Posts Tagged ‘kiran chauhan’

એટલું કાફી નથી : કિરણ ચૌહાણ

Wednesday, April 8th, 2009

 

ધડ ને માથું એટલું કાફી નથી,
માત્ર હોવું એટલું કાફી નથી.

મુક્તિ માટે કંઈ ખુલાસા જોઈએ,
પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.

કૈંક સોંસરવું ઊતરવું જોઈએ,
માત્ર લખવું એટલું કાફી નથી.

ફક્ત તારે માટે જીવ્યે જાઉં છું,
બોલને, શું એટલું કાફી નથી ?

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
હું અને તું એટલું કાફી નથી !!

- કિરણ ચૌહાણ

 

અઢી અક્ષરનાં પ્રેમની ટૂંકીટચક વ્યાખ્યા….. શું કાફી નથી ?

 

 

.

સુરતનો પૂરપ્રકોપ : ૨૦૦૬

Saturday, September 6th, 2008

દોડતાં આવ્યાં અને પળમાં જ ડુબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં.

સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયાં.

આમ જો કે મૃત્યુથી તો કોઈ દિ’ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયાં.

પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યાં સમયની જિંદગી તાણી ગયાં.

આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
તે છતાં સદ્.ભાગ્ય એ છે કે અમે જીવી ગયાં.

- કિરણ ચૌહાણ

૨૦૦૬માં (તા.૮.૮.૨૦૦૬?) માનવસર્જિત ભૂલને કારણે સુરત આખું પાણીમાં ગરકાવ હતું, ઘરવખરી અને લાશો રસ્તા પર તરતી હતી અને લોકોની યાદો, અરમાન, ડૂબી ગયેલાં….
આપણા વાચકમિત્ર બિમલ દેસાઈની ફરમાઈશ પર આજે કિરણ ચૌહાણની આ ગઝલ તેમના જ હસ્તાક્ષરમાં. મત્લાના શેરથી જ કવિ પોતાની કલમની તાકાત બતાવે છે પણ પૂરની સપાટી ના વધે એટલે આંસુ પણ આંખમાં રોકી લીધેલાં -આ શેર આંખમાં પાણી ના લાવે તો દિલ પર હાથ મૂકીને જોજો કે ક્યાંક હૃદયે ધબકવાનું બંધ તો નથી કરી દીધુંને ? 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME