સતત : ભગવતીકુમાર શર્મા
Tuesday, August 25th, 2009
‘કોઈ નથી’ની ભીડમાં ઠેલાઉં છું સતત;
પથ્થરની શૂન્યતામાં હું ફેલાઉં છું સતત.
તેજીલો અશ્વ થાકથી રસ્તે ઢળી પડ્યો;
કોરી ગતિના મુખમાં ફિણોટાઉં છું સતત.
ભૂલું પડ્યું છે પંખી સમયની ભૂરાશમાં;
એનાં ખરેલ પિચ્છમાં ચકરાઉં છું સતત.
જન્માન્તરોની બારીઓ ખુલ્લી રહી ગઈ;
‘ક્યારેક’ની ઝડીમાં હું ભીંજાઉં છું સતત.
કોને ખબર કે ક્યારે હું વરસીશ ધોધમાર ?
પ્રાગૈતિહાસિક કાળથી તોળાઉં છું સતત.
ટહુકો ભલે આ નીડ ત્યજી ઓગળી ગયો;
ટુકડો બનીને નભનો હિલોળાઉં છું સતત.
પીડાયો છું હંમેશા હું મારા અભાવથી;
સાંનિધ્યમાં તમારા હું ફણગાઉં છું સતત.
- ભગવતીકુમાર શર્મા
આજે મોરારિબાપુએ ભગવતીદાદાને ‘ નરસિંહ મહેતા ઍવોર્ડ’ આપવાની ઘોષણા કરી છે. ભગવતીદાદાને વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….તો આજે તેમની બે રચનાઓ માણીશું. કારણકે, તેમાં વરસાદની વાત …છે એટલે… ના, મને ગમતીલું ગીત છે એટલે.
.

