Posts Tagged ‘jawahar baxi’

ગીત-ગઝલ : જવાહર બક્ષી

Monday, September 21st, 2009

 

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ. 

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ. 

- જવાહર બક્ષી

 

મિત્રો, નવલી નવરાત્રિમાં આજે માણીશું એક ગીત-ગઝલ. જેમાં રદીફ – રે લોલ છે જેથી ગઝલ પણ ગીતની જેમ જ ગૂંજે છે.   કલ્પન પણ કેવાં મજાનાં છે !!  કોઈની યાદ આવતાં આખુંયે આકાશ આંખમાં ટોળે વળે છે તો દીધેલાં કોલ વટવૃક્ષ બની ગયાં …. વિરહકાળ કેટલો લાં …બો ? અને  તેની યાદોની સફરમાં બે-ચાર પગલાં ચાલ્યાં ત્યાં તો એકલતા રસ્તો બની સામે મળે છે. આ ભીનાં ઉજાગરે પણ દિલ તો જાણે અડધો કૂવો….  હજુયે આંસુ કેમેય કરી ખૂટતાં નથી. બસ, યાદોની હૂંફ અને સહારો…  અને તે પણ કાલે તો બરફનો સૂરજ હોય એમ થીજી જશે !!   જોકે, એ કાલ જલ્દી આવતી પણ નથી અને આવે તો ગમે ? આ મીઠો અજંપો પણ વ્હાલો લાગે કારણ યાદ રુપે પણ પ્રિયજન પાસે તો હોય ને  !!

 

 

.

પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી

Thursday, February 19th, 2009

 

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

- જવાહર બક્ષી

 

મિત્રો, પ્રણયોત્સવ તો આપણે સૌ ઉજવી રહ્યાં જ છીએ પણ આજે એક નવો રંગ …… લાલ ગુલાબ આપી તો દીધું પણ જો સામેથી રીજેક્ટ થાય તો ?  જવાહર અંકલે કહ્યું એમ, ધાર્યા મુજબનાં સંબંધ ના પણ ઊગે ?!!  આજે તેમનાં જન્મદિને ધાર્યા મુજબનું બધું જ ઈશ્વર તેમને આપે તેવી શુભેચ્છાઓ સાથે …… 

સંબંધનો સૂરજ, ભીના સ્મરણનાં શુકન કે તસતસતા મૌનને શબ્દો મળે અને જીવનમાં સતત નિષ્ક્રિયતા વચ્ચે પણ બે ઘડીની નિરાંત નહીં ?!! અદ્…ભૂત કલ્પનો સાથે મનભાવન ગઝલ …….!!

 

 

.

ગઝલ : જવાહર બક્ષી

Friday, January 16th, 2009

 

બહાનાં કદાચ જોઈ શકાશે ઉજાસમાં
કારણ તો કાંઈ મળશે નહી ગર્ભવાસમાં

કોઇ સુવાસ લાવો ઉતારી દો શ્વાસમાં
ડંખી ગયું છે કોઈ પરિચિત સુવાસમાં

બસ આટલો જ તારા ન હોવાનો ફર્ક છે
હું એકલો જ જાઉં છું એકાંતવાસમાં

ઘરમાં ય નીંગળું તો છું પણ આટલો નહીં
શું થાય છે આ તારા સ્મરણને પ્રવાસમાં ?

હું તારી ગેરહાજરી જેવો સફેદ છું
સારું થયું કે હું નથી રહેતો ઉજાસમાં

એકાંત મારા શ્વાસમાં ઊગી શક્યું નહીં
લાગ્યા કરી છે કોઈ નજર આસપાસમાં

તારી પછેડી ઓઢીને ચોરી ગયો ગઝલ
છટક્યો છું છંદમાંથી ન પકડાયો પ્રાસમાં

- જવાહર બક્ષી

પ્રિયજનની ગેરહાજરી કવિને કેવી ડંખી છે કે બોલી ઊઠે છે, તારા ન હોવાથી મારે એકાંતવાસમાં એકલાં જવું પડે છે ?!!  તો તારી ગેરહાજરી જેવો સફેદ છું …… !!

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME