Posts Tagged ‘kavita’

વરસાદમાં : ‘આદિલ’ મન્સૂરી

Sunday, July 19th, 2009

 

varsad

 

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં,
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

- ‘આદિલ’ મન્સૂરી

 

આદિલસા’બની કલમથી શરુ થયેલ વરસાદમાં ગઝલ… અને આ જ રદ્દીફની અન્ય કવિઓની બાર ગઝલોનાં ધોધમાર વરસાદમાં ભીંજાઈશું આજે આખો દિવસ… !! બસ તો આજે વરસાદમાં કોઈ ભીંતો ના ચણતાં … અને પછી તો મક્તાના શેરમાં કહ્યું છે એમ, ” લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં, છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.”

 

 

.

વરસાદ પડે છે : મૂકેશ જોશી

Saturday, July 18th, 2009

 

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

- મૂકેશ જોશી

 

વરસતાં વરસાદની વાત ભજિયાં વિના તો અધૂરી જ ગણાયને .. ? જેમ કે, છત્રીમાં પેસીને ભીંજાતા બે જણ  ( વરસાદથી નહીં, જાલિમ જમાનાથી બચવા ) એમની વાત  મમ્મી પપ્પા માની જાય તો જ પૂરી ગણાય … !!   મૂકેશ જોશીનું એક હળવું  ગઝલનુમા ગીત.

 

 

.

તારે નહીં ! : હર્ષદ ત્રિવેદી

Friday, July 17th, 2009

 

કૈંક તો એવું કે ખુદમાંથી જ પરવારે નહીં,
હોઠ પર હૈયેથી આવે એ ય ઉચ્ચારે નહીં !

આ રીતે તો કોઇ માઝમ રાત શણગારે નહીં,
દીપ જલતો હોય તે પળવાર પણ ઠારે નહીં !

એમની તાસીર છે રાખે હ્રદયમાં તોરથી,
થાય ના શરણે ને ખુલ્લેઆમ પડકારે નહીં !

કહે ખરાં, તુજ નામની રટણા નથી અટકી છતાં -
વાર તહેવારે ય લઇને નામ સંભારે નહીં !

છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં !

- હર્ષદ ત્રિવેદી

 

વરસાદી ગીત-ગઝલોની ઝરમરમાં હર્ષદભાઈને તેમનાં જન્મદિને ભીની ભીની શુભેચ્છાઓ … !! 

 

 

.

લીલાછમ પાંદડાએ : મૂકેશ જોશી

Friday, July 17th, 2009

 

nadi

(  ડુંગરાઓ સ્નાન કરે જોઈને…  નદીઓ પણ દોડી ગઈ )

 

લીલાછમ પાંદડાએ મલકાતા મલકાતા માંડી એક અચરજની વાત,
ધરતીને સીમમાં જોઈ એકલી, એને બાઝી પડ્યો રે વરસાદ.

પહેલા ટપાલ જેમ આવેલા વાયરાએ ઘાસના કાનમા દીધી કઈ ફૂંક,
ધરતી તો સાંભળતા સાંભળે એ પહેલા કોયલના કંઠમાંથી નીકળી ગઈ કૂ..ક,
આઠ આઠ મહિને પણ ઓચિંતી આભને આવી ગઈ ધરતીની યાદ.

ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઈને, નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે,
એવામાં આભ જરી નીચે ઝૂક્યું અને ધરતીને ચૂમી લીધી એક શ્વાસે,
ધરતી ને તરણાંઓ ફૂટશેના વાવડથી આભલામાં જાગ્યો ઉન્માદ.

- મૂકેશ જોશી

 

લીલાછમ પાંદડાએ માંડેલી વરસાદની લીલી પંચા..ત  મૂકેશભાઈ જોશીની તરબતર  કલમે… !!   હવે કોયલની કૂ..ક સંભળાય તો સાનમાં સમજી જજો કે …. !! અને આવી જ મનગમતી રચનાઓ માણવાં  તેમનાં બ્લૉગની મુલાકાત જરુર લેશો.

 

 

વર્ષા : હર્ષદ ચંદારાણા

Thursday, July 16th, 2009

 

ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.

રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.

બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.

સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.

સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.

- હર્ષદ ચંદારાણા

 

સોનામ્હોર જેવો એક એક છાંટો, વરસી રહ્યો હોય ત્યારે મનને ગમે તે ગાઈ લેવાનું આ ટાણું ઉજવી લેવું જોઈએ.  વાદળ નામના કવિએ લખેલ ગાણું એટલેકે, વર્ષાનું  ઉખાણું ભીંજાયા વગર, કેમ ઉકેલશો ?!  

 

 

.

અજવાળાં ઝકોર ! : ભાનુપ્રસાદ પંડ્યા

Wednesday, July 15th, 2009

 

આવી અષાઢની એવી વાછટ, ગઈ ભીંજાવી ચૂંદડીની કોર,
એકાએક શ્રાવણની ધરતીની જેમ, હું તો લીલીછમ થૈ ચારેકોર !

ઉંબરમાં અકળાતી જાઉં, મને ખેંચે આ સીમતણી ભીની સુગંધ,
સૂસવતા વાયરામાં ઘરનાં કમાડ હવે, કેમે ના થાય હુંથી બંધ,
સ્હેજે સ્હેવાય નહીં આઘેરા ખેતરમાં ઝિંગોરા કરી રહ્યો મોર !
હું તો લીલીછમ થૈ ચારેકોર !

શેરીના ધસમસતા વ્હેણ ભેળી સરકીને, સીમાડે ખળખળતી ભાગું ?
નદિયુંનાં પૂર બધાં ઉભરાતાં અંગ અંગ ‘હું’ માં કાં ‘હું’ જ બૂડી લાગું;
બારણાં ઉઘાડી પાસ આવ્યો જ્યાં વાલમ ત્યાં અજવાળાં ઝળ્ ઝળ્ ઝકોર !
હું તો લીલીછમ થૈ ચારેકોર !

- ભાનુપ્રસાદ પંડ્યા

 

જો વરસાદનો સા…દ સંભળાતો હશે તો – અષાઢમાંય શ્રાવણની જેમ લીલાંછમ્મ થૈ જાઓ એવું ગીત… !! કવિ નીતરતી જાતને સાંગોપાંગ વાતમાં ઉતારી વધુ ભીંજવે છે, અને આપણને શેરીના ધસમસતા વ્હેણ સાથે સરકીને સીમમાં ભાગવાનું એક ભીનું ભીનું ઇજન આપે છે.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME