Posts Tagged ‘harsh brahmbhatt’

આભ મૂંગું થઈ ગયું : હર્ષ બ્રહ્મભટ્ટ

Friday, October 23rd, 2009

 

zaad

 

પાન છેલ્લું લો ખર્યું,
ઝાડ મૂંગું થઈ ગયું. 

એક જ્યાં ઇંડું દડ્યું,
ઝાડ મૂંગું થઈ ગયું.

પંખી આ ઊડી ગયું,
ઝાડ મૂંગું થઈ ગયું. 

ખચ્ કુહાડી ડાળ પર-
ઝાડ મૂંગું થઈ ગયું.

ઝાડ આખું ક્યાં ગયું ?
આભ મૂંગું થઈ ગયું.

- હર્ષ બ્રહ્મભટ્ટ

 

મૂંગાં ઝાડને હિતેન આનંદપરા પૂછે છે, એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?   પણ દડેલાં ઈંડાને જોઈને કે સાંજ પડ્યે પણ પંખીને પાછું ના આવેલું જોઈને,  સાવ માણસ જેવું ઝાડ મૂંગું જ રહ્યું ?!  અરે… ત્યાં સુધી કે ખચ્ દઈને કુહાડી ડાળ પર પડી તો પણ ….. અને તે જોઈને તો આભ પણ મૂંગું થઈ ગયું.

 

 

મિત્રો : હષૅ બ્રહ્મભટ્ટ

Sunday, August 2nd, 2009

 

friend

 

છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો,
આંખ છે સ્નેહથી સજળ મિત્રો.

એમ ધબકે છે ધરતીનો કણકણ,
દિલ સમું લાગતું આ સ્થળ મિત્રો.

ચોતરફ હષૅનો ગુલાલ ઊડે,
જીવવું થૈ ગયું સફળ મિત્રો.

એમ પગલાં પડ્યાં છે આંગણમાં,
ચોતરફ ઊઘડ્યાં કમળ મિત્રો.

સ્વર્ગ ઊતર્યું છે આજ ધરતી પર,
આભ જોતું ચકળવકળ મિત્રો.

હોય સદ્.ભાગ્ય હષૅ તો જ મળે,
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.

- હષૅ બ્રહ્મભટ્ટ

 

“ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે;
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.”

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’       તો કહે છે, એક સરસ મિત્ર હોય તો પૂરતું છે.  પણ આજે Friendship Day નાં દિવસે, વૅબમહેફિલને એક વર્ષ પૂરું થાય તે પહેલાં ૭૦૦ મિત્રોના ids એકાઉન્ટમાં જોઈ ખરે જ આનંદ થાય છે.    આપ સૌ કવિમિત્રો અને વાંચકમિત્રો પ્રત્યે મારી નીતરતી લાગણીઓને – હષૅ બ્રહ્મભટ્ટનાં શબ્દોમાં જ વર્ણવી મિત્રદિનની શુભેચ્છા પાઠવું છું. 

 

 

.

આવને ! : હર્ષ બ્રહ્મભટ્ટ

Friday, July 31st, 2009

 

પાંખ ફૂટી આભને,
સંગ ઊડવા આવને !

હું મનોમન હરપળે,
હોઉં છું તારી કને.

કેદ મારું આયખું,
એક તારી ધડકને.

ચોતરફ બસ મ્હેંક છે,
કોણ ખીલ્યું વનવને ?

મોરલો ટહુકા કરે,
આભ આખું થનગને.

એક પળ એવી મળે,
વિસ્તરે ને યુગ બને.

- હર્ષ બ્રહ્મભટ્ટ

 

કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ … ! 

 

 

.

લે લખ ગઝલ : હર્ષ બ્રહ્મભટ્ટ

Sunday, July 12th, 2009

 

વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ !
ને ધરા વળ ખાય છે, લે લખ ગઝલ !

કો’ બપૈયો ગાય એના ગીતમાં,
કાળજું ચીરાય છે, લે લખ ગઝલ !

તું ભલે કોરો રહે, તરસ્યો રહે,
કો’ક તો ભીંજાય છે, લે લખ ગઝલ !

શબ્દ સૌ ચાલ્યા ગયા છોડી તને,
મૌન ગોરંભાય છે, લે લખ ગઝલ !

ઊડતા પંખીને વાગે તીર તો -
આભ ખુદ વીંધાય છે, લે લખ ગઝલ !

વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ !
શૂન્ય ગોરંભાય છે, લે લખ ગઝલ !

- હર્ષ બ્રહ્મભટ્ટ

 

ઘેરાતાં વાદળોમાં ભીંજાતાં શબ્દોથી કેમેય રહેવાતું નથી અને કવિને ઈજન આપી જ દે છે, લે લખ ગઝલ……. !!  આમ તો, વરસાદ પર માત્ર પ્રેમીઓનો ઈજારો – પણ ના, શૂન્ય પણ ગોરંભાય છે અને પ્રકૃતિમાં કણ-કણ વ્યાપ્ત પરમ તત્ત્વમાં સમાવવા તત્પર બને છે.

 

 

.

સાર શું ? : હર્ષ બ્રહ્મભટ્ટ

Thursday, July 2nd, 2009

 

આર શું ને પાર શું ?
જિંદગીનો સાર શું ?

શૂન્ય છે જ્યાં લાગણી,
લોહીનો આધાર શું ?

કૃષ્ણ અવતરવા મથે,
કિન્તુ લે અવતાર શું ?

સંધિ વિણ આરો નથી,
ત્યાં વળી તકરાર શું ?

ભાર જેવી જિંદગી,
શ્વાસનો ત્યાં ભાર શું ?

હોય પગમાં બેડીઓ,
રાખવી તલવાર શું ?

ન્યૂઝ મૅકર હું જ છું,
મારે વળી અખબાર શું ?

જો ઉપર બ્રહ્માંડમાં,
તેજ શું, અંધાર શું ?

જોડતો ને તોડતો,
એવો સર્જનહાર શું ?

છળકપટનું આ જગત,
પ્રેમ શું ને પ્યાર શું ?

- હર્ષ બ્રહ્મભટ્ટ

 

‘ એકલતાની ભીડ ‘ માં રહી ‘ અંદરની દીવાદાંડી ‘ ને પ્રજ્વલિત કરતાં કરતાં હર્ષ અંકલ  ‘ મૌનની મહેફિલ ‘ સજાવે છે અને ત્યારે વૅબમહેફિલ પણ તેમના મૌનની મહેફિલમાં શરીક થઈ તેમની ગઝલનો જાદુ તમારી સાથે વહેંચવાનો મોકો કેમ ચૂકે ?!! 

જિંદગીના સારને પામવાની મથામણમાં, જિંદગી પોતે જ એક પ્રશ્નાર્થ ચિહ્ન બની જતી હોય છે.  જગતમાં લાગણીઓ શૂન્ય બની છળકપટ આચરતી હોય ત્યારે લોહીનો આધાર શું ? – એવાં વેધક પ્રશ્નનો પ્રત્યુત્તર ‘તકરાર’ વિનાની ( જાત સાથે પણ નહીં ) સંધિમાં કવિ આપે છે.  જો કે પગમાં બેડીઓ ને હાથમાં તલવાર જેવી વાત ….  પણ તો પણ જિંદગીના ભાર કરતાં શ્વાસનો ભાર ઓછો જ રહેવાનો….. !!

 

 

.

એક નેતાને : હર્ષ બ્રહ્મભટ્ટ

Wednesday, April 29th, 2009

એક નેતાને,

સૂવાડ્યા ચંદનની ચિતા પર,

ખાસ્સું ઘી રેડ્યું.

પછી અગ્નિદાહ દીધો,

પણ ચિતાને અગ્નિ સ્પર્શે જ નહિં.

બધાં જ પ્રયત્નો નિષ્ફળ.

છેવટે એક કવિએ બતાવેલાં ઉપાય મુજબ -

એ નેતાની ખુરશીનાં પાયા તોડીને,

ચિતામાં લાકડા ભેગાં ગોઠવ્યાં,

કે તરત -

પ્રગટી ઊઠી ચિતા

ફડ, ફડ, ફડ……

- હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષભાઈએ ટૂંકમાં સીધેસીધું જ સમજાવી દીધું છે, આજે મારે તો કંઈ નથી કહેવું…
સું કિયો છો તમે ?!!

.

  • Page 1 of 2
  • 1
  • 2
  • >
This text will be replaced by the flash music player.
Powered By Indic IME