Posts Tagged ‘literature’

એક બનાવટ છે : રશીદ મીર

Friday, June 18th, 2010

કોરો કોરો છે ને લખાવટ છે,
પત્ર પોતે જ એક બનાવટ છે.

સૂનાં છે દૂર સુધી રસ્તાઓ,
મારી આંખોમાં યે થકાવટ છે.

બારીને ધીમો સાદ આપે છે,
કેવા રસ્તાઓ પણ નપાવટ છે.

કૈં નથી ને બધું જ છે એમાં,
ખાલી ખાલી છે ને સજાવટ છે.

પહેરણ તારતાર થઈ ચાલ્યું,
આપ કહો છો કે એ રખાવટ છે.

જોઈ લઈશું અમે ગમે ત્યારે,
જોઈ લેવાની અમને ફાવટ છે.

અંતે અવધૂત ‘મીર’ થઈ બેઠાં,
એક પલાંઠીની બસ જમાવટ છે.

- રશીદ મીર

ગઝલિયતથી ભરપૂર એક ગઝલ, જેનો એક-એક શેર એક ગઝલ બરાબર છે.  એને પ્રસ્તાવનાની કોઇ જરુર છે ખરી ?!!

.

શબ્દો જ માળા : સંદીપ ભાટિયા

Friday, June 4th, 2010

 

શબ્દો જ મંતર, શબ્દો જ માળા,
ભગવા ધરી કાફિયા થ્યા રુપાળા.

તને પત્રમાં મોકલું રોજ વર્ષા,
ભલે રોજનીશીને પાને ઉનાળા.

ફરસ પર જડી, આભનો એક ટુકડો,
પસવારી લઉં એને બેચાર દહાડા.

હજી લાગણીનું છે ઘર બાંધવાનું,
એ પહેલાં ખરીદો કાં કૂંચી ને તાળાં ?

નથી કાંઈ ત્રીજું કવિતાના દેશે,
રહો બસ ખુશીથી ભરો કાં ઉચાળા.

- સંદીપ ભાટિયા

 

કવિતાનાં દેશમાં વાત ભલે દર્દની હોય અંતે તો –  વાત ખુશી આપનારી હોય છે.  જોકે,  આભનાં એક ટુકડાને ફરસ પર જડીને પસવારીએ તેટલી જ ખુશી…  પણ  ભર ઉનાળે વર્ષા કોને ન ગમે ?!! 

 

 

.

શું થશે ? : બરકત વિરાણી ‘બેફામ’

Thursday, June 3rd, 2010

 

આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે ?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે ?

આ ઝાંઝવાથી એક ગતિશીલતા તો છે,
મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસાનું શું થશે ?

ચમકે ન મારું ભાગ્ય ભલે કિંતુ ઓ ખુદા,
તારા ગગનનાં કોઇ સિતારાનું શું થશે ?

આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
નહિં આવશું અમે તો મદિરાનું શું થશે ?

‘બેફામ’ એટલે તો નિરાંતે ઊંઘી જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે ?

- બરકત વિરાણી ‘બેફામ’

 

વિરહની વેદનાને વાચા આપતી ઉત્તમોત્તમ ગઝલો કવિઓએ આપી છે.   પ્રિયજનના વિયોગમાં, દિલમાં કંડારેલી  મિલનની એ મધુરી ક્ષણો કેમેય ભૂલાતી નથી…… અને તે યાદો ક્ષણમાત્ર પણ પ્રિયજનથી દૂર થવા દેતી નથી.  પણ,  અચાનક જ તેના આગમનની એંધાણી માત્રથી એ મધુરી ક્ષણોથી વિખૂટું થઇ જવું પડે છે.  માત્ર પ્રિયજન જ કેમ,  મંઝિલ ન મળે ત્યાં સુધી જ તેને પામવાની ઉત્સુકતા આપણાં જીવનનું લક્ષ્ય બની રહે છે.  પણ મંઝિલ મળી ગયાં પછી શું ?!!  ( સાભાર : તાહા મન્સૂરી )

 

.

આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા

Tuesday, June 1st, 2010

 

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

- હિતેન આનંદપરા

 

સમી સાંજે દરિયા કિનારે, પ્રકૃતિનો ખોળો ખૂંદવાને બદલે,  આજનો માણસ પીઠ ફેરવી ગાડીઓ ગણ્યા કરે છે.   લક્ષ્મી ગણીને થાકતો નથી તો લાગણીઓ ગણવાનું શરુ કરી દે છે.  હિતેનભાઇ કહે છે એમ,  આજના માણસમાં  આખો ને આખો શકુનિ ઝરે છે, ખબર નહીં તે ક્યારે ‘ ખરે’  ?!!

 

.

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા

Monday, May 31st, 2010

 

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’ થી ‘સદી’ની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવંત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર, ખીણ, ધુમ્મસ, સૂરજ  કે કશું નૈં ?
‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું,
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.

 - ભગવતીકુમાર શર્મા

 

ભગવતીદાદાનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી અને માનીતી ગઝલ.  જેમ આંધીમાં તણખલું વંટોળે ચઢે એમ આપણે પણ દુન્યવી  વંટોળે ચઢીએ તો છીએ પણ પછી તણખલાંની જેમ પવનની સંગ લહેરાતા નથી આવડતું  અને આવી કંઇક વારસાગત સમસ્યાઓ લઈને જન્મ લેનારાં આપણે આપણને પણ મળી શકતાં નથી.  સડક પર ઝિબ્રા ક્રોસિંગ આવે ને જાય …  એમ સદીઓ વીતી જાય છતાંય માણસ જાતની ‘કદી’ એ પળ આવતી જ નથી કે  ‘ ટુ બી ઓર નૉટ ટુ બી’ માં અટવાયા વિના ખુદને મળી શકે.  ( ઑડિયો : નયનેશ જાની )

 

 

.

ખળભળ હશે : સંજય પંડ્યા

Thursday, May 27th, 2010

 

આંખથી નીતરી ચૂકેલાં જળ હશે,
વેદનાને દ્વાર કૈં ખળભળ હશે.

લ્યો જરી અમથું અડપલું શ્વાસનું,
દૂત યમનાં હાથ બસ આગળ હશે.

રંગ પીળો,  બ્રશ અને ભૂખરી ધરા,
વ્યોમને કેનવાસ દાવાનળ હશે.

ઉજવે વરસો અબોલા આપણાં,
સેજ, મેડી, બારીઓ વિહ્વળ હશે.

નેજવું આ હાથનું આંખો ઉપર,
ને વીતેલો કાળ પણ પોકળ હશે.

લે હૃદયની આગ પણ ટાઢી પડી,
હાથમાં તારા કૂણું ઝાકળ હશે.

- સંજય પંડ્યા

શ્વાસનું એક અમથું અડપલું અને આખીયે જિંદગીનો ખેલ – બાકી યમદૂતનાં હાથ તો આપણી આગળ જ હોય છે.   ઈશ્વરને મન,  આ ભૂખરી ધરા એક કેનવાસ હોય એમ,  પીળો રંગ લઇ બધેય દાવાનળ જ ચીતર્યા કરે અને આપણે  આંખો પર નેજવું કરી,   ‘આપણા’  સમયની  વાટ જોયાં કરીએ.  બસ, આંખમાંથી ચોધાર અશ્રુધારાઓ વહી ગયાં પછી,  જળ ખૂટી ગયાં હોય એટલું જ પણ વેદનાનો ભાર ઓછો થયો હોતો નથી.   કોઇનો લાગણીભીનો  હાથ  જ હૃદયની આ આગને ઠંડી કરી શકે અને જેની રાહ જોતાં સેજ, મેડી અને બારીઓ પણ વિહ્‍વળ થઈ ઊઠી હોય એ હાથ તેનો જ હોય તો ?!!  

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME