Posts Tagged ‘kavita’

એક બનાવટ છે : રશીદ મીર

Friday, June 18th, 2010

કોરો કોરો છે ને લખાવટ છે,
પત્ર પોતે જ એક બનાવટ છે.

સૂનાં છે દૂર સુધી રસ્તાઓ,
મારી આંખોમાં યે થકાવટ છે.

બારીને ધીમો સાદ આપે છે,
કેવા રસ્તાઓ પણ નપાવટ છે.

કૈં નથી ને બધું જ છે એમાં,
ખાલી ખાલી છે ને સજાવટ છે.

પહેરણ તારતાર થઈ ચાલ્યું,
આપ કહો છો કે એ રખાવટ છે.

જોઈ લઈશું અમે ગમે ત્યારે,
જોઈ લેવાની અમને ફાવટ છે.

અંતે અવધૂત ‘મીર’ થઈ બેઠાં,
એક પલાંઠીની બસ જમાવટ છે.

- રશીદ મીર

ગઝલિયતથી ભરપૂર એક ગઝલ, જેનો એક-એક શેર એક ગઝલ બરાબર છે.  એને પ્રસ્તાવનાની કોઇ જરુર છે ખરી ?!!

.

આપણે : પન્ના નાયક

Thursday, June 10th, 2010

 

આપણે

આટલાં નજીક

છતાં ય

જિંદગીભર

એકબીજાને જોયા કર્યાં છે એ રીતે

જાણે

હું સ્ટેશન પર

ને

તું

પસાર થતી ટ્રેનનો મુસાફર.

- પન્ના નાયક

 

ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં.  તેવી જ રીતે, એક જ છત નીચે, એક  ’માણસ’  બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?

 

.

ઝાંઝવામાં પથ મળે : તથાગત પટેલ

Wednesday, June 9th, 2010

 

ઝાંઝવાં તો ઝાંઝવામાં પથ મળે,
કોઈ સાધન કે ન કોઈ રથ મળે.

એક મુઠ્ઠી આભ ને ચપટી ધરા,
એ પછી જે મળે તે લથબથ મળે.

કોઈની પાછળ જવું ગમતું નથી,
આવતા રસ્તા બધાં અણકથ મળે.

જિંદગીના ભેદમાં શું છે નવું ?
ક્યાંક ઇતિ કે ક્યાંક પ્‍હેલાં અથ મળે.

કોણ પાળે છે વચન આજે હવે ?
ખ્યાલ છોડી દે ફરી દશરથ મળે.

- તથાગત પટેલ

 

મૃગજળની પાછળ દોડતાં મૃગલાઓની જેમ આપણે પણ કથિત સુખોની પાછળ દોટ મૂકીએ છીએ.  પરંતુ,  એક મુઠ્ઠી આભ એટલે કે ઇશ્વર પર થોડી શ્રદ્ધા અને ચપટી ધરા એટલે કે બે પગ ‘જમીન’ પર રાખી, બે હાથથી મહેનત કરીએ તો સઘળુંયે લથબથ મળવાનું જ છે.  કોઇનાં સાથની અપેક્ષા રાખ્યા વિના અને કોઇને અનુસરવામાં નાનમ અનુભવ્યા સિવાય જિંદગીનો ભેદ પામવો તે જ અથ થી ઇતિ એટલે કે જીવન !

 

.

માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે

Tuesday, June 8th, 2010

 

પતંગિયાંની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચંદ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

- કૃષ્ણ દવે 

 

એક માણસની હેસિયત કેટલી ?  બ..સ  ’પોતાનું’  આકાશ બતાવવાની  જ ને ?!!   આમ તો,  માણસને માપવો શક્ય નથી, પણ કૃષ્ણભાઇ આ ગઝલમાં ફૂટપટ્ટી લઈ માણસને  માપી શક્યાં છે, એમ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. 

 

.

ચાલ ઝાડની ખબર કાઢવા : મૂકેશ જોષી

Sunday, June 6th, 2010

 

vruksha 

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા,
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી,
એ પંખીની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં,
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

ઝાડ કુહાડી લાયક હો, તો માણસ શેને લાયક ?
તરણાંઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.

- મૂકેશ જોષી

 

જો ગઇકાલે એક વૃક્ષ રોપી ના શક્યાં હોઇએ તો આજે કમ સે કમ ઝાડની ખબર કાઢવા તો જઇ જ શકીએ !!  પાનખરમાં સૂકાયેલાં ઝાડને તો પંખીઓએ હિંમત આપી, પણ આ ભરવસંતે,  તૂટેલી ડાળીઓનો વિયોગ વૃક્ષ કેમ સહન કરી શકે ?  અને તેનું દર્દ જોઇ, પંખીઓની હિંમત પણ તૂટી જ જતી હશેને ?   તો અંતિમ શેર માટે તો ….  છે કોઇ ઉત્તર ???    ( શબ્દ સૌજન્ય : ટહુકો.કોમ )

 

 

.

શબ્દો જ માળા : સંદીપ ભાટિયા

Friday, June 4th, 2010

 

શબ્દો જ મંતર, શબ્દો જ માળા,
ભગવા ધરી કાફિયા થ્યા રુપાળા.

તને પત્રમાં મોકલું રોજ વર્ષા,
ભલે રોજનીશીને પાને ઉનાળા.

ફરસ પર જડી, આભનો એક ટુકડો,
પસવારી લઉં એને બેચાર દહાડા.

હજી લાગણીનું છે ઘર બાંધવાનું,
એ પહેલાં ખરીદો કાં કૂંચી ને તાળાં ?

નથી કાંઈ ત્રીજું કવિતાના દેશે,
રહો બસ ખુશીથી ભરો કાં ઉચાળા.

- સંદીપ ભાટિયા

 

કવિતાનાં દેશમાં વાત ભલે દર્દની હોય અંતે તો –  વાત ખુશી આપનારી હોય છે.  જોકે,  આભનાં એક ટુકડાને ફરસ પર જડીને પસવારીએ તેટલી જ ખુશી…  પણ  ભર ઉનાળે વર્ષા કોને ન ગમે ?!! 

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME