Posts Tagged ‘krushna dave’

માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે

Tuesday, June 8th, 2010

 

પતંગિયાંની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચંદ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

- કૃષ્ણ દવે 

 

એક માણસની હેસિયત કેટલી ?  બ..સ  ’પોતાનું’  આકાશ બતાવવાની  જ ને ?!!   આમ તો,  માણસને માપવો શક્ય નથી, પણ કૃષ્ણભાઇ આ ગઝલમાં ફૂટપટ્ટી લઈ માણસને  માપી શક્યાં છે, એમ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. 

 

.

એ જ હું જોઉં છું : કૃષ્ણ દવે

Friday, September 4th, 2009

 

બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું;
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

માન, સન્માન આમંત્રણો પણ નહીં, આવવાના કશાં કારણો પણ નહીં,
તે છતાં ઉમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે ? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે;
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહીં જવા જે જતું હોય છે
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું,
ઝૂલણા છંદમાં આ રીતે પ્રગટવું ? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

- કૃષ્ણ દવે

 

કૃષ્ણ દવેનાં જન્મદિને તેમને ‘સહજ’ વરેલી ગીતનુમા ગઝલ. વૅબમહેફિલ અને તેનાં સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….!!

 

  

એક તમારા મતને ખાતર : કૃષ્ણ દવે

Thursday, April 30th, 2009

vote

એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો ?
એક ટીપાથી આખ્ખે આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય એ જો જો.

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાખો છો પણ -
એ જ તમારી ઓળખનો અંગૂઠો ના છીનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

- કૃષ્ણ દવે

” જેના નામ પર મેં ચોકડી મારી,
લોકશાહીમાં  એ જ ચૂંટાઈ આવ્યો. ” સુરેશદાદાએ કશેક નોંધ્યું છે, મને થયું જો કે હવે તો મશીન આવી ગયાં એટલે વાંધો નહિં…. ?!!  પણ ત્યાં વળી, કૃષ્ણભાઈ જ આપણને ચેતવે છે કે,
“મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ !
જેના પર એ મૂકે આંગળી, બત્તી ધરતું લાલ.”

Anyways ……

- પામો તો નેતા બનો,
આપો તો સપડાવ !
‘અમૂલ્ય’ કહી એ ચીજનો
તો ય ઠરે છે ભાવ ! – નિર્મિશ અંકલે કહ્યું એમ, આપનાં અમૂલ્ય મત નો વ્યય ન કરતાં અને ચોક્ક્સ મતદાન કરશો જ. કારણ દુનિયામાં પ્રવર્તિત બધી ‘શાહી’માં લોકશાહીમાં જ લોકોનો આટલો તો આટલો પણ ‘હક’ તો રહેલો છે. better option તો મળે at least આપણને…… !!

.

બાકસ નામે ધરમ : કૃષ્ણ દવે

Monday, March 30th, 2009

pigeon1


 


બાકસ નામે ધરમ, ધરમમાં દિવાસળીનાં ટોળાં જી,
એક જ પળમાં ઝડપી લીધાં કૈંક કબૂતર ભોળાં જી.
પીંછાં બાળ્યાં પાંખો બાળી બાળી એની ચાંચો જી,
પછી કહ્યું લ્યો ભડકે બળતા ચહેરાઓને વાંચો જી.


બાકસજી ઉપદેશ કરે ને આપે સૌને અગ્નિજી,
ફૂલેફાલે ધરમ આપણો એ જ અમારી લગની જી.
નાતજાતનો ભેદ નથી આ ધરમ એટલો સારો જી,
એક વાત ને એક આચરણ પકડો, કાપો મારો જી,


વાત સાંભળી ગલી ગલીથી ઉમટી આવ્યા ચેલા જી,
ત્યારે અમને ખબર પડી કે હતા કેટલા ઘેલા જી.
ઘણો કઠિન આ ધર્મ હતો ને હોંશે હોંશે પાળ્યો જી,
વ્યર્થ બધી એ વાતો છે ભૈ કોણે કોને બાળ્યો જી.


દિવાસળીનાં ટોળેટોળાં ફરી વળ્યાં ચિક્કાર જી,
બાકસ નામે ધરમ, ધરમનો થઈ ગ્યો જયજયકાર જી.


- કૃષ્ણ દવે


 


 આજે સવારે Breaking newsમાં વારેવારે પાકિસ્તાનમાં ફેલાયેલો આતંક જોઇ બીજો કોઇ વિચાર આવે ? બસ……’તેઓ” તો એક જ ધર્મવાદી = ત્રાસવાદી અને આતંકને ત્રાસ ફેલાવવો તે જ તેમનો ધર્મ. બાકસ, દિવાસળી, એ.કે.૪૭, બોમ્બ, મિસાઇલ્સ તે તો તેમનો પૂજાપો. બસ કૃષ્ણભાઈ કહે છે એમ, નાતજાતનો ભેદ નથી એટલો આ ધરમ સારો…. ?!!  આપણને આ ધરમ ના સમજાય – કારણ આપણે તો ભોળાં કબૂતરજી…. ?!!


 


 


.

શું ફેર પડે છે ? : કૃષ્ણ દવે

Friday, November 28th, 2008

 

શું ફેર પડે છે ?

પાંચ-પચીસ-પચાસ કે પાંચસો ?!!

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં….

જુઓને કેવાં સહનશીલ અને સહિષ્ણુ ?!!

એમ કાંઈ અકળાઈ ના ઊઠે – નાની નાની વાતોમાં,

પેલાઓની જેમ,

એય ઢાળી દે બે ટાવરોનાં બદલામાં -

બે-ચાર દેશ……

- કૃષ્ણ દવે

 

એ શહીદોને આજે એક સલામ અને વંદન સહ…. કે જેણે પોતાનાં પેટની કે પેટનાં જણ્યાની ચિંતા કર્યા વિના સામી છાતીએ ગોળીઓ ઝીલી. જંગ તો આપણે તેમને ગુમાવીને હારી જ ચૂક્યા છીએ. આશા રાખીએ કે રાજકારણીઓનાં પેટનું પાણી હલે તો ફરી આવાં બાહોશ વીરોને ગુમાવવા ના પડે.

 

 

પતંગિયું : કૃષ્ણ દવે

Friday, November 14th, 2008

( મારું પતંગિયું…… !! )

 

પતંગિયું કહે મમ્મી,મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ;
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ. -પતંગિયું.

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ. – પતંગિયું.

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ. – પતંગિયું.

- કૃષ્ણ દવે

દિવાળી વેકેશન લગભગ પૂરું થઈ ગયું છે અથવા તો આજ-કાલમાં વેકેશન ખૂલી જશે અને ત્યારે આજે બાળદિન નિમિત્તે ભૂલકાંઓને પણ સ્કૂલ જવાનું મન થઈ જાય એવું ગીત- જો આવી સ્કૂલ હોય તો ?!! કૃષ્ણભાઈએ પહેલાં તો ફૂલોને યુનિફોર્મમાં આવવા ઈજન આપી બાળપુષ્પોને ખુશ કરી દીધેલાં તો આજે પતંગિયાંને !! આપણાં બાળકો પણ આમ જ ખુશ થતાં થતાં સ્કૂલ જવાં તૈયાર થાય તો ? જેવાં દફતર ખૂલેને ઉમંગ નીકળે અને એમને પણ પહેલાં જ પિરિયડથી ખૂબ મસ્તી પડે તેવી શિક્ષણપ્રથા અમલી બને કે જેથી લૅસનમાં ડાયરેક્ટ જ્ઞાનની સુગંધ પામી શકે. અને હા, મધમાખી મૅડમની જેમ શિક્ષક પોતે જ આદર્શ બને અને પ્રેરણા પામી તેઓ પણ મીઠું મીઠું ગાય ?!! નહેરુચાચાનાં જન્મદિને આજથી જ મારા દિકરાની સ્કૂલ શરૂ થઈ. કહેવાની જરૂર છે કે મારું પતંગિયું જરા પણ તૈયાર ન’તું અને આજે રજા જ પાડી છે !! આજે બાળદિન નિમિત્તે બાળક બની થોડીક મજા લૂંટી જ લેજો લાફિંગ ક્લબમાં રજા પાડીને પણ કારણ એનાં જેવો નિર્દોષ આનંદ ત્યાં પણ નહિં આવે અને હાઆઆ……… આજે એક બીજાં પતંગિયા સ્વયંનો જન્મદિન પણ છે તેને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

 

 

  • Page 1 of 2
  • 1
  • 2
  • >
This text will be replaced by the flash music player.
Powered By Indic IME