શું થશે ? : બરકત વિરાણી ‘બેફામ’
Thursday, June 3rd, 2010
આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે ?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે ?
આ ઝાંઝવાથી એક ગતિશીલતા તો છે,
મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસાનું શું થશે ?
ચમકે ન મારું ભાગ્ય ભલે કિંતુ ઓ ખુદા,
તારા ગગનનાં કોઇ સિતારાનું શું થશે ?
આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
નહિં આવશું અમે તો મદિરાનું શું થશે ?
‘બેફામ’ એટલે તો નિરાંતે ઊંઘી જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે ?
- બરકત વિરાણી ‘બેફામ’
વિરહની વેદનાને વાચા આપતી ઉત્તમોત્તમ ગઝલો કવિઓએ આપી છે. પ્રિયજનના વિયોગમાં, દિલમાં કંડારેલી મિલનની એ મધુરી ક્ષણો કેમેય ભૂલાતી નથી…… અને તે યાદો ક્ષણમાત્ર પણ પ્રિયજનથી દૂર થવા દેતી નથી. પણ, અચાનક જ તેના આગમનની એંધાણી માત્રથી એ મધુરી ક્ષણોથી વિખૂટું થઇ જવું પડે છે. માત્ર પ્રિયજન જ કેમ, મંઝિલ ન મળે ત્યાં સુધી જ તેને પામવાની ઉત્સુકતા આપણાં જીવનનું લક્ષ્ય બની રહે છે. પણ મંઝિલ મળી ગયાં પછી શું ?!! ( સાભાર : તાહા મન્સૂરી )
.
