Posts Tagged ‘kaavya’

વચ્ચે હું ઊભો : કિશોર મોદી

Friday, March 6th, 2009

 

રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો,
દ્દશ્ય, ઇચ્છા, કોલ વચ્ચે હું ઊભો.
 
રોજ ઊઠીને પીછો મારો કર્યો,
તૂર, ત્રાંસાં, ઢોલ, વચ્ચે હું ઊભો.
 
મૌનથી દીવાલ ચીતરવી પડી,
હોઠ, મરમર, બોલ વચ્ચે હું ઊભો.
 
ખાલીપો માણસ સમો કોઇ નથી,
સ્ટેજ, પાત્રો, રોલ વચ્ચે હું ઊભો.
 
સાંજની લીલપમાં ટહુકી જાવું છે,
વાડ, ખેતર, મોલ વચ્ચે હું ઊભો.
 
લયવિલયની લ્યો કવિતા ગાવી છે,
સ્વર, હલક ને લોલ વચ્ચે હું ઊભો.
 
- કિશોર મોદી

 

રોજબરોજની જિંદગીમાં ત્રિભેટે આવીને – ક્યાં જવું ? ની મથામણમાં જિંદગી વીતાવી દેતાં હોઈએ છે . કિશોરભાઈ ત્રિશબ્દે આપણને એક મુકામે એકઠાં કરે છે અને મીઠી મૂંઝવણમાં મૂકી સ્વર, હલક ને લોલ ની વચ્ચે મૂકી આ ગીત ગાવા મજબૂર કરી દે છે. ‘આનંદ’ પિક્ચરનો ડાયલૉગ યાદ અવી જાય, ને સ્ટેજ અને રોલ વચ્ચે માણસનો ખાલીપો સ્ટેજ પર આવી ઑડિયન્સની દાદ મેળવી જાય  તેવી જ દાદ આ ગઝલ પણ મેળવી જાય. વાડ,ખેતર અને મોલ વચ્ચે ઊભા રહી કોણ સાંજની લીલપમાં ટહુક્યા વિના રહી શકે ? તો ગઝલમાં પણ ‘લોલ’ શબ્દની ગેયતા ગીત જેટલી જ સુમધુર બની રહી છે.

શબ્દાર્થ :  તૂર -  તૂર્ય એક વાજિંત્ર (રણશિંગુ, શરણાઈ)

 

 

.

લા-પરવા ! : મકરન્દ દવે

Tuesday, March 3rd, 2009

 

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.

આવે ને જાય એના વેઠવાં શા બોજા !
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.

વાહ ભાખે કોઇ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઇ ભૂંડી મોઢે મેશ ઢાળી.

રામ મારો રૂદે હસે રંગ નહીં દૂજા,
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?

દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી.

ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ અને આવો તમે રોજા.

- મકરન્દ દવે

સાંઈકવિ મકરન્દ દવેની આ ભક્તિલક્ષણા રચના જિંદગી કે સંસાર પ્રત્યેની તેમની લા-પરવા કે બેફિકરાઈ દર્શાવે છે, અને જ્યારે સર્વસ્વ ઈશ્વરાધીન હોય તો ફકીરને ફિકર શેની ?? જિંદગીનાં મોજાંની આજ તો રવાની – કોક દિન ઈદ અને કોક દિન રોજા……. !!  પ્રારંભિક પંક્તિઓને ફકિરાઈ મસ્તીમાં કવિ અંતમાં ફેરબદલ કરી, ગીતામાં વર્ણવેલ સ્થિતપ્રજ્ઞ અવસ્થાનો બોધ નથી આપી જતાં ?!!

 

 

.

થોભ્યાનો થાક : સુરેશ દલાલ

Tuesday, February 10th, 2009

 

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય,
હવે પંથ મારો ચાલે તો ચાલુ :

પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર,
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું ;

વેદનાનું નામ ક્યાંય હોય નહિં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;

જંપ નહિં જીવનએ આ એનો અજંપો,
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મને,
થીજેલાં બિંદુઓ જો ખાળું !

સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક;

આઘે જવાના કોઇ ઓરતા નહિં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.

આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સ્મિતને સંભાળું ?

- સુરેશ દલાલ

મનઃસ્થિતિને શબ્દોમાં રજૂ કરવી ઘણી મુશ્કેલ છે. પણ સુરેશદાદા મનને ઉકેલીને શબ્દોમાં રજૂ કરે છે ને મન પણ કેવું અજીબોગરીબ જિંદગી જેવું જ ……. ?!!  જિંદગીથી નિરાશ આપણું મન આપણને જંપવા નથી દેતું ને ત્યારે આવી જ કઈક સ્થિતિ આપણી હોય છે . જો કે આપણને હોઠને હસતાં રાખતાં આવડી ગયું છે હવે તો બસ જરૂર છે મન મનાવવાની.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME