ગીત-ગઝલ : જવાહર બક્ષી
Monday, September 21st, 2009
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
- જવાહર બક્ષી
મિત્રો, નવલી નવરાત્રિમાં આજે માણીશું એક ગીત-ગઝલ. જેમાં રદીફ – રે લોલ છે જેથી ગઝલ પણ ગીતની જેમ જ ગૂંજે છે. કલ્પન પણ કેવાં મજાનાં છે !! કોઈની યાદ આવતાં આખુંયે આકાશ આંખમાં ટોળે વળે છે તો દીધેલાં કોલ વટવૃક્ષ બની ગયાં …. વિરહકાળ કેટલો લાં …બો ? અને તેની યાદોની સફરમાં બે-ચાર પગલાં ચાલ્યાં ત્યાં તો એકલતા રસ્તો બની સામે મળે છે. આ ભીનાં ઉજાગરે પણ દિલ તો જાણે અડધો કૂવો…. હજુયે આંસુ કેમેય કરી ખૂટતાં નથી. બસ, યાદોની હૂંફ અને સહારો… અને તે પણ કાલે તો બરફનો સૂરજ હોય એમ થીજી જશે !! જોકે, એ કાલ જલ્દી આવતી પણ નથી અને આવે તો ગમે ? આ મીઠો અજંપો પણ વ્હાલો લાગે કારણ યાદ રુપે પણ પ્રિયજન પાસે તો હોય ને !!
.
