કાગળ : મેઘબિંદુ
Wednesday, June 16th, 2010
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?
સુખની ઘટના લખું તમોને, ત્યાં દુઃખ કલમને રોકે,
દુઃખની ઘટના લખવા જાઉં, ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યાં,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યા;
તોય તમારી ઇચ્છા દોડે મુજથી આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?
- મેઘબિંદુ
પોતાની સંવેદનાઓને પ્રિયજનને કહેવી ઘણી અશક્ય હોય અને આથી જ આપણે કાગળ અને કલમનો સહારો લઇએ પણ ત્યારે પણ આંખનાં ઝળઝળિયાની ઝાંખપ ક્યાં કશું લખવા દે છે ? ઇન્ટરનેટ યુગમાં e-mail દ્વારા મનની વાતો ફેસબુક કે ઓર્કુટ પર શૅર કરીએ છીએ. પણ જો રુબરુમાં એ જ વાતો કહેવાની હોય તો…. ફરી એ જ વ્યથા !
.
