Posts Tagged ‘hiten anandpara’

આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા

Tuesday, June 1st, 2010

 

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

- હિતેન આનંદપરા

 

સમી સાંજે દરિયા કિનારે, પ્રકૃતિનો ખોળો ખૂંદવાને બદલે,  આજનો માણસ પીઠ ફેરવી ગાડીઓ ગણ્યા કરે છે.   લક્ષ્મી ગણીને થાકતો નથી તો લાગણીઓ ગણવાનું શરુ કરી દે છે.  હિતેનભાઇ કહે છે એમ,  આજના માણસમાં  આખો ને આખો શકુનિ ઝરે છે, ખબર નહીં તે ક્યારે ‘ ખરે’  ?!!

 

.

આખી જિંદગીનો મર્મ : હિતેન આનંદપરા

Monday, July 27th, 2009

 

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

- હિતેન આનંદપરા

 

કોઈ પણ તર્ક વિના જિંદગીનો મર્મ પ્રેમ જ સમજનાર હિતેન આનંદપરાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ… !!

 

 

.

વરસાદમાં : હિતેન આનંદપરા

Sunday, July 19th, 2009

 

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની કળા જોયા કરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

- હિતેન આનંદપરા

 

 સાવ શુષ્ક થઈને જીવતો, આપણી અંદરનો માણસ પણ વરસાદમાં ભીંજાઈને ખળભળે અને ત્યારે કામ પર જવાનું મન ના થાય તે તો સ્વાભાવિક છે પણ કામ પર નહીં જવાનું કોને પોસાય ?  પણ મોરની ‘કળા’ જોવા ફરી ક્યારે મળે – તો આજે રવિવારની રજામાં તો આવું પરવડવું જ જોઈએ.

 

 

.

સહેલું નથી : હિતેન આનંદપરા

Tuesday, May 12th, 2009

 

જર્જરિત યાદોનું પાનું ફાડવું સહેલું નથી, 
આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.

મન ભલેને કે’ હિમાલય જઈને તું કર સાધના,
પણ સ્વજનને છેતરીને ભાગવું સહેલું નથી.

તું હસે છે કેમ મારી આ ઉદાસી પર જગત,
છત તરફ જોયા કરીને જાગવું સહેલું નથી.

અંશ પોતાનો વિખૂટો થાય છે ને જે ઘડી,
દાબમાં રાખેલ ડૂસકું ખાળવું સહેલું નથી.

આયનાનો ધર્મ છે જે હોય એને ઝીલવું,
ને તિરાડોમાં સ્વગત સંભાળવું સહેલું નથી.

પ્રેમ આકર્ષણથી ઉપરવટ બને તો વાત કર,
એક જણ માટે બધુંયે ત્યાગવું સહેલું નથી.

સારું છે કે બે ઘડીમાં તુર્ત ચાલ્યું જાય છે,
આમ પણ મુફલિસપણું સંભાળવું સહેલું નથી.

- હિતેન આનંદપરા

 

ઘણી રચના કે બે-ચાર  શે’ર કે પંક્તિ માત્ર, ગીતા-ઉપનિષદ બની આપણા માંહ્યલાને જગાડી દે તેવી સક્ષમ હોય છે.  પણ આપણું મુફલિસપણું જેવું ઊતરે કે – “આપણું હોવાપણું- ઓગાળવું સહેલું નથી” નું ભાન/જ્ઞાન સાધે છે. અને વાસ્તવિકતાની આ જ ક્ષણોને હિતેનભાઈએ  શબ્દોમાં કંડારી છે.  કદાચ સહેલું ને સરળ લાગે તો પણ – હિમાલય જઈને કરેલી સાધના સ્વજનને છેતરીને ભાગવાનું પાપ ક્યારેય ધોઈ શકશે ?!!

 

 

.

ઝાડ તને મારા સોગંદ : હિતેન આનંદપરા

Thursday, April 2nd, 2009

tree2

 ( સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?!! )

 

ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?

વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !

આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?

ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ.

સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !

- હિતેન આનંદપરા

 

કવિની સંવેદના કેટલી નાજુક હોઇ શકે તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ.  મોટામસ ખડક તોડીનેય ઘાસનું એક તણખલું ઉગી આવે એમ ઝાડમય બની આપણને પણ ઝાડને પાંખો આવી જાય એવી લાગણી ઉગી આવે.   આકાશને સ્પર્શવા મથતો હોય તેમ ઊંચે ને ઊંચે ઉગતું જાય ને તોય આકાશથી છેટું ને છેટું ?!! પંખીનો ટહુકો સાંભળી રોજ સવારે કૂંપળ ફૂટેને જો એ પંખી આથમણે પાછું ના વળે તો પાંદડાંને ડૂમો ના ફૂટે ?!! તો સાવ-માણસ જેવો સંબંધ કે છાંયે બેઠેલો માણસ ગમે કે ગાય એમ પ્રશ્ન પૂછીને જ કવિ ઉત્તર આપી દે છે,   સમજી ગયાંને ?!!

 

 

.

વાસંતી વધામણાં : ગઝલ : હિતેન આનંદપરા

Saturday, January 24th, 2009

 

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબ્હારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે.

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

- હિતેન આનંદપરા

 

વાસંતી વધામણાંમાં પહેલી રચનામાં વસંત કાનમાં આવીને પૂછી ગયેલી ‘ આવું ?’  ને આજે છેલ્લી રચના – દરેક મનુષ્યના જીવનમાં આવી જ વસંત પાંગરે તો …!!  પાનખરમાં વિખેરેલી અતૃપ્ત ઝંખનાઓનો તંત પણ વસંતમાં મળે ને બધીય અટકળોનો અંત આવે …. કેટલી અદ્.ભૂત વાત !! ને મહેકની ગલીઓ પણ અનંત પમાય તો કેવું ? હિતેનભાઈ પુષ્પોની આગેકૂચ કરાવી નશીલી સાંજને જ્વલંત વિજય અપાવે છે. તો નગરનાં કોલાહલો શું કોયલના ટહુકામાં ચૂપ થઈ જતાં આપણે નથી અનુભવ્યાં ? યાદ કરો….. પેલી સાંજે કોયલનો ટહુકો સાંભળી  આપણે ટીવી ચાલુ રાખીને કે ટ્રાફિકની ચિચિયારીઓ વચ્ચે પણ તેની પાસે પહોંચી ગયેલાં કે નહીં ?!!  બસ આવી જ વસંત આપ સૌનાં જીવનમાં પાંગરે તેવાં વાસંતી વધામણાં….. !!

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME