલી જ સુસંસ્કૃત હોય. …. !! 

એક નમ્ર ખુલાસો :  કવિ વ્યંગાત્મક રીતે ગદ્ય-પદ્ય, વિશેષણ, સર્વનામ, સંધિ, સમાસ, જોડણીનો ઉલ્લેખ કરી वचनेषु किम् दरिद्रताम् ? અર્થાત્ માત્ર બોલીને જ અટકી જાય તેવાં સમૃદ્ધ વાણીવૈભવ ધરાવતા મનુષ્યોને સુવાક્યોને બદલે સત્કર્મ કરવા ઇજન આપે છે.  ‘મારું જીવન જ મારો સંદેશ’ કહી ગાંધીજીએ ‘સત્યનાં પ્રયોગો’ પુસ્તક માત્ર લખ્યું નથી પરંતુ સત્યનાં પ્રયોગો જીવ્યાં છે. 

કવિ કહે છે, શબ્દોનાં વ્હેણમાં ‘સમજ’  હંમેશા તણાઈ જતી હોય છે અને આથી ‘અર્થો’ ડૂબી જતાં હોય છે હતાશાની ગર્તમાં….. આ તો વાત છે વ્યવહારની ભાષાની જે ગદ્યની જેમ જડબેસલાક છે અને હવે તો પ્રણયગીતમાં કાવ્યપ્રકારનાં વ્યવહાર પૂરતી પણ મીઠાશ નથી રહી.  સુસંસ્કૃત ભાષા એટલે કે વિશેષણ, સમાસ કે સંધિયુક્ત શબ્દો – પણ હૃદય તો સુસંસ્કૃત વ્યવહાર અને વર્તનની ભાષા જ ઉકેલી શકશે. કવિને તો પ્યાસ છે બસ પ્રીતની ભાષાની જેમાં માત્ર વાણીવિલાસ નથી પણ કશુંક કરી છૂટવાની ઈચ્છા અને તૈયારી પણ છે. 

 

 

.

એ જ તો એની ખૂબી છે : સુધીર પટેલ

Thursday, October 16th, 2008

 

એ કીધા વિના કરે છે, એ જ તો એની ખૂબી છે;
એટલે તો સૌ ડરે છે, એ જ તો એની ખૂબી છે !

એ ભલે ના હોય આજુબાજુમાં પણ ક્યાંય તોયે,
ખાલીપો સૌનો ભરે છે, એ જ તો એની ખૂબી છે !

હો તમે મશગૂલ બહુ દુનિયાના કારોબારમાં પણ,
એ અચાનક સાંભરે છે, એ જ તો એની ખૂબી છે !

જ્યાં તમસ ઘેરી વળે ત્યાં વીજ થઈ કે આગિયા રૂપ,
સ્હેજ અજવાળું ધરે છે, એ જ તો એની ખૂબી છે !

એટલે તો નહિ જડે આદિ કે એનો અંત ‘સુધીર’
શૂન્યમાંથી વિસ્તરે છે, એ જ તો એની ખૂબી છે !

- સુધીર પટેલ

 

સર્વજ્ઞ, સર્વવ્યાપી પરમ તત્ત્વની બસ એ જ તો ખૂબી છે કે શૂન્યમાંથી વિસ્તરી અણુ-અણુમાં સમાઈ ગયો અને હવે નથી જડતો એનો આદિ કે અંત !! ખૂબ જ સરળ બાનીમાં પરમ તત્ત્વની બધી ખૂબીઓ સુધીરભાઈએ જણાવી દીધી છે અને અંતે તો  આદિ-અનાદિ કાળથી પૂછાતો એ જ પ્રશ્ન – અને એક જ ઉત્તર – “यथा पिंडे तथा ब्रह्मांडे” છતાં આપણે બસ રાહ જોઈશું તેની - વિજ કે આગિયારૂપ બની અંતરને અજવાળે તો ક્યારેક તો આપણે તેને કોઈ એક અણુમાં પણ જોઈ શકીએ, પામી શકીએ ?!!

 

 

જડીબુટ્ટી : વિપિન પરીખ

Thursday, October 9th, 2008

 

રાવણના રાજ્યમાં જીવવાની

મને જડીબુટ્ટી જડી ગઈ છે.

મને રોજ રાતે

રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.

- વિપિન પરીખ

 

દર વર્ષે દશેરા આવે અને સદીઓથી લોકો રાવણદહન કરે અને તોય મરતો નથી ?!!   મારો દીકરો કહે છે મમ્મા એને ટૅન હૅડ છે તો એને માથામાં નહીં પેટમાં તીર મારું તો મરી જશે ?!!   આપણી ‘રાવણ’વૃત્તિઓ પણ દશ માથાળી છે એકનું માથું કાપ્યું ત્યાંતો બીજું …!!   એને પણ પેટમાં (ગર્ભ-મૂળ)માં જ તીર મારવું પડે તો જ તેનો નાશ થશે અને વિપિન પરીખની જેમ આપણને આવતાં રામરાજ્યનાં સ્વપ્નાં પણ કદાચ સાચાં પડશે … જય વિજયાદશમી !

 

 .

નિદાન : ફિલિપ કલાર્ક

Friday, August 15th, 2008

 

 

ગઈકાલે

લોકશાહીના

પેટમાં

સખત

દુખાવો ઊપડ્યો.

ડૉકટરે

તપાસીને કહ્યું :

‘પેટમાં’

સત્તાની ગાંઠ છે.

-  ફિલિપ કલાર્ક

 

Diagnosis

Yesterday

a terrible ache began

in democracy’s belly.

After examination

the doctor diagonosed :

” The stomach

has a tumour

of power.”

Translator : Pradip Khandwala

 

આજે પંદરમી ઑગષ્ટ – ભારતનો સ્વાતંત્ર્યદિન

આપણી આઝાદી એટલે કે આપણી લોકશાહીને આજે ૬૧ વર્ષ પૂરા થયાં .  અને આ ઉંમર એવી કે બિમારી તો આવે ચાલો તો જોઈએ ફિલિપ કલાર્ક આપણી આઝાદીનું ‘નિદાન’ શું કરે છે ?!!

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME