Posts Tagged ‘kavya’

ગુજરાતી : ઉમાશંકર જોશી

Sunday, February 21st, 2010

 

મળી સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી;

કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીરા.

પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનાલાલે કલ્પના ભવ્ય તેજે;

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

- ઉમાશંકર જોશી

 

સવાયા ગુજરાતી ફાધર વાલેસ કહે છે, ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો.”   અને જ્યારે તેઓ અંગ્રેજીનાં મૂળ રહેલાં છે તેવી ગ્રીક અને લેટિન ભાષાનાં પણ અભ્યાસુ છે ત્યારે તેમનું આ વિધાન ખૂબ જ ગૌરવપ્રદ છે. તેઓએ વ્યાકરણની સરળતાની નહિં, પણ આપણી ગુજરાતીપણાંની સરળતાની વાત કરી છે.   ( તેમણે તેમનાં અંતિમ ગુજરાતી પુસ્તક શબ્દલોકમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે. )

આજે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે, આપણી સરળ અને સહજ માતૃભાષા અને તેને સમૃદ્ધ કરનાર સૌ સાહિત્યકારોને શતશત વંદન સહ.   કોઈ પણ ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે અને સાંપ્રત કાળમાં જ્યારે  ભાષાવાદનો વિવાદ તેનાં મૂળ પ્રસારી રહ્યો છે ત્યારે, વિશ્વની દરેક ભાષાને ગુજરાતી જેટલી જ સન્માનીય ગણી આજનાં દિને આદર વ્યકત કરું છું.    ગુણવંતભાઈ કહે છે એમ, માતાનાં ધાવણ પછીનાં ક્રમે માતૃભાષા આવે છે.  અને કોઈની પણ ‘મા’ -  માતૃહ્રદય જ ધરાવતી હોય.  આપણી  ‘ગુજરાતી’ ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે, જો અન્ય ભાષાની ગરિમા જાળવીશું તો આપણી ગરિમા તો જળવાશે જ.  બ…સ જરુર છે, માતૃભાષા પ્રત્યે પ્રેમની.

 

 

.

હરિ ! આવો ને : ન્હાનાલાલ

Saturday, January 23rd, 2010

 

vasant3

આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ, હવે તો હરિ ! આવો ને.

આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય, હવે તો હરિ ! આવો ને.

આ ચંદરવો કરે ચાન્દની, હરિ ! આવો ને;
વેર્યાં તારલિયાના ફૂલ, હવે તો હરિ ! આવો ને.

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ, હવે તો હરિ ! આવો ને.

આ જળમાં ઊઘડે પોયણાં, હરિ ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ, હવે તો હરિ ! આવો ને.

આ માથે મયંકનો મણિ તપે, હરિ ! આવો ને;
એવા આવો જીવનમણિ ભાવ ! હવે તો હરિ! આવો ને.

આ ચાન્દની ભરી છે તલાવડી, હરિ ! આવો ને;
ફૂલડિયે બાંધી છે પાંજ, હવે તો હરિ ! આવો ને.

આ આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને;
મનમહેરામણ, મહારાજ ! હવે તો હરિ ! આવો ને.

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ, હવે તો હરિ! આવો ને.

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ, હવે તો હરિ ! આવો ને.

- ન્હાનાલાલ કવિ

(ઊર્મિસાગર.કૉમ) 

કો’  સદ્યસ્નાતાના કેશકલાપમાંથી નીતરતાં જળમાં ભીંજાય જવાય એમ જ કવિની કલમે નવપલ્લવિત પ્રકૃતિનાં શૃંગાર રસમાં ભીંજાય જવાય છે.  પ્રકૃતિનાં સૌંદર્યમાં જ ઈશ્વરીય અંશ હોવા છતાં, કવિનો માંહ્યલો પરમ તત્ત્વને પામવાની ઉત્કટ અભિલાષા ધરાવે છે. અને હરિને પણ વસંતના વૈભવને માણવાનું આમંત્રણ આપી બેસે છે. 

 

 

.

મર્દ તેહનું નામ : નર્મદ

Monday, August 24th, 2009

 

મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.

મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.

મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.

મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.

મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.

મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.

- નર્મદ

 

વીર નર્મદનું બિરુદ પામેલ કવિ નર્મદ આ સુંદર લયબદ્ધ કાવ્યમાં શૌર્યરસનું પાન કરાવે છે.  તો અંતિમ પંક્તિઓમાં શ્રમ કરીને, કમાવવું જ  યોગ્ય છે, તેમ પણ જણાવે છે.

 

શબ્દાર્થ :  સમો - વખત, રિપુ – દુશ્મન, તોખાર – ઘોડો,  પણ (પ્રણ) - નિશ્ચય .

 

.

દૂધમાં સાકર : ઉમાશંકર જોશી

Wednesday, August 19th, 2009

 

pateti

( નવરોઝ મુબારક )

સૌ પારસી પૂજક અગ્નિના જે,
ઈરાન છોડે, નિજ ધર્મ કાજે;

સમુદ્ર ખેડી, ગુજરાત આંગણે,
સંજાણ આવી, નિજ ભૂમિ આ ગણે.

સંજાણનો જેહ સુજાણ રાણો,
તેની કને દૂત વદંત શાણો;

છીએ વિદેશી, વસવાટ આપો,
ધર્મી જનોનું, નૃપ દુઃખ કાપો !

રાણો વિચારે તસુ ભોંય છે ના,
વસી નવી કો વસતી શકે ના.

કહ્યું દઈ દૂધ-ભરેલ પ્યાલો,
કહેજે ગુરુને અમ ભેટ આ લો !

દૂતે જઈ પાત્ર દીધું છલોછલ,
જોઈ વિમાસે ગુરુ શાંત નિશ્ચલ.

ઘડી પછી સાકર થોડી લીધી,
ભરી ભરી મૂઠી, ઉમેરી દીધી.

ને પાત્ર એ દૂધનું દૂત સાથે,
પ્હોંચાડ્યું પાછું તહીં ભૂપ-હાથે.

જોયું નૃપે બિંદુ તૃણેથી ચાખી :
રે દૂધમાં સાકર છે શું નાંખી ?

જા દૂત, તારા ગુરુને કહેજે,
થશે તમારો વસવાટ સ્હેજે.

છે દૂધમાં સાકર આ સમાઈ,
એવા જ રહેજો બની ભાઈ ભાઈ.

છો ગોર, છો ધીર, ગંભીર, વીર,
મા-ભૂમિનું નીવડશો જ હીર.

વર્ષો હજારેક પછી વહી ગયાં,
છે પારસી ગુર્જરી-હીર થૈ રહ્યાં.

- ઉમાશંકર જોશી

 

પર્શિયનવાસીઓ તેમનો ધર્મ સંકટમાં આવતાં, ગુજરાતનાં સંજાણ બંદરે આવી, રાણા પાસે ભારતમાં રહેવાની પરવાનગી માંગે છે.  આગળ શું થયું આપણે સૌ જાણીએ જ છીએ … પણ તે જ વાતને માણીએ ઉમાશંકર જોશીની કલમે.  આપ સૌ મિત્રોને નવરોઝ મુબારક.

 

શબ્દાર્થ : નવરોઝ  (પર્શિયન) –  નવો દિવસ

 

.

છે મારું : બી.કે.રાઠોડ ‘બાબુ’

Wednesday, July 8th, 2009

 

સાવ ટૂંકું બયાન છે મારું,
છે મહોબત – વિધાન છે મારું.

યાદ, કાગળ કલમ ને ખામોશી,
આગવું ખાનદાન છે મારું.

તું કહે ત્યાં ખુશી ખુશી આવું,
હાથમાં ક્યાં સુકાન છે મારું.

લોક ટોળે વળી ઊભાં છે જ્યાં,
ત્યાં જ સામે મકાન છે મારું.

લોક કાંધે સવાર છું આજે, 
કેટલું ‘બાબુ’ માન છે મારું.

- બી.કે.રાઠોડ ‘બાબુ’

 

બાબુભાઈની એક તરોતાજા ગઝલ – જે ‘ આગવું ખાનદાન’ ધરાવતી તેમની કલમની નવી જ વિસ્તરેલી દિશા દર્શાવે છે.   મહોબ્બતની અટવાતી નાવડીનું સુકાન આમ ટૂંકાં બયાન “છે મહોબત – વિધાન છે મારું”  ને જ સોંપાયને.. ?!!

 

 

.

પ્રેમીની મૂર્તિપૂજા : કલાપી

Wednesday, June 10th, 2009

 

કર તું કંઈએ, કર તું કંઈએ, મધુ તેથી બને વધુ શું કદિએ ?

તુજ કાર્ય સહુ દિલ નિત્ય સ્મરે, વધુ નિર્મળ શું ઉર પૂજી શકે ?

કંઈ બોલ અને દિલ ઈચ્છતું, કે કંઈ બોલ તું બોલ સદા જ પ્રિયે !

તુજ વાણી સદા સુણતો જ રહું, ઝરતાં ફુલ એ વીણતો જ રહું.

તુજ એ સ્વર ગાયનમાં સ્મરતાં, વળી ઓર જ ધૂન મચે ઉરમાં,

તુજ યાચક આ ઉર થાય, પ્રિયે ! ફરીને ફરી એ સ્વર માગી જ લે.

ઉર ઈચ્છતું કે હજી ગા તું પ્રિયે ! નવ થોભ, કશું પણ ગા જ પ્રિયે !

કંઈ દે કંઈ લે સહુ ગીત મહિં, વ્યવહાર બધાં કર ઓ સ્વરથી.

હુકમો સહુ ગાયનથી કરજે ; મુજ ઝિંદગીએ સ્વરથી ભરજે,

તુજ નૃત્ય સ્મરૂં ? ભૂલું ભાન, પ્રિયે ! કંઈ પ્રશ્ન કરૂં સ્મરી નૃત્ય, પ્રિયે !

ક્યમ ઊર્મી બની ન તું વારિધિની, બસ નાચત દિવસને રજની !

ઘુઘવાટ વળી તુજ હું બનતે, હસતો નકી તાલ દીધા કરતે.

કર તું કંઈએ, કર તું કંઈએ, કરુણાર્દ્ર પ્રભુ પ્રતિ કાર્ય પરે ;

તુજ શું તુજ શું થી મધુતર છે ? વળી નિર્મળ શું તુજ શું થી પ્રિયે !

સ્મરતાં સ્મરતાં સ્મરણે ચડ્યું જે બસ પૂજીશ પૂજીશ તે જ પ્રિયે !

- કલાપી

 

ગુજરાતી સાહિત્યનાં કલાપીની પુણ્યતિથિએ આજે તેમની એક રચના, જે તે સમયનાં પ્રવાહ મુજબ અંગ્રેજી સાહિત્યકારોનાં પ્રભાવ હેઠળ રચેલી.  વિલિયમ શેક્સપિયરનાં નાટક ‘ વિલિયમ ટેલ’ નાં અમુક અંશનું ભાષાંતર કરેલ છે. આંતરાનુપ્રાસ અને પુનરુક્તિ કાવ્યને વધુ લયાન્વિત કરે છે.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME